દસાડા: ગુજરાતમાં 21મી સદીમાં પણ જ્ઞાતિવાદી માનસિકતાના મૂળિયાં કેટલા ઊંડા છે તેનો જીવંત પુરાવો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેતાસર ગામે જોવા મળ્યો છે. ગામના જાહેર કૂવામાંથી પાણી ભરવા જેવી પાયાની જરૂરિયાત મુદ્દે દલિત પરિવાર પર અત્યાચાર ગુજારી તેમનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં તંત્રની ઢીલી નીતિને કારણે પીડિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મામલો શું છે?
દસાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, ફરિયાદી દીલીપભાઈ ભીખાભાઈ રાઠોડ જેઓ હાલ રાજકોટ ખાતે ખાનગી નોકરી કરે છે, તેઓ ગત તારીખ 25/04/2026ના રોજ પોતાના મૂળ વતન મેતાસર આવ્યા હતા. બપોરના આશરે બે વાગ્યાના સમયે તેમની પિતરાઈ બહેન પુનમબેન ગામના જાહેર કૂવે પાણી ભરવા ગયા હતા.

આ પણ વાંચો: તમે ભારતના વૉટરમેન ‘ડૉ.આંબેડકર’ને ઓળખો છો?
આ સમયે ત્યાં હાજર દેવુબેન નારણભાઈ ભરવાડ અને રૂકસાનાબેન ફકીરે તેમને અટકાવીને એવું જણાવી અપમાનિત કર્યા હતા કે તમે ઢે#@ હોવાથી આ કૂવે ચડીને જાતે પાણી ભરી શકશો નહીં. આ દરમિયાન કૂવાની બાજુમાં રહેતા પ્રતાપભાઈ સોમાભાઈ વાઘેલાએ પણ આવીને જ્ઞાતિ પ્રત્યે વારંવાર અપમાનિત કર્યા હતા.
જાતિવાદી તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર, તે જ દિવસે રાત્રિના સમયે અંબાળા ગામના કુકાભાઈ ભરવાડે ફરિયાદી પાસે આવીને ગંભીર ધમકીઓ આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે “જો તમે દલિત હોવ તો તમારા ગામમાં ચાલે, બાકી જો આ કૂવે પાણી ભરી બતાવો તો તમારા ટાંટીયા ભાંગી નાખીશ”. આરોપીએ ભયાનક અંધશ્રદ્ધા ફેલાવતા એવું પણ કહ્યું હતું કે કૂવામાં તેમના જોગણી માતાજી બિરાજે છે અને જો દલિતો કૂવામાંથી પાણી ભરે તો કૂવાનું પાણી તથા આખા ગામના લોકોના ઘરમાં ભરેલું પાણી લોહી થઈ જશે. આ પ્રકારની ધમકીઓ આપીને દલિત સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?

દલિત પરિવારનો સામૂહિક સામાજિક-આર્થિક બહિષ્કાર
તારીખ 26/04/2026ના રોજ આ વિવાદ વધુ વણસ્યો હતો અને ગામ લોકોએ ભેગા મળીને દલિત પરિવારોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ફરિયાદી અને તેમના કાકા કરિયાણાની દુકાને જીવનજરૂરી દૂધની થેલી લેવા ગયા, ત્યારે દુકાનદાર ધરમશીભાઈ એમ. દલવાડી અને મનસુખભાઈ વિરજીભાઈ ઠાકોરે તેમને ચીજવસ્તુઓ આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.
દુકાનદારોએ જણાવ્યું હતું કે આખા ગામે જોગણી માતાના સમ ખાધા છે કે તમને કોઈ પણ વસ્તુ આપવી નહીં. આમ, દલિત પરિવારોને ખાવા-પીવાની પાયાની જરૂરિયાતોથી વંચિત કરી તેમનું જીવન મુશ્કેલ બનાવી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં સામાજિક બહિષ્કારનો કલંકિત ઇતિહાસ
મેતાસરની આ ઘટના ગુજરાતમાં દલિતો પર થતા સામૂહિક અત્યાચારોના કલંકિત ઇતિહાસની યાદ અપાવે છે. ભૂતકાળમાં મહેસાણા જિલ્લાના વડાલી ગામે પણ દલિત યુવાનનો વરઘોડો કાઢવા મુદ્દે સવર્ણો દ્વારા સમગ્ર સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે પાટણ જિલ્લાના લુણવા ગામે પણ દૂધ અને કરિયાણું આપવાનું બંધ કરી દેવાતા દલિત પરિવારોને હિજરત કરવાની ફરજ પડી હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં પણ અવારનવાર દલિત મજૂરોને ખેતરોમાં કામે ન રાખવા જેવી બહિષ્કારની ઘટનાઓ અખબારી હેડલાઈન્સ બની ચુકી છે. ડિજિટલ યુગમાં પણ ગામડાઓમાં અસ્તિત્વ ધરાવતી આ અસ્પૃશ્યતા બંધારણીય મૂલ્યોના લીરેલીરા ઉડાડી રહી છે.
આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે દલિત એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો!
પોલીસે એક પણ આરોપીની ધરપકડ ન કરી
આ સમગ્ર મામલે દસાડા પોલીસે દીલીપભાઈ રાઠોડની ફરિયાદના આધારે છ શખ્સો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં દર્શાવેલ આરોપીઓમાં દેવુબેન ભરવાડ, રૂકસાનાબેન ફકીર, પ્રતાપભાઈ વાઘેલા, ધરમશીભાઈ દલવાડી, મનસુખભાઈ ઠાકોર અને કુકાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે.
કેસની તપાસ નાયબ પોલીસ અધીક્ષક પાર્થ ચંદુભાઈ પરમારને સોંપવામાં આવી છે. જોકે, અત્યંત ગંભીર આરોપો હોવા છતાં અને વીડિયો પુરાવા રજૂ કર્યા હોવા છતાં, હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જે પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે છે. પીડિત પરિવારો ન્યાયની આશાએ અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
આ પણ વાંચો: કલોલના રિક્ષાચાલકના ગ્રુપે અનેક યુવાનોને સરકારી નોકરી અપાવી











