ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-૨ના પરિણામ બાદ સોશિયલ મીડિયા અને વિવિધ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આક્ષેપ છે કે આયોગના વર્તમાન ચેરમેન હસમુખ પટેલના કાર્યકાળમાં ‘ગુજરાત જાહેર સેવા આયોગ’ હવે ‘ગુજરાત પટેલ સેવા આયોગ’ બની ગયું છે.
પુરાવા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના તેજસ્વી ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપી જાણીજોઈને નાપાસ કરવામાં આવ્યા છે, જેથી સવર્ણ અને ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારો માટે રસ્તો સાફ કરી શકાય.

OBC ને 14 ને બદલે માત્ર 2 જગ્યાઓ ફાળવાઈ
જીપીએસસીની ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર સતત ચાંપતી નજર રાખતા રહેલા પ્રો. જયેશ વરિયા અને પ્રો.ડો.બળદેવજી રાઠોડે ટાઉન પ્લાનર વર્ગ-2ની ભરતી પરીક્ષામાં કેવી રીતે આયોગના ચેરમેન દ્વારા તેમની જાતિના ઉમેદવારોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે તેનો ભાંડો ફોડી નાખ્યો છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 52 જગ્યાઓ હતી. અનામતના નિયમ મુજબ OBCને 27 % લેખે 14 જગ્યાઓ મળવી જોઈતી હતી, પરંતુ પરિણામમાં માત્ર 2 જ ઉમેદવારોની પસંદગી થઈ છે. તેવી જ રીતે SC કેટેગરીમાં 4 ના બદલે માત્ર 2 ઉમેદવારોને સ્થાન મળ્યું છે. બીજી તરફ, EWS કેટેગરીમાં 5 ના બદલે 6 ઉમેદવારોને પાસ કરી વધારાનો ફાયદો પહોંચાડાયો હોવાનું આંકડાઓ દર્શાવે છે.
આ પણ વાંચો: GPSCમાં ‘ચોક્કસ જાતિના’ લોકોને પાસ કરાય છેઃ માંગીલાલ પટેલ
ઈન્ટરવ્યૂમાં ગુણ આપવાની પદ્ધતિ પર સવાલ
સૌથી ચોંકાવનારી બાબત ઈન્ટરવ્યૂના ગુણમાં જોવા મળી છે. લેખિત પરીક્ષામાં અત્યંત ઓછા ગુણ લાવનાર આયોગ ચેરમેનની જ્ઞાતિના ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં 100 માંથી 45 થી 90 જેટલા અધધ ગુણ આપી મેરિટમાં ઉપર લાવવામાં આવ્યા છે. દાખલા તરીકે, લેખિતમાં 19.84 ગુણ લાવનાર પટેલ ઉમેદવારને ઈન્ટરવ્યૂમાં 45 ગુણ આપી સફળ કરાયા છે. તેની સામે, લેખિતમાં 33.21 ગુણ સાથે બીજા ક્રમે રહેલા OBC ઉમેદવારને ઈન્ટરવ્યૂમાં માત્ર 5 ગુણ આપી નાપાસ કરી દેવાયા છે.
OBC ઉમેદવારો સાથે સૌથી વધુ અન્યાય
રિસર્ચ રિપોર્ટ મુજબ, કુલ 400 માંથી 209.04 ગુણ લાવનાર ઓપન કેટેગરીના ઉમેદવાર પાસ જાહેર થયા છે, જ્યારે 209.26 ગુણ (વધારે ગુણ) ધરાવતા OBC ઉમેદવારને નાપાસ કરવામાં આવ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે OBC ઉમેદવારોને ઓછા ગુણ આપી તેમને ઓપન મેરિટમાં આવતા અટકાવવા માટે વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. જો 27 % મુજબ ભરતી થઈ હોત તો 13 ના બદલે 25 OBC ઉમેદવારો પાસ થયા હોત.

આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી
પટેલ સમાજની સંસ્થાઓ સાથેનું જોડાણ અને ભૂતકાળના કૌભાંડો
અગાઉ પણ આક્ષેપો થયા હતા કે હસમુખ પટેલે સરદાર ધામ જેવી પટેલ સમાજની સંસ્થાઓ સાથે મળીને જીપીએસસીની પ્રક્રિયામાં પટેલ સમાજના યુવાનોને ફાયદો કરાવ્યો છે. હાલ મુખ્યમંત્રી પટેલ સમાજના છે, તેમણે તેમની જ સમાજના એક અધિકારીને જીપીએસસીના ચેરમેન બનાવ્યા છે, આ અધિકારી પટેલ સમાજની સરધામ જેવી સંસ્થાઓના કોચિંગ ક્લાસમાં તાલીમ આપતા પટેલ સમાજના જ અધિકારીઓને ઈન્ટરવ્યૂની પેનલમાં બેસાડ્યા હતા અને આ પેનલિસ્ટોએ પટેલ સમાજના ઉમેદવારોને ફાયદો કરાવ્યો હતો.
EWS ના ઓપન મેરિટમાં 100 ટકા ઉમેદવારો પટેલ સમાજના
ટાઉન પ્લાનર વર્ગ -2ની ભરતી પરીક્ષાની વાત કરીએ તો તેમાં ઓપન કેટેગરીની 28 જગ્યાઓમાંથી 18 જગ્યાઓ પર માત્ર પટેલ ઉમેદવારોની પસંદગી અને EWSના ઓપન મેરિટમાં પણ 100 % પાટીદાર ઉમેદવારોની પસંદગી આ પ્રક્રિયાની પારદર્શિતા પર મોટા સવાલો ઉભા કરે છે. આ સમગ્ર પ્રકરણમાં હવે ‘યુવા કોળી એકતા સંગઠન’ અને અન્ય પછાત વર્ગના સંગઠનો મેદાનમાં આવ્યા છે. તેમની માંગ છે કે અનામતનું હનન કરનાર અને જાતિવાદ ફેલાવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને ભરતી પ્રક્રિયાની ન્યાયિક તપાસ કરવામાં આવે.
આ પણ વાંચો: હસમુખ પટેલનું વલણ જાતિવાદી, GPSC માંથી હટાવો’
















Yes