‘તારા તો પગ ભાંગવાના છે!’ ખનન માફિયાઓની દલિત મહિલાને ધમકી

વંથલીના સાંતલપુરમાં ખનનમાફિયાઓએ તેમની સામે અરજી કરનાર દલિત મહિલાને ઘરે જઈને પગ ભાંગી નાખવાની ધમકી આપી. 4 સામે એટ્રોસિટી નોંધાઈ.
Mining mafia threatens to kill Dalit woman

જૂનાગઢ: વંથલી તાલુકાના સાંતલપુર ગામે ગેરકાયદેસર રેતી ખનન અને ભૂમાફિયાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા દિવસો પૂર્વે જ બેફામ દોડતા ડમ્પરની અડફેટે એક સ્થાનિક મહિલાના કમકમાટીભર્યા મોત બાદ ફાટી નીકળેલા જનઆક્રોશ વચ્ચે હવે એક નવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગેરકાયદેસર લીઝના રસ્તા બંધ કરવા બાબતે તંત્ર સમક્ષ લેખિત અરજી કરનાર ગામના જ 26 વર્ષીય દલિત મહિલાને ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરાયાની ફરિયાદ નોંધાતા વંથલી પોલીસે એટ્રોસિટી એક્ટ (SC-ST Act) હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

મામલો શું હતો?

પોલીસ સ્ટેશનેથી મળતી સત્તાવાર વિગત મુજબ, સાંતલપુર ગામના પ્લોટ વિસ્તારમાં કબ્રસ્તાન નજીક રહેતા અને ઘરકામ કરી ગુજરાન ચલાવતા દલિત મહિલાએ ગામના ત્રણ શખ્સો અને એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા અનુસાર, તેમણે અગાઉ ગેરકાયદેસર લીઝના વાહનોથી થતી પરેશાનીને કારણે રસ્તા બંધ કરવા બાબતે સક્ષમ સત્તાધિકારીને લેખિત અરજી આપી હતી.

આ પણ વાંચો: ગેંગેરેપ પીડિતા 17 વર્ષીય દલિત દીકરીએ ન્યાય ન મળતા ગળેફાંસો ખાધો

આ બાબતનો ખાર રાખીને ગત તારીખ 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે જ્યારે તેમના પતિ મજૂરી કામે ગયા હતા ત્યારે આરોપી રામભાઈ બાવનભાઈ છેલાણા, ભાયાભાઈ બાવનભાઈ છેલાણા, સાગરભાઈ ભાયાભાઈ છેલાણા અને અન્ય એક અજાણ્યો શખ્સ સફેદ રંગની કાર લઈને તેમના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ મહિલાને ઘરની બહાર બોલાવી ઉગ્ર અવાજે ધમકાવતા કહ્યું હતું કે, “તે અમારી લીઝ વિરૂદ્ધ કેમ અરજી આપી છે? તારા પગ ભાંગી નાખવા છે.” આ સાથે જ અરજી પાછી ખેંચી લેવા દબાણ કરી, જાહેરમાં ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી.

સરપંચે કહ્યું, “મને આ લોકોથી ડર લાગે છે એટલે હું ગામમાં નહીં આવું.”

આ વિવાદ વચ્ચે જ ગત 31 મે 2026ના રોજ ગામમાં રેતીના ડમ્પરે એક મહિલાને કચડી મારતા અકસ્માત સર્જાયો હતો. આ મામલે રાત્રે ગ્રામ પંચાયત ખાતે મળેલી સાર્વજનિક મીટિંગમાં ભોગ બનનાર મહિલાએ આરોપી સાગર છેલાણાને ટોકતા કહ્યું હતું કે, “આ ડમ્પર હજુ બીજા લોકોના પણ જીવ લેશે.” ત્યારે આરોપી સાગરે ઉદ્ધત થઈને જવાબ આપ્યો કે, “તારી ઉપર ડમ્પર તો નથી પડ્યું ને!” મહિલાએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે કે આરોપીઓ અગાઉ પણ ત્રણ વાર તેમની સાથે આ જ મુદ્દે ઝઘડો કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: અમરેલીના મોટા આંકડીયામાં જમીન મુદ્દે પટેલોએ દલિતો પર હુમલો કર્યો

આ અંગે જ્યારે ગામના સરપંચ વિપુલભાઈ સાવલીયાને રજૂઆત કરવામાં આવી, ત્યારે સરપંચે લાચારી વ્યક્ત કરતા એવું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા કે, “મને આ લોકોથી ડર લાગે છે એટલે હું ગામમાં નહીં આવું.”

માત્ર 10 ધોરણ ભણેલી દલિત મહિલાની હિંમત જુઓ

વારંવાર વંથલી પોલીસ સ્ટેશનમાં સ્થાનિક સ્તરે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા અને પરિવાર પર જાનનું જોખમ વર્તાતા આખરે ભયભીત બનેલા મહિલાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને એસ.પી. (SP) ની રૂબરૂ મુલાકાત લઈને પોતાની આપવીતી વર્ણવી હતી.

ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના અને હસ્તક્ષેપ બાદ વંથલી પોલીસે મહિલાના જ્ઞાતિના પ્રમાણપત્રના આધારે ચારેય આરોપીઓ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનારે આશંકા વ્યક્ત કરી છે કે જો ભવિષ્યમાં તેમના પરિવાર પર કોઈ હુમલો થશે તો તેની તમામ જવાબદારી આ આરોપીઓની રહેશે. હાલ વંથલી પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીની યાદમાં શબ્દાંજલિ સભા યોજાઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x