ઝારખંડના પલામુ જિલ્લામાંથી માનવતાને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી શિક્ષિકાને સમયસર મેટરનિટી લીવ ન મળવાના કારણે ગર્ભમાં જ પોતાના બાળકને ગુમાવવાનો વારો આવ્યો છે. કરૂણતા એ છે કે શિક્ષિકા પાસે માતૃત્વ રજા મંજૂર કરવાના બદલે શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા ₹50,000ની લાંચ માગવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.
રજા ન મળવાને કારણે સગર્ભા અવસ્થાના અંતિમ ચરણમાં પણ શિક્ષિકાને શાળાએ ફરજ પર જવું પડ્યું હતું, જ્યાં અચાનક પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા જ બાળકે ગર્ભમાં દમ તોડી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર શૈક્ષણિક આલમ અને સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

શાળા પરિસરમાં જ પ્રસુતિની અસહ્ય પીડા શરૂ થઈ
પીડિત શિક્ષિકા ભારતીને પલામુ જિલ્લાના તરહસી સ્થિત સિલદલિયા પ્લસ-2 હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે અને ચૈનપુરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ડેપ્યુટેશન પર સેવા આપી રહ્યા છે. સગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હોવાથી તેણે 3 જુલાઈના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી ખાતે મેટરનિટી લીવ માટે વિધિવત અરજી સબમિટ કરી હતી. પરિવારનો આરોપ છે કે રજા મંજૂર કરવાની ફાઈલ આગળ ધપાવવા માટે સંબંધિત ક્લાર્ક દ્વારા ₹50,000ની લાંચની માગણી કરવામાં આવી હતી. લાંચ આપવા સક્ષમ ન હોવાથી તેમની રજા મંજૂર કરવામાં આવી ન હતી. રજા વગર ગેરહાજર રહેવાના ડરથી શિક્ષિકા ભારે માનસિક તણાવ વચ્ચે પણ નિયમિત શાળાએ જતી રહી હતી.
આ પણ વાંચો: દલિત મહિલા રસોઈયા બનતા ગામલોકોએ આંગણવાડીને તાળું મારી દીધું
દરમિયાન, શાળા પરિસરમાં જ શિક્ષિકાને અચાનક તીવ્ર પ્રસુતિ પીડા શરૂ થઈ ગઈ હતી. સહકર્મચારીઓ અને પરિજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ જાહેરાત કરી કે શારીરિક શ્રમ અને માનસિક પ્રતાડનાના કારણે ગર્ભમાં જ શિશુનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
પતિએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી લેખિત ફરિયાદ
આ ઘટના બાદ પીડિત શિક્ષિકાના પતિ મુકેશ કુમાર તિવારી, જેઓ પોતે પોલીસ વિભાગમાં કાર્યરત છે, તેમણે પલામુના મેદિનીનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી સંદીપ કુમાર તથા ડીઈઓ કચેરીના બે કર્મચારીઓ વિરુદ્ધ ગુનાહિત બેદરકારી અને માસૂમના મોત માટે જવાબદાર ગણાવી એફઆઈઆર (FIR) નોંધવાની માગ કરી છે. પરિવારજનોએ અગાઉ આ અંગે ડેપ્યુટી કમિશનર (DC)ને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: દલિત યુવકની 101 દિવસ બાદ અંતિમક્રિયા કરાઈ, કસ્ટડીમાં મોત થયું હતું
તપાસના આદેશ, કચેરીનો ક્લાર્ક સસ્પેન્ડ
મામલો વધુ બિચકતાં પલામુના ડેપ્યુટી કમિશનર દિલીપ પ્રતાપ સિંહ શેખાવતે ઘટનાની ગંભીરતા જોઈને ૩ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. પ્રાથમિક તપાસમાં લાંચ માગવાના આક્ષેપ હેઠળ સંબંધિત કચેરીના ક્લાર્કને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જોકે, ડીસીના જણાવ્યા મુજબ અરજીમાં મેટરનિટી લીવને બદલે ચાઈલ્ડ કેર લીવનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે, પરંતુ લાંચ અને બેદરકારીના સમગ્ર મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડીઈઓ કે અન્ય અધિકારીની સંડોવણી જણાશે તો તેમની સામે પણ આકરી કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
રાજકીય ગરમાવો અને વિપક્ષનો આક્રોશ
આ ઘટનાને પગલે ઝારખંડના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. ઝારખંડ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આકરા પ્રહારો કરતા આ ઘટનાને અત્યંત ગંભીર, નિર્દયી અને અમાનવીય ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો એક સરકારી શિક્ષિકા પાસેથી માતૃત્વની રજા માટે પણ લાંચ માગવામાં આવતી હોય તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે? તેમણે પલામુ તંત્ર અને પોલીસ વિભાગ પાસે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે માનવવધનો ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ વાંચો: સાવરકરે અંગ્રેજો પાસે 10 વાર માફી માંગી હતી, પૌત્રે ભરી કોર્ટમાં સ્વીકાર્યું











