કોકરોચ આંદોલન જ હું આને કહીશ. એવું આંદોલન જેની કલ્પના મેં તો ઓછામાં ઓછી નહોતી કરી. અને ન તો મેં એ વિચાર્યું હતું કે સંસદ માર્ચ વખતે આ આટલું મોટું રૂપ ધારણ કરી લેશે. પરંતુ આ આંદોલને મને પૂરેપૂરો ચોંકાવી દીધો છે. આનો અર્થ સાફ છે કે યુવાનોમાં ગુસ્સો વધતો જઈ રહ્યો છે. તેને લાગી રહ્યું છે કે તેની સાથે વાયદો તો આકાશનો કરવામાં આવ્યો હતો પરંતુ તેની પાસેથી જમીન પણ છીનવી લેવામાં આવી. તે નિરાશ છે. તે પોતાનો હક માંગી રહ્યો છે. તે તકલીફમાં છે અને ન્યાય માંગી રહ્યો છે. તે બદલાવનું આહ્વાન કરી રહ્યો છે અને તેના અવાજને અવગણવામાં આવી રહ્યો છે. સવાલ માત્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો નથી અને સવાલ સરકારની પ્રતિષ્ઠા અને તેની જવાબદેહીનો થઈ ગયો છે. આ આંદોલન હવે કેટલાક લોકોના હાથમાંથી નીકળીને આમ જનતાનું થઈ ગયું છે અને જંતર મંતરથી નીકળનારો અવાજ દેશના છેવાડાના ગામો સુધી પહોંચી રહ્યો છે.
રાહુલના પીએમ આવાસ પર ધરણા
આ અવાજમાં હવે રાહુલ ગાંધીએ પણ પોતાનો અવાજ ભેળવી દીધો છે. તેઓ વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ અત્યાચારના વિરોધમાં અચાનક વડાપ્રધાન આવાસની સામે જઈને ધરણા પર બેસી ગયા. આમ તો, રાહુલ નીટ પેપર લીક પર સતત અવાજ બુલંદ કરતા રહ્યા છે. તેઓ આ અવાજને સાધવા માટે કોટા અને દેહરાદૂન ગયા અને વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ થયા. રાહુલના હસ્તક્ષેપે આખા મામલાને રાજકીય રંગ તો આપ્યો જ, સાથે જ સરકારની મુશ્કેલી પણ વધારી દીધી છે. શરદ પવાર અને બીજા નેતાઓ પણ આ ભીડમાં સામેલ થઈ રહ્યા છે. જોકે રાહુલે વડાપ્રધાન અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરીને આંદોલનના દાયરાને વધારી દીધો છે. તેઓ સાફ રીતે એ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભલે ધર્મેન્દ્ર પ્રધાનને સીધા જવાબદાર કહેવામાં આવી રહ્યા હોય, પરંતુ અંતિમ જવાબદારી તો વડાપ્રધાનની છે, સરકારની છે. કેમ હજુ સુધી સરકારે વિદ્યાર્થીઓના મુદ્દાને સંબોધિત ન કર્યો જેના કારણે તેમને અનશન માટે મજબૂર થવું પડ્યું અને તેઓ આક્રોશિત છે.
જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પૂરા ન થયા, અથવા એવું કહેવામાં આવે કે તેમની સાથે દગો કરવામાં આવ્યો. આ ગુસ્સો ઘણાં દિવસોથી ઉકળી રહ્યો હતો. દર વખતે જ્યારે પેપર લીક થયું ત્યારે વિદ્યાર્થી રસ્તા પર ઉતર્યો અને દર વખતે તેની વાતોને સાંભળવામાં ન આવી. તેને બદલામાં મળી દંડા ફટકારાયા. તેનું માથું ફોડાયું. તે ઘાયલ થયો. પોલીસ કેસ કરવામાં આવ્યા. આ બધું જ દિલ્હીથી બહાર થઈ રહ્યું હતું. મુખ્યધારાના મીડિયાએ તેના તરફ ધ્યાન ન આપ્યું. તેને ઈગ્નોર કર્યું. દિલ્હીની સરકાર ઊંઘતી રહી. બેદરકારી દાખવતી રહી. પરંતુ આ ગુસ્સો ધીરે ધીરે ફેલાઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ રાજીનામાની માંગ વચ્ચે પહેલીવાર ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું
સીજેઆઈનું કોકરોચવાળું નિવેદન
જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશે બેરોજગાર યુવકોને કોકરોચ કહ્યા અને 5 દિવસમાં 2 કરોડથી વધુ લોકો કોકરોચ જનતા પાર્ટીથી જોડાઈ ગયા તો હું ચોંકી ગયો. આ અસામાન્ય ઘટના હતી. આનો અર્થ હતો કે જમીન પર કંઈક થઈ રહ્યું હતું જેની હવા આપણને નહોતી. પરંતુ જ્યારે જંતર-મંતર પર ધરણા પ્રદર્શનનું એલાન થયું અને શરૂઆતમાં ભીડ ભેગી ન થઈ તો લાગ્યું કે આ કોઈ પરપોટો હતો જે ફૂટી ગયો. સોનમ વાંગચુકની એન્ટ્રીએ હવાને થોડી બદલી, આંદોલનને થોડી નૈતિક આભા આપી પરંતુ જ્યારે 17મા દિવસે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા તો હવા બદલાવાની ફરી આહટ આવી. અને વિસ્ફોટ થયો જ્યારે તેમને જબરદસ્તી ઉઠાવી લેવામાં આવ્યા. સંસદ માર્ચે બધાને ખોટા સાબિત કર્યા. પરંતુ અહીંથી હવે આગળ શું? શું આ જેપી આંદોલન સાબિત થશે જેણે ઈંદિરા ગાંધીની સરકાર પલટી નાખી કે પછી અન્નાનું આંદોલન જેણે કોંગ્રેસના મૂળિયાં હલાવી નાખ્યા હતા?
દરેક આંદોલનની પોતાની તાસીર હોય છે અને તેની એક સીમા હોય છે. કારણ કે આંદોલન પોતાના સમયથી નારાજ લોકોનો આવેશ હોય છે જે ન્યાય માંગે છે. ઈંદિરા ગાંધીના સમયમાં વિદ્યાર્થીઓમાં આક્રોશ હતો. બેરોજગારી, મોંઘવારીથી નારાજગી હતી. આ આંદોલન ગુજરાતથી શરૂ થયું હતું અને પાછળથી ભારત છોડો આંદોલનના નાયક જય પ્રકાશ નારાયણે વૃદ્ધાવસ્થામાં આને લીડ કર્યું હતું. ઈંદિરા ગાંધી પોતાના અહંકાર અને અસુરક્ષા બોધમાં આને સમજી ન શક્યા અને તેમણે કટોકટી લાદીને પોતાના પગ પર કુહાડો મારી લીધો.
આ પણ વાંચોઃ જંતર-મંતર હિંસાના વિરોધમાં ભીમ આર્મીનો 25મીએ દેશવ્યાપી વિરોધ

અન્ના આંદોલન કેવું હતું?
અન્નાનું આંદોલન ગેરરાજકીય લોકોનું આંદોલન હતું જે ભ્રષ્ટાચાર સામે ઊભું થયું હતું. આ આંદોલનમાં યુવાનોએ મોટા પાયે ભાગ લીધો હતો પરંતુ આંદોલનનું નેતૃત્વ અનુભવી લોકોના હાથમાં હતું. જેપી આંદોલનથી વિપરીત આ આંદોલન રાજકીય લોકોની પહોંચથી દૂર હતું. જેપી આંદોલન ઈંદિરા સામે એક વિદ્રોહ હતું તો અન્નાનું આંદોલન રાજનીતિના ઉતરતા સ્વરૂપનો પ્રતિકાર. અન્નાનું આંદોલન રાજનીતિને જ નકારી રહ્યું હતું. તે રાજનીતિને બદલવાની અને વ્યવસ્થા પરિવર્તનની વાત કરી રહ્યું હતું. તેના નિશાના પર માત્ર કોંગ્રેસ નહોતી, તેના નિશાના પર આખી રાજકીય જમાત હતી.
અન્નાનું આંદોલન રાજનીતિમાં પારદર્શિતા, ઈમાનદારી અને જનતા પ્રત્યે જવાબદેહીની વાત કરી રહ્યું હતું. જોકે આ એક ત્રાંસદી છે કે જે ભ્રષ્ટાચાર સામે લડવા આવ્યા હતા તેઓ પોતે રાજનીતિનો શિકાર થઈ ગયા અને ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા. શીશમહલમાં રહેવા લાગ્યા.
હું અન્નાના આંદોલનથી ઊપજેલી રાજનીતિનો પીડિત છું. તેથી કોકરોચ આંદોલનને લઈને બહુ આશા અત્યારે નથી રાખી રહ્યો. પરંતુ આનો અર્થ એ પણ નથી કે હું આને ઓછું આંકી રહ્યો છું ખાસ કરીને સંસદ માર્ચ પછી જે રીતે યુવાનો આખા દેશમાંથી નીકળીને આવી રહ્યાં છે, તેને જોયા પછી તો બિલકુલ જ નહીં. આ આંદોલન વર્તમાન સરકારના મૂળિયાં હલાવવાની તાકાત રાખે છે. અને સરકારે બહુ સંભાળીને ચાલવું પડશે નહિતર કોંગ્રેસનું ઉદાહરણ સામે છે. જોકે, અન્ના આંદોલનની સરખામણીમાં કોકરોચ આંદોલન ઘણું અલગ છે.
આ પણ વાંચોઃ ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?
એક, અન્ના અને જેપી આંદોલનની કમાન મજબૂત હાથોમાં હતી. કેજરીવાલથી લાખ નારાજગી પછી પણ હું એ નથી કહી શકતો કે તેઓ નબળા નેતા હતા. તેમની સાથે સિવિલ સોસાયટીના નામી-અનામી ઘણાં લોકો હતા. જેમની દેશભરમાં પ્રતિષ્ઠા હતી. તેમની સાથે એક આખી ટીમ હતી. અને એક ચેઈન ઓફ કમાન્ડ હતી. અન્ના ચેહરો હતા પરંતુ કેજરીવાલ એ આંદોલનના રચયિતા હતા. એવું કોકરોચ આંદોલન વિશે નથી કહી શકતા. આ આંદોલનની નેતૃત્વક્ષમતા પર ઘણાં સવાલો છે. સોનમની લેટ એન્ટ્રીએ આંદોલનને એક ચેહરો જરૂર આપ્યો છે પરંતુ તેમની સરખામણી હજુ કેજરીવાલ કે અન્ના સાથે ન કરી શકાય.
બે, કોકરોચ આંદોલનમાં તેવી તૈયારી નથી દેખાતી જેવી અન્ના આંદોલનમાં હતી. કેજરીવાલે આંદોલન શરૂ કરતા પહેલા ઘણું હોમવર્ક કર્યું હતું. લોકપાલ બિલને લઈને ઘણી સલાહ મશવરો કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ આંદોલન પહેલા કોલેજો, યુનિવર્સિટીઓ અને સિવિલ સોસાયટીના લોકોને મળી તેમને વિશ્વાસમાં લઈ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં તૈયારીની ઉણપ સ્પષ્ટ દેખાય છે. પરંતુ કોકરોચ આંદોલન અન્ના આંદોલનની સરખામણીમાં ક્યાંય વધારે સ્વયંભૂ છે.
ત્રણ, કોકરોચ આંદોલન એક વ્યક્તિ વિશેષને ટાર્ગેટ કરી રહ્યું છે. આ શિક્ષણ મંત્રીના રાજીનામા પર અડગ છે, જ્યારે અન્નાનું આંદોલન વ્યક્તિની જગ્યાએ સિસ્ટમ પર હુમલા કરી રહ્યું હતું. તે વ્યવસ્થા પર સીધો પ્રહાર કરી રહ્યું હતું. તેને બદલવાની વાત કરી રહ્યું હતું.
આ પણ વાંચોઃ CJP ના આંદોલને વિખરાયેલા વિપક્ષને આપી તક, સરકાર ટેન્શનમાં?
ચાર, અન્નાના આંદોલને માત્ર સવાલો ઊભા ન કર્યા, પરંતુ તેણે સમાધાન આપવાની પણ કોશિશ કરી. તેનો તર્ક હતો કે ભ્રષ્ટાચારથી લડવા માટે લોકપાલ કાયદો બનવો જોઈએ અને તેના દાયરો વડાપ્રધાન સુધી હોવો જોઈએ. લોકપાલ બિલ અન્નાના આંદોલનનું સૌથી વિવાદાસ્પદ પાસું હતું. બુદ્ધિજીવી વર્ગ આ મુદ્દા પર ઘણો વહેંચાયેલો હતો. તેને લાગી રહ્યું હતું કે સંસદીય વ્યવસ્થામાં એક સુપર વ્યવસ્થાને થોપવામાં આવી રહી હતી. અને આ તબક્કાનું માનવું હતું કે વડાપ્રધાનની ઉપર એક સુપરમેનને આરોપિત કરવામાં આવી રહ્યો છે.
પાંચ, કોકરોચ આંદોલન એક એવા સમયમાં અસ્તિત્વમાં આવ્યું છે જ્યારે સમાજમાં વિચારધારાના સ્તર પર જબરદસ્ત ધ્રુવીકરણ છે. માહોલ વધારે વિષક્ત અને આક્રમક છે. અન્નાના સમયે એવું નહોતું. સરકાર વધારે સંવેદનશીલ હતી. તે જંતર મંતર હોય કે પછી રામલીલા મેદાન, આંદોલનકારીઓ સાથે સંવાદ જાળવી રાખ્યો હતો અને તેમની માંગો પર સહાનુભૂતિપૂર્વક વિચાર થઈ રહ્યો હતો, જરૂરી કદમ પણ ઉઠાવવામાં આવ્યા હતા.
છ, અન્ના આંદોલનને મુખ્યધારાના મીડિયા, ખાસ કરીને ટીવીએ બહુ મોટું કરી દીધું હતું. એવું સમર્થન આજે ગેરહાજર છે. જ્યારે લોકો રસ્તા પર ઉતરી ગયા, ભીડ વધી ગઈ અને આંદોલનને કવર કરવું મજબૂરી થઈ ગઈ ત્યારે કવરેજ થઈ રહ્યું છે. મીડિયાનું પૂર્ણ સમર્થન તેને નથી. પરંતુ ડિજિટલ અને સોશિયલ મીડિયાએ આ આંદોલનને લોકો સુધી પહોંચાડવામાં ઘણી મહેનત કરી છે.
પરંતુ, આ આંદોલન પર હજુ કોઈ અંતિમ નિર્ણય આપવો ઉચિત નહીં હોય. જો કે, રાહુલ ગાંધીની દખલે આ આંદોલનને નવું સ્વરૂપ આપ્યું છે. આખા આંદોલનને એક ઐતિહાસિકતા આપી છે. ઈતિહાસ અને સમય આંદોલનનું આકલન ખુદ કરશે. એવામાં અત્યારે તો આ આંદોલનને બસ સમજવાની કોશિશ કરો. ઈતિહાસને પોતાનો ફેંસલો આપવા દો.
(વરિષ્ઠ પત્રકાર આશુતોષનો આ લેખ મૂળ સત્ય હિંદીમાં લખાયો હતો, અહીં તેનો અનુવાદ પ્રસ્તુત છે.)
આ પણ વાંચોઃ સંસદ માર્ચમાં સાદા કપડામાં લાકડીઓ લઈને ઉભેલા કોણ હતા?











