કથિત વિશ્વગુરુ આપણા દેશમાં દલિતોની દશા આઝાદીના 78 વર્ષ પછી પણ કેવી છે તેનું આ ઉદાહરણ છે. ડો.આંબેડકરે મહાડ જળ સત્યાગ્રહ કરીને દલિતોને જાહેર તળાવોમાંથી પાણી પીવાનો અધિકાર અપાવ્યો હતો. પરંતુ એ પછી પણ દેશના અનેક રાજ્યોમાં એવા અનેક ગામો છે જ્યાં આજની તારીખે પણ દલિતો જાહેર તળાવમાંથી પાણી ભરી શકતા નથી. આવા જ એક ગામમાં આઝાદીના 78 વર્ષે જાતિવાદી તત્વોની દાદાગીરીને દલિતોની એકતાએ તોડી નાખી છે.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંની શાહપુરા વિધાનસભાના બેરી ગામે આઝાદીના 78 વર્ષમાં પહેલીવાર દલિતોએ ગામના સાર્વજનિક તળાવમાંથી પાણી ભર્યું હતું. એટલું જ નહીં, દલિતોએ રામદેવજી મહારાજના મંદિરની પૂર્ણાહુતિ પ્રસંગે કળશયાત્રા કાઢી હતી અને તેના માટે ગામના તળાવમાંથી પાણી ભર્યું હતું.

આમ એક સદી કરતા વધુ સમયથી દલિતોને જાહેર સંસાધનો અને ધાર્મિક ઉત્સવોથી વંચિત રાખવાની માનસિકતા સામે આખરે બંધારણીય મૂલ્યોનો વિજય થયો છે. ગામના જાતિવાદી ગુંડાઓ દલિતો પર રીતસરની દાદાગીરી ચલાવતા હતા. પરંતુ ભીમ આર્મી સહિતના દલિત સંગઠનો અને પોલીસની દરમિયાનગીરીને કારણે આખરે મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો: દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ
મામલો શું હતો?
બેરી ગામમાં દલિતોની વસ્તી ઓછી હોવાથી એક સદી કરતા વધુ સમયથી તેમને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેતા અટકાવવામાં આવતા હતા. સ્થાનિક દલિતોના જણાવ્યા અનુસાર, તેમને ગામની જાહેર વાવ અને તળાવમાંથી પાણી ભરવા પર પ્રતિબંધ હતો. એટલું જ નહીં, લગ્ન પ્રસંગોમાં ‘બિંદોરી’ (વરઘોડો) અને ધાર્મિક જુલૂસ કાઢવા માટે પણ જાતિવાદી તત્વો દ્વારા સતત વિરોધ કરવામાં આવતો હતો. આ વખતે બાબા રામદેવજીના કાર્યક્રમમાં પણ કલશ યાત્રા અટકાવવાના ખુલ્લેઆમ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ભીમ આર્મી દલિતોની મદદે આવી
મામલાની ગંભીરતા અને ગામમાં પ્રવર્તતા તણાવને જોતા, પીડિત પરિવારો અને ગ્રામજનોએ ભીમ આર્મી પાસે મદદ માંગી હતી. જેને પગલે આજે ભીમ આર્મીના સેંકડો કાર્યકરો ગામમાં ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અને સુરક્ષાના કડક ઘેરા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં
આઝાદીના 78 વર્ષમાં પહેલીવાર દલિતોએ ઝૂલુસ કાઢ્યું
આ કલશ યાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા દલિત સમાજના સ્વાભિમાનની લડાઈ બની હતી. યાત્રા એ જ રસ્તાઓ અને મહોલ્લાઓમાંથી પસાર થઈ હતી જ્યાંથી અગાઉ દલિતોને પસાર થવાની મનાઈ હતી. મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા. ‘જય ભીમ’ અને ‘બાબા રામદેવ’ ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દરમિયાન ભીમ આર્મીના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરનું બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે અને કોઈપણ સ્તરે સામાજિક ભેદભાવ હવે ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ‘તું ભલે સરપંચ હો, ફરિયાદ કરી છે તો હવે પરિણામ માટે તૈયાર રહેજે!’
આઝાદીના 78 વર્ષે દલિતોએ તળવાનું પાણી ભર્યું
સમગ્ર કાર્યક્રમ કોઈપણ અપ્રિય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. સ્થાનિક રહીશોએ આ ઘટનાને પોતાની આસ્થા અને બંધારણીય અધિકારોની મોટી જીત ગણાવી છે.
આઝાદીના 78 વર્ષ પછી પણ જો કોઈ સમાજને પાણી ભરવા કે વરઘોડો કાઢવા માટે પોલીસની મદદ લેવી પડતી હોય, તે વહીવટી તંત્ર માટે પડકાર સમાન છે. જોકે, બેરી ગામની આ ઘટનાએ સાબિત કર્યું છે કે સંગઠિત અવાજ અને કાયદાકીય સમર્થનથી વર્ષો જૂની અન્યાયી પરંપરાઓ તોડી શકાય છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે.
આ પણ વાંચો: મહેસાણામાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધમ્મ નગરયાત્રા નીકળી











