મધ્યાહન ભોજનની દાળમાંથી સાપ નીકળ્યો, 250 થી વધુ બાળકોને ઝેર ચડ્યું

મધ્યાહન ભોજનમાં રાંધેલી દાળમાં ઝેરી સાપ પડ્યો છતાં એ ઝેરી દાળ ગરીબ બાળકોને ખવડાવવામાં આવતા 250 થી વધુ માસૂમ બાળકોને ઝેર ચડી ગયું.
mid-day meal in Bihar

કથિત વિશ્વગુરુ આપણા દેશમાં જાણે ગરીબના બાળકોના જીવ કે આરોગ્યની જાણે કોઈ કિંમત જ ન હોય તેવી એક ઘટના સામે આવી છે. મામલો બિહારનો છે. અહીંના સહરસા જિલ્લામાં સરકારી તંત્રની ઘોર બેદરકારીએ સેંકડો બાળકોના જીવ જોખમમાં મૂક્યા છે. મહિષી તાલુકાની બલુઆહા સ્થિત રાજકીય મધ્ય વિદ્યાલયમાં ગુરુવારે પીરસવામાં આવેલા મધ્યાહન ભોજનમાં મરેલો સાપ મળી આવ્યો હતો. આ ઝેરી દાળ ખાવાના કારણે અંદાજે 250 થી વધુ બાળકોને ઝેરની અસર થતાં તમામને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે.

દાળ પીરસતી વખતે તેમાંથી સાપ નીકળ્યો હતો

ઘટનાની વિગત મુજબ, શાળામાં મધ્યાહન ભોજનનો સમય થયો ત્યારે બાળકો લાઈનમાં બેસી ભોજન લઈ રહ્યા હતા. શાળાના કુલ 545 વિદ્યાર્થીઓમાંથી અંદાજે 200 થી વધુ બાળકો જમી ચૂક્યા હતા. તે દરમિયાન જ્યારે રસોઈયાએ દાળના મોટા વાસણના તળિયેથી દાળ કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમાં એક મરેલો સાપ તરતો જોવા મળ્યો હતો. સાપ જોતા જ પીરસવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. જે બાળકોએ તે દાળ અને ભાત ખાધા હતા, તેમને ગણતરીની મિનિટોમાં જ ગભરામણ અને ઉલટીઓ થવા લાગી હતી.

આ પણ વાંચો: બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ: 8 મહિલાઓના મોત

હોસ્પિટલમાં અફરાતફરી: 250 બાળકો બેભાન જેવી સ્થિતિમાં

ભોજન લીધાના થોડા સમય બાદ જ બાળકોને અચાનક પેટમાં દુખાવો, ચક્કર આવવા અને સતત ઉલટીઓની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં 250 થી વધુ બાળકોની હાલત લથડતા શાળા પરિસરમાં ચીસાચીસ મચી ગઈ હતી. તંત્ર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલમાં 115 થી વધુ બાળકો સહરસા સદર હોસ્પિટલમાં અને અંદાજે 50 બાળકો મહિષી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. ઘણા બાળકોની હાલત નાજુક જણાતા તેમને આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

રોષે ભરાયેલા વાલીઓનો હોસ્પિટલ અને શાળા પર હલ્લો

બાળકોના બીમાર પડવાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં વાલીઓ શાળા અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળામાં ભોજન બનાવતી વખતે કોઈ જ પ્રકારની સ્વચ્છતા રાખવામાં આવતી નથી અને અનાજમાં જીવજંતુઓ હોવા છતાં તેને સાફ કર્યા વગર જ રાંધી દેવામાં આવે છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાના રસોઈયા અને પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: હોસ્પિટલની સેપ્ટિક ટેંક સાફ કરવા ઉતરેલા ત્રણ સફાઈકર્મીઓના મોત

તંત્ર દ્વારા તપાસના આદેશ અને સેમ્પલિંગ

જિલ્લા મેજિસ્ટ્રેટ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, “આ અત્યંત ગંભીર બેદરકારી છે. એફએસએલ (FSL) ની ટીમ અને ડ્રગ ઇન્સ્પેક્ટરે સ્થળ પરથી રાંધેલી દાળ અને કાચા અનાજના નમૂના લઈ તપાસ માટે મોકલી આપ્યા છે.” સિવિલ સર્જન ડો. રાજનારાયણ પ્રસાદે પુષ્ટિ કરી છે કે બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, જોકે યોગ્ય સારવાર મળતા હાલ તમામની સ્થિતિ સ્થિર છે. બિહારમાં મધ્યાહન ભોજનમાં બેદરકારીની આ પહેલી ઘટના નથી, જો કે દાળમાંથી સાપ નીકળે એ બાબતે રાજ્યના શિક્ષણ તંત્રને હચમચાવી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ બાદ જવાબદારો સામે શું પગલાં લેવાય છે.

આ પણ વાંચો: પોલીસે 16 વર્ષના દલિત કિશોરને એટલો માર્યો કે વેન્ટિલેટર પર છે!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x