Atrocity News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય નેતાઓ જનતાના સેવક બનવાને બદલે ‘ગલીના દાદા’ બનતા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખ અને વોર્ડ નંબર 4 ના ઉમેદવાર ગુલઝાર વડાણીયાની દાદાગીરી સામે આવી છે. સત્તા કે પદ મળતા પહેલા જ રાજકીય પક્ષનો ખેસ પહેરીને નબળા વર્ગના લોકો પર રોફ જમાવવાની આ માનસિકતા સામે આખરે એટ્રોસિટીનો દંડો ઉગામાતા નેતાજી ઢીલા પડી ગયા છે.
શું છે સમગ્ર ઘટના?
ધ્રાંગધ્રા નગરપાલિકા હેઠળ ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાનું કામ કરતા નિલેશભાઈ અને તેમના પત્ની જ્યારે વોર્ડ નંબર 4 માં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આ શરમજનક ઘટના ઘટી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર શોયેબ બાદશાહે નિલેશભાઈને અટકાવીને દબાણ કર્યું હતું કે તેઓએ સૌથી પહેલા તેમના ઘરેથી કચરો લેવો. નિલેશભાઈએ સરકારી નિયમ મુજબ રૂટ પર ચાલવાની વાત કરી ત્યારે શોયેબ ઉશ્કેરાઈ ગયો હતો અને વાહનનો પીછો કરીને દંપતી સાથે ગાળાગાળી કરી હતી.

આ પણ વાંચો: પોલીસે દલિત યુવકને પટ્ટાથી માર મારી વીજળીના ઝાટકા આપ્યા!
આ વિવાદમાં ‘આપ’ ના શહેર પ્રમુખ ગુલઝાર વડાણીયાએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાને બદલે પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આરોપ છે કે વડાણીયાએ ત્યાં આવીને નિલેશભાઈને માર માર્યો હતો અને સૌથી ગંભીર બાબત એ છે કે તેમને જાતિ પ્રત્યે અપમાનિત કરી જ્ઞાતિસૂચક અપશબ્દો બોલ્યા હતા.
આપના નેતાની ગલીના ગુંડા જેવી દાદાગીરી
આ ઘટના ફરી એકવાર એ સવાલ ઉભો કરે છે કે શું રાજકીય પક્ષોના હોદ્દા મળતા જ નેતાઓ પોતાને કાયદાથી ઉપર માનવા લાગે છે? ગલીઓમાં ફરતા સામાન્ય કાર્યકરો જ્યારે પક્ષનો ખેસ ધારણ કરે છે, ત્યારે તેઓ જનસેવાને બદલે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને દલિત કે પછાત વર્ગના શ્રમિકોને દબાવવાનું સાધન બનાવી લે છે.
‘આપ’ નો દલિત વિરોધી ઇતિહાસ?
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા દલિત સમાજનું અપમાન થયું હોય અથવા તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. ભૂતકાળમાં પણ પક્ષના અનેક નાના-મોટા નેતાઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિના લોકો સાથે ગેરવર્તન અને ભેદભાવના આરોપો લાગતા રહ્યા છે. એક તરફ પક્ષ બાબાસાહેબ આંબેડકરના ફોટા લગાવીને રાજનીતિ કરે છે, તો બીજી તરફ તેમના જ પદાધિકારીઓ જમીની સ્તરે દલિતો પર અત્યાચાર ગુજારતા ઝડપાય છે.

આ પણ વાંચો: સયાજીરાવ ગાયકવાડ: જેમના શાસનમાં ‘પ્રજા ધર્મ’ એ જ ‘રાજ ધર્મ’ હતો
સફાઈ કર્મચારીએ હિંમત બતાવી ફરિયાદ નોંધાવી
ભોગ બનનાર નિલેશભાઈએ હિંમત દાખવીને પોતાના સાથી કામદારો અને કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી, જેના પગલે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અને સફાઈ કામદારો પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસે ગુલઝાર વડાણીયા અને શોયેબ બાદશાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને મારપીટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણી ટાણે જ બનેલી આ ઘટનાથી આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ છે અને સ્થાનિક સ્તરે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ‘આપ’ હાઈકમાન્ડ આવા ‘ગલીના દાદા’ સમાન નેતાઓ સામે કેવા પગલાં ભરે છે.
આ પણ વાંચો: રાજકોટના દલિત યુવક ભાવેશ વાણવીની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો










