દિલ્હીના જંતર-મંતરથી નીકળેલા ‘ચલો સંસદ’ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ સામે સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર હંમેશાં બેબાક અભિપ્રાય આપવા માટે જાણીતા બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની સખત શબ્દોમાં ટીકા કરી હતી.
જોકે, આ વિડીયો વાયરલ થયાના થોડા જ સમયમાં જંતર-મંતર આંદોલન અને સરકારી નીતિઓ પર સવાલો ઊભા કરતો તેમનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પરથી ગાયબ થઈ ગયો છે. એટલું જ નહીં, હવે તેમનું આખું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ દેખાતું બંધ થઈ ગયું છે અથવા ડિલીટ કરી દેવામાં આવ્યું છે.

વિડીયોમાં શું બોલ્યા હતા નસીરુદ્દીન શાહ?
22 જુલાઈના રોજ જાહેર કરેલા પોતાના ઈન્સ્ટાગ્રામ વિડીયોમાં નસીરુદ્દીન શાહે દિલ્હી પોલીસ અને સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે NEET પેપર લીક, શિક્ષણ ક્ષેત્રમાં તાત્કાલિક સુધારા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓ પ્રત્યે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંદેશની શરૂઆત કરતાં કહ્યું હતું, “આદાબ, નમસ્કાર. હું તમારી સામે બે વાતો રજૂ કરવા માંગુ છું. પહેલી વાત એ કે જો કોઈ અજ્ઞાની આ દેશનું નેતૃત્વ કરે, તો તેનું મન એવું જ ઈચ્છશે કે આખો દેશ તેની જેમ જ અજ્ઞાની, અબુધ, અસમર્થ અને નિર્દય બને.”
આ પણ વાંચો: પેપર લીકઃ વંચિત વર્ગના વિદ્યાર્થીઓની તકો છીનવવાનું ષડયંત્ર
તેમણે ઉમેર્યું હતું કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) અને FTII પુણે જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનમાંથી એક્ટિંગનો કોર્સ કર્યા પછી પણ તેમણે અભિનય વિશે સૌથી વધુ શીખ્યું હોય તો તે એ વિદ્યાર્થીઓ પાસેથી જ શીખ્યું છે જેમને તેઓ ભણાવતા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓને દરરોજ અને દરેક શિક્ષક દિને સલામ કરતા પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા.
‘યુવાનો પર અત્યાચાર થઈ રહ્યો છે, બધું યાદ રાખવામાં આવશે’
પોતાનો આક્રોશ વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું હતું, “આ સમયે મારું દિલ ભરાઈ આવ્યું છે અને હું ગુસ્સાથી ઊકળી રહ્યો છું. આપણા આ બાળકો સાથે જે રીતે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે તે જોઈને મને અમેરિકાના ICE એજન્ટ્સ યાદ આવે છે- મોં પર માસ્ક લગાવીને, હાથમાં લાઠીઓ લઈને ઊભેલા લોકો. હું તે લોકોને કહેવા માંગુ છું કે ક્યારેક તમારા બાળકો વિશે પણ વિચારો, અને યાદ રાખો કે તમારો અંજામ પણ એક દિવસ જરૂર આવશે.”

“अगर मुल्क की रहनुमाई एक जाहिल करेगा, तो वह यही चाहेगा कि पूरा देश उसकी तरह जाहिल, नाक़ाबिल, नासमझ और बेरहम बने।”
~ नसीरुद्दीन जी
सलाम उस हर युवा और छात्र को, जिन्होंने लड़ना नहीं छोड़ा, झुकना नहीं स्वीकारा, और लाठियाँ टूटीं, लेकिन वे नहीं टूटे। pic.twitter.com/3vhlbbXZyA
— Priyanka Bharti (@priyanka2bharti) July 21, 2026
આ પણ વાંચો: જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યું!
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું કે હિંમત હારશો નહીં, સમગ્ર દેશની હમદર્દી તમારી સાથે છે. દેશની યુવા પેઢી પર તેમને પહેલેથી જ વિશ્વાસ હતો અને હવે તે વધુ મજબૂત થયો છે. પોતાની વાતના અંતે સરકારી તંત્ર અને સત્તાધીશોને આકરા શબ્દોમાં ચેતવણી આપતા નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, “હું આ દેશની સરકારને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે બધું યાદ રાખવામાં આવશે.”
સોશિયલ મીડિયા પર વિવાદ અને સવાલો
વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીને ‘ઝુલમ’ ગણાવીને સરકાર સામે અવાજ ઉઠાવનાર એક વરિષ્ઠ કલાકારનો વિડીયો ગાયબ થઈ જવો અને ત્યારબાદ તેમનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ જ બ્લોક કે ડિલીટ થઈ જવું એ ડિજિટલ સ્પેસમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે મોટા સવાલો ઊભા કરે છે. આ અગાઉ પણ જંતર-મંતર પર વિદ્યાર્થીઓના સમર્થનમાં નસીરુદ્દીન શાહના વિડીયો વાયરલ થયા હતા. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: શિક્ષકોએ કહ્યું, ‘તમે ગંદા ગટરના કીડા છો, ભણીને શું કરશો?’










