Dalit News: સાબરકાંઠાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સામે જાતિવાદી ઉત્પીડન અને ભેદભાવના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામમાં સક્રિય કેટલાક જાતિવાદી તત્વો દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકોના બંધારણીય હકોનું ખુલ્લેઆમ હનન કરવામાં આવી રહ્યું છે. પીડિત સમાજ દ્વારા લાંબા સમયથી વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ નક્કર નિરાકરણ ન આવતા આખરે દલિત પરિવારોએ ગામ છોડીને સામૂહિક હિજરત કરવાની લેખિત ચીમકી ઉચ્ચારી છે. આ સંદર્ભે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રૂપાલ ગામમાં દલિત સમાજના લોકો સાથે સામાજિક, આર્થિક, ધાર્મિક અને ન્યાયિક સ્તરે આયોજનબદ્ધ રીતે ભેદભાવ રાખવામાં આવે છે. અસામાજિક તત્વો દ્વારા ગામમાં અમાનવીય ફતવાઓ ચલાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો છે, જેમાં અનુસૂચિત સમાજના યુવકોને સારા કપડાં ન પહેરવા, ક્ષત્રિય સમાજની સામે વાહન ન ચલાવવા અને લગ્નપ્રસંગોમાં વરઘોડો ન કાઢવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દારૂના નશામાં ધૂત થઈને જાતિવાદી તત્વો દ્વારા અવારનવાર દલિત મહોલ્લામાં જઈને સ્થાનિક મહિલાઓ અને પરિવારોને અપશબ્દો બોલી શારીરિક-માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ નોંધાઈ છે.

15 મેની ઘટના બાદ તણાવ વધ્યો
આ વિવાદમાં 15 મે 2026 ના રોજ વધુ એક ગંભીર ઘટના બની હતી. ગામના મુખ્ય રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખીને જાતિવાદી તત્વો દ્વારા દલિત સમાજના એક યુવકને આંતરીને તેના પર જીવલેણ હુમલો કરવાનો અને માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર દલિત મહોલ્લામાં ભય અને આક્રોશનો માહોલ વ્યાપી ગયો છે. પીડિતોનો દાવો છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ અંદાજે 6 થી 7 જેટલી એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. અગાઉ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ જાતિવાદી તત્વો દ્વારા કરારના નિયમોનું ઉલ્લંઘન કરી ફરીથી ઉત્પીડન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ચોકી ગામે દલિતોએ સામૂહિક હિજરતની ચીમકી ઉચ્ચારી
સામૂહિક હિજરત માટે 7 દિવસનું અલ્ટિમેટમ

વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ સામે કોઈ કડક અને દાખલારૂપ પગલાં ન લેવાતા પીડિત પરિવારો અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. ગામમાં હાલ આડકતરી રીતે દલિતોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ પરિસ્થિતિથી કંટાળીને આજે દલિત સમાજના અગ્રણીઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપ્યું છે કે જો આગામી 7 દિવસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી યોગ્ય ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં નહીં આવે, તો ગામના તમામ દલિત પરિવારો સામૂહિક હિજરત કરી જશે.
વહીવટી તંત્ર દોડતું થયું
આવેદનપત્ર અને સામૂહિક હિજરતની ગંભીર ચીમકીને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DySP, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) સહિતનો કાફલો તાબડતોબ રૂપાલ ગામે દોડી આવ્યો હતો. અધિકારીઓ દ્વારા ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તેમજ બંને જૂથો વચ્ચે શાંતિ સ્થાપવા માટે તાકીદની બેઠકો યોજવામાં આવી છે. જોકે, પીડિત સમાજે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ગુનેગારો સામે કાયદાકીય કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન સમેટવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ દસાડાના મેતાસરમાં દલિત પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો
આ પણ વાંચોઃ ન્યાય કે મજાક? ઉના કાંડમાં 10 વર્ષ બાદ 5 આરોપીને માત્ર 5 વર્ષની સજા!











