જાતિવાદથી ખદબદતા આપણા દેશમાં દલિતોની ખેતીની કે મોકાની જમીનો પર માથાભારે તત્વો દ્વારા કબ્જો જમાવી લેવો એ હદે સામાન્ય બાબત બની ચૂકી છે કે, કાયદાના રખેવાળોને પણ તેમાં કશું અજુગતું લાગતું નથી. જો કે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના લટેરી તાલુકાના એક ગામમાં તો માથાભારે તત્વોએ દલિતોનું આખેઆખું ભવન કબ્જે કરી લીધું હતું. એટલું જ નહીં, આરોપીઓએ આ દલિત ભવનમાં ઘાસચારો ભરી દીધો હતો અને તેના શૌચાલયમાં દુકાન ખોલી નાખી હતી. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) ના સભ્યે આ ગામની મુલાકાત લીધી હતી.
માનવ અધિકાર પંચના સભ્યે ભાંડો ફોડ્યો
સમગ્ર દેશમાં જ્યારે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી, તે જ પખવાડા દરમિયાન લટેરી ક્ષેત્રના ગ્રામીણોએ તેમની વ્યથા પ્રિયંક કાનૂનગો સમક્ષ રજૂ કરી હતી. ગ્રામીણોએ પંચને ફરિયાદ કરી હતી કે વર્ષોથી તેમના ઉપયોગ માટે બનાવવામાં આવેલું સામુદાયિક ભવન અને શૌચાલય માથાભારે તત્વોના કબજામાં છે, જેના કારણે દલિત સમાજને કાર્યક્રમો યોજવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ પણ વાંચો: દલિત યુવકે મજૂરી માંગતા માલિકે ગોળના ઉકળતા કૂંડમાં ફેંકી દીધો!
દલિત ભવનમાં ઘાસચારો ભરી દેવાયો
તપાસ દરમિયાન જે તસવીરો સામે આવી તે વિચલિત કરનારી હતી. ગામના માથાભારે શખ્સ સુલેમાન દ્વારા દલિત સમાજ ભવનને ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું. આ ભવનની અંદર પશુઓનો ઘાસચારો (કડબ) ભરી દેવામાં આવી હતી. આટલેથી ન અટકતા, અતિક્રમણની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે ખબર પડી કે અબ્દુલ્લા નામના વ્યક્તિએ જાહેર શૌચાલય પર જ કબજો કરી લીધો હતો. આ શૌચાલયની અંદર તે નિયમ વિરુદ્ધ કરિયાણાની દુકાન ચલાવી રહ્યો હતો. સ્વચ્છતા અને સામાજિક હિત માટે બનાવેલા શૌચાલયનો આવો દુરુપયોગ જોઈને વહીવટી અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
વહીવટી તંત્રે કડક કાર્યવાહી કરી
ફરિયાદની ગંભીરતા જોઈને પ્રિયંક કાનૂનગોએ તાત્કાલિક અસરથી એસડીએમ (SDM) અને પોલીસ કાફલાને સ્થળ પર બોલાવ્યો હતો. અધિકારીઓની હાજરીમાં શૌચાલય ખાલી કરાવી તેની અંદરનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સામાજિક ભવનમાંથી પણ ઘાસચારો હટાવી તેને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એસડીએમ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવા અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવા આદેશો જારી કરાયા છે.
આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના મુખ્ય આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખ બનાવ્યો

માનવાધિકાર પંચે આકરી ઝાટકણી કાઢી
આ પ્રસંગે પ્રિયંક કાનૂનગોએ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે પણ રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “કોઈપણ સમાજની વસ્તી ઓછી હોય તેના આધારે તેનું શોષણ કરી શકાય નહીં. જો ધર્મ કે જાતિના આધારે ભેદભાવ કરીને દલિતોના હક છીનવવામાં આવતા હોય, તો તે સભ્ય સમાજ માટે કલંક સમાન છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, બાબા સાહેબની જયંતીના અવસરે આવી ઘટનાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરે છે.
આ મામલે સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈપણ સરકારી મિલકત કે જે વંચિત સમાજોને માટે ફાળવવામાં આવી હોય, તેના પર કોઈ પણ તત્વો કબજો ન કરે તેની તકેદારી રાખવામાં આવે. આ ઘટના બાદ ગામના દલિત સમાજમાં ન્યાયની આશા જન્મી છે, પરંતુ તંત્રની નાકની નીચે આટલા લાંબા સમયથી ચાલી રહેલું અતિક્રમણ સ્થાનિક પંચાયત અને વહીવટી અધિકારીઓની મિલીભગત સામે પણ આંગળી ચીંધે છે.
આ પણ વાંચો: ધોળકાના કોઠમાં દલિતો 25 વર્ષથી પીવાના પાણીથી વંચિત!











