NEET રદ થતા દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

દલિત વિદ્યાર્થી છેલ્લાં 3 વર્ષથી ભાડાના મકાનમાં રહીને NEET ની તૈયારી કરતો હતો. પરિવારે ડોક્ટર બનાવવા 11 લાખનું દેવું કર્યું હતું. પરીક્ષા રદ થતા આપઘાત કર્યો.
Sikar Dalit student Pradeep Meghwal suicide case

ભારતમાં દલિત હોવું કેટલું કપરું છે તેની આ વાત છે. ત્રણ બહેનોના એકના એક ભાઈને ડોક્ટર બનાવવા માટે પરિવારે રૂ. 11 લાખનું દેવું કર્યું હતું, ભાઈ ભણવામાં પણ અતિશય હોંશિયાર હતો, NEET ની 720 માર્ક્સની પરીક્ષામાંથી તેની આન્સર કી તપાસતા 650 માર્ક્સ આવશે તેવો અંદાજ હતો. પરંતુ પરીક્ષા રદ કરી દેવાઈ અને આ દલિત પરિવારના દીકરાનું ડોક્ટર બનવાનું સપનું તૂટી ગયું હતું. જેના આઘાતમાં તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

મામલો રાજસ્થાનના સીકરનો છે. અહીં મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET) ના વિવાદ અને પેપર રદ થવાના આઘાતમાં 23 વર્ષીય દલિત વિદ્યાર્થી પ્રદીપ મેઘવાલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતક વિદ્યાર્થી ઝુનઝુનુ જિલ્લાના ગુઢાગૌરજી ગામનો રહેવાસી હતો અને છેલ્લા 3 વર્ષથી સીકરમાં ભાડાના મકાનમાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકના કારણે પરીક્ષા રદ થવાના સમાચારોથી આઘાતમાં આવીને તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

પરિવારે જમીન વેચી, 11 લાખનું દેવું કર્યું હતું

પ્રદીપ મેઘવાલના પરિવારે પુત્રને ડૉક્ટર બનાવવા માટે પોતાની જમીન વેચી દીધી હતી અને શિક્ષણ માટે રૂ. 11 લાખનું મોટું દેવું કર્યું હતું. પ્રદીપ પોતે પણ અભ્યાસમાં તેજસ્વી હતો અને પરીક્ષા આપ્યા બાદ આન્સર કી તપાસીને તેને આ વર્ષની પરીક્ષામાં 650 ગુણ આવવાની આશા હતી. તે પોતાના ગરીબ પરિવારનો એકમાત્ર સહારો અને ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. પરંતુ પરીક્ષા રદ થવાને કારણે ભવિષ્ય ધૂંધળું જણાતા અને આર્થિક બોજના તણાવમાં આવીને તેણે બહેનોની ગેરહાજરીમાં રૂમમાં આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચોઃ છેડતીના આરોપીના દબાણથી ધો.10ની દલિત વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

રાહુલ ગાંધીએ પરિવાર સાથે ફોન પર વાત કરી

આ હૃદયદ્રાવક ઘટના બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે ફોન પર વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. તેમણે આ મુશ્કેલ સમયમાં પરિવારને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી છે અને આ મામલે ન્યાય અપાવવાની ખાતરી આપી છે. પીડિત પરિવારે પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

NSUI દ્વારા 11 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત

વિદ્યાર્થી સંગઠન NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. સંગઠને દેશભરના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓના સહયોગથી રૂ. 11 લાખનું ભંડોળ એકત્ર કર્યું છે. આ આર્થિક સહાય 26 મે 2026 ના રોજ પરિવારને સોંપવામાં આવશે, જેથી તેમના પર ચડેલું શિક્ષણનું દેવું ચૂકવી શકાય. NSUI એ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક પરિવારની નહીં, પરંતુ દેશના લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યની લડાઈ છે.

પરીક્ષા પદ્ધતિની પારદર્શિતા સામે સવાલો

આ ઘટનાએ દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુરક્ષા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. NEET પરીક્ષામાં સતત સામે આવી રહેલી અનિયમિતતાઓ અને પેપર લીકની ઘટનાઓના કારણે દેશભરના વિદ્યાર્થીઓ તીવ્ર માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી નક્કી કરવા, પારદર્શિતા લાવવા અને દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ શિક્ષકોના જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીએ કૉલેજ પરથી કૂદી આપઘાત કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x