લલિતા ગૌતમ હત્યાકાંડ: કેમ રસ્તા પર ઉતર્યા દલિત સંગઠનો?

મેરઠમાં દલિત વિદ્યાર્થિની લલિતા ગૌતમની હત્યા બાદ મામલો તંગ બન્યો છે. પરિવારજનો સાથે દલિતો રસ્તા પર ઉતર્યા છે. અખિલેશ યાદવ અને ચંદ્રશેખર આઝાદે પણ સવાલ ઉઠાવ્યા.
Meerut Lalita Gautam Murder Case

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં 20 વર્ષીય દલિત વિદ્યાર્થિની લલિતા ગૌતમ હત્યાકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આ હત્યાકાંડના વિરોધમાં અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે વિવિધ દલિત સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મામલો માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતો સીમિત ન રહેતા હવે મોટા રાજકીય અને સામાજિક વિવાદમાં ફેરવાઈ ગયો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે આ મામલે મેરઠ પોલીસની કામગીરી અને તપાસની દિશા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બીજી તરફ, દલિત સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવા માટે એક વિશાળ દલિત મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કોણ હતી લલિતા ગૌતમ અને શું છે સમગ્ર ઘટના?

લલિતા ગૌતમ મેરઠના ટીપી નગર વિસ્તારમાં આવેલા ગગન એન્ક્લેવમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી અને બીએ (BA) નો અભ્યાસ કરતી હતી. ગત 15 મેના રોજ તે ઘરેથી કૉલેજમાં પરીક્ષા આપવા માટે નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ આદરી હતી. કોઈ પત્તો ન મળતાં આખરે 16 મેના રોજ ટીપી નગર પોલીસ સ્ટેશનમાં તેની ગુમશુદગીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા ત્યારે લલિતા કલ્યાણપુર ગામના રહેવાસી અંકુશ(મનુવાદી મીડિયાએ આરોપીની અટક છુપાવી રાખી છે જેથી તે કઈ જાતિનો છે તે ખ્યાલ ન આવે) નામના યુવક સાથે જોવા મળી હતી. આ શંકાના આધારે પોલીસે અંકુશને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચો: સાવરકરે અંગ્રેજો પાસે 10 વાર માફી માંગી હતી, પૌત્રે ભરી કોર્ટમાં સ્વીકાર્યું

શા માટે અને કેવી રીતે કરવામાં આવી હત્યા?

પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી અંકુશે લલિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસ તપાસ મુજબ, અંકુશ અને લલિતા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને ઘટનાના દિવસે પણ બંને સાથે જ હતા. આ દરમિયાન અંકુશે લલિતાના મોબાઈલ ફોનમાં કેટલાક ફોટોગ્રાફ્સ અને ચેટ્સ જોઈ લીધા હતા, જેના આધારે તેને શંકા ગઈ કે લલિતાનો અન્ય કોઈ યુવક સાથે પણ સંબંધ છે. આ શંકા અને આક્રોશ વશ થઈને અંકુશે લલિતાની હત્યા કરી નાખી અને પુરાવા છુપાવવાના ઈરાદે તેના શવને રોહટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉપસિયા જંગલમાં આવેલા શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો, જ્યાંથી પોલીસે લાશ રિકવર કરી છે.

Meerut Lalita Gautam Murder Case

કેમ ભડક્યો છે વિરોધ અને રાજકીય રંગ?

પોલીસે મુખ્ય આરોપી અંકુશને જેલભેગો કરી દીધો હોવાનો દાવો કર્યો છે, પરંતુ પીડિત પરિવાર અને દલિત સંગઠનો આ તપાસથી સંતુષ્ટ નથી. પરિવારનો આરોપ છે કે આટલા મોટા હત્યાકાંડને કોઈ એક વ્યક્તિ અંજામ આપી શકે નહીં અને આમાં અન્ય સહ-આરોપીઓ પણ સામેલ છે. આરોપી અંકુશ પ્રભાવશાળી જ્ઞાતિનો હોવાને કારણે સ્થાનિક દલિત સમાજમાં એવો ભય અને આક્ષેપ વ્યાપ્યો છે કે પોલીસ અન્ય દોષિતોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને મુખ્ય બાબતો પર ઢીલી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષ: દલિત આગેવાનોની બેઠક મળી, રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી

આ જ કારણોસર અખિલેશ યાદવ અને ચંદ્રશેખર આઝાદે પણ યોગી સરકારની કાયદો-વ્યવસ્થાની નીતિઓ પર પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓનો આક્ષેપ છે કે ઉત્તર પ્રદેશમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે અને પ્રશાસન પક્ષપાતી વલણ અપનાવી રહ્યું છે. આ આક્ષેપોને કારણે આ કેસ હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાજકારણનું કેન્દ્રબિંદુ બની ગયો છે.

પીડિત પરિવાર અને સંગઠનોની મુખ્ય માંગણીઓ

દલિત મહાપંચાયતમાં એકત્રિત થયેલા સંગઠનોએ તંત્ર સામે સ્પષ્ટ માંગણીઓ મૂકી છે. તેઓની માંગ છે કે આ સમગ્ર હત્યાકાંડમાં સામેલ તમામ પડદા પાછળના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ગુનેગારોને વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે. આ ઉપરાંત પીડિત દલિત પરિવારને સરકારી તંત્ર દ્વારા મોટી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે, પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે અને ગુનેગારોના ઘર પર બુલ્ડોઝરની કડક કાર્યવાહી કરવામાં આવે. પ્રશાસન જ્યાં સુધી આ માંગણીઓ સંતોષશે નહીં ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x