મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાંથી ખાખી વર્દીને શરમાવતી એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે, અહીં પોલીસ વિભાગના ડાયલ 112માં તૈનાત કોન્સ્ટેબલ દીપક ગુર્જરે એક દલિત યુવકને બજાર વચ્ચે નિર્દયતાથી માર માર્યો હતો. રાયસેન જિલ્લાના સંગ્રામપુર ગામના રહેવાસી ઉધમસિંહ અહિરવાર નામના યુવકે પોલીસ કોન્સ્ટેબલ પર અત્યંત ગંભીર અને સંવેદનશીલ આરોપો લગાવ્યા છે.
આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને મોટી સંખ્યામાં અહિરવાર સમાજના અગ્રણીઓ વિદિશા એસપી ઓફિસે ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા. પીડિતની ફરિયાદના આધારે આરોપી પોલીસકર્મી વિરુદ્ધ એસસી-એસટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મામલો શું હતો?
આ વિવાદ પશુ બજારમાં બનેલી એક ઘટનાથી શરૂ થયો હતો. પીડિત ઉધમસિંહના જણાવ્યા અનુસાર, અંદાજે 15-20 દિવસ પહેલા તેમના પાડોશીની ત્રણ ભેંસો ચોરી થઈ ગઈ હતી. આ ચોરાયેલા પશુઓ વિદિશાના પશુ બજારમાં વેચાઈ રહ્યા હોવાની બાતમી મળતા જ પીડિત અને તેનો પાડોશી ડાયલ 112 પોલીસને લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: અમરેલીના દલિત યુવાનની હત્યાના બે દિવસ બાદ પણ ન્યાયની પ્રતીક્ષા
પશુ બજારમાં જ્યારે પોલીસકર્મીઓ અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે નાણાકીય લેણદેણ અંગે મંત્રણા ચાલી રહી હતી, ત્યારે ત્યાં હાજર એક અન્ય યુવકે આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. વીડિયો ઉતારતા જોઈને કોન્સ્ટેબલ દીપક ગુર્જર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે વીડિયો બનાવનાર યુવકને લાફો મારી દીધો હતો. જ્યારે ઉધમસિંહે આ હિંસાનો વિરોધ કર્યો, ત્યારે કોન્સ્ટેબલ તેના પર તૂટી પડ્યો હતો.
દલિત યુવકને બજાર વચ્ચે દોડાવી દંડા ફટકાર્યા
કોન્સ્ટેબલે બજારમાં જ ઉધમસિંહને લાફા માર્યા અને દંડાથી બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું. બજારની વચ્ચે જીવ બચાવવા દોડતા પીડિતને પીછો કરીને માર મારવામાં આવ્યો હતો. તેની સાથે આવેલા અન્ય લોકો કોઈક રીતે જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા, પરંતુ ઉધમસિંહ પોલીસના સિકંજામાંથી નીકળી શક્યો નહોતો. ઈજાગ્રસ્ત હાલતમાં જ તેને બળજબરીપૂર્વક પોલીસ વાહનમાં બેસાડીને એજેકે (AJK) પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અમાનવીયતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: પાટણના રાજનગરમાં 14મી એપ્રિલે ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી
તરસ લાગતા પોલીસે પાણીને બદલે પેશાબ પીવડાવ્યો!
પીડિતે લોકઅપની આપવીતી જણાવતા ગંભીર આરોપ લગાવ્યો કે, થાણામાં તેની જાતિ પૂછવામાં આવી હતી. જ્યારે તેણે પોતે અહિરવાર સમાજનો હોવાનું જણાવ્યું, ત્યારે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરીને તેનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફે પણ તેને પકડી રાખ્યો અને બેરહેમીથી માર માર્યો હતો. અતિશય મારના કારણે જ્યારે પીડિતે તરસ લાગતા પાણીની માંગણી કરી, ત્યારે એક પોલીસકર્મીએ તેને પાણી આપવાના બદલે પેશાબ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્યનો વિરોધ કરવા પર તેના પેટના ભાગે સતત પ્રહારો કરવામાં આવ્યા હતા, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ઘટનાની ગંભીરતાને જોતા વિદિશાના એડિશનલ એસપી ડો. પ્રશાંત ચૌબેએ જણાવ્યું કે, એજેકે પોલીસ સ્ટેશનમાં અપરાધ ક્રમાંક 6/26 અંતર્ગત વિવિધ કલમો અને એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો નોંધી લેવાયો છે. આ મામલાની સત્તાવાર તપાસ એજેકે પોલીસ સ્ટેશનના પ્રભારી દ્વારા કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી છે અને આરોપી કોન્સ્ટેબલ દીપક ગુર્જરને તાત્કાલિક અસરથી લાઈન હાજર કરીને હટાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયના ‘સારથિ’ બનેલા VCK ચીફ થોલ થિરુમાવલવન કોણ છે?












