ચંદુ મહેરિયા
રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન-ઈઝરાયેલ યુધ્ધો અટકવાનું નામ લેતાં નથી. તેને કારણે વિશ્વ આખામાં આર્થિક સંકટ ઉભું થયું છે. પશ્ચિમ એશિયામાં જારી ધમાસાણની સીધી અસર આપણી અર્થવ્યવસ્થા પર પડી છે. ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ઓઈલ આયાત કરે છે. હાલમાં તે પ્રતિ બેરલ 100 ડોલરના ભાવે મળે છે. જો પેટ્રોલ/ડીઝલ મોંઘા થાય તો પરિવહન ખર્ચ વધે છે તેને કારણે રોજબરોજની ચીજો, કરિયાણુ, શાકભાજી, દૂધ વગેરે મોંઘા થાય છે. મોંઘવારી વધતાં લોકોને માટે જીવવું મુશ્કેલ બને છે.
હાલની આર્થિક સ્થિતિના મુકાબલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે. કોરોના, યુધ્ધો અને ઉર્જા સંકટને કારણે આપણે આફતોના દાયકામાં જીવીએ છીએ તેમ જણાવી વડાપ્રધાને લોકોને આર્થિક કરકસર કરવા અને ખોટા ખર્ચા ટાળવા અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

જેથી મોંઘા ઓઈલની આયાતમાં રાહત મળે. તેમણે કંપનીઓને શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ વિચારવા જણાવ્યું છે. લોકોને વિદેશયાત્રાઓ ટાળવા અને કમસેકમ એક વરસ સોનાની ખરીદી ન કરવા કે ઓછી કરવા પણ અપીલ કરી છે. ખેડૂતોને રાસાયણિલ્ક ખાતરોનો ઉપયોગ ઘટાડવા અને જૈવિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો છે.
આ પણ વાંંચો: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?
કરકસર એક સારો ગુણ છે. દરેક વ્યક્તિએ તેને અપનાવવો જોઈએ. પરંતુ આર્થિક સંકટનો ઉકેલ ખર્ચાઓ પર કાપ અને કરકસર હોઈ શકે કે કેમ અને તે કેટલી રાહત આપે તે વિશે મતમતાંતરો પ્રવર્તે છે. .જ્યારે લોકો કરકસર કરે અને ખર્ચા ઘટાડે ત્યારે તેની સીધી અસર બજારની માંગ ઉપર પડે છે. જો લોકો ખરીદી જ ન કરે કે ઘટાડે તો માંગ ઘટી જાય છે અને બજારમાં પુરવઠો વધી જાય છે. એટલે ખર્ચામાં કાપની ઉંધી અસર પણ થાય છે. જો સરકારો તેના સરકારી ખર્ચાઓમાં કાપ મૂકે તો સરકારી દેવું ઓછું કરવામાં મદદ મળી શકે છે.
તેના કારણે કુલ વપરાશ પણ ઘટે છે. ખર્ચાઓમાં ઘટાડાના ઉપાયથી આર્થિક ગતિવિધિઓમાં થોડીક રાહત જરૂર મળે છે પરંતુ ઘણીવાર બજારમાં તે મંદી પણ નોતરે છે. ઓછા રોકાણ કે ઓછી નિકાસ ધરાવતી અર્થવ્યવસ્થાઓના દેશો જો આ પ્રકારનું વલણ અપનાવે તો તે જોખમી બને છે અને તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

ખર્ચમાં કાપની અસર રોજગારી પર પડે છે.જો લોકો સોનુ ખરીદવાનું બંધ કરે કે ઓછું કરે તો સોની બજારમાં હજારો કારીગરો બેરોજગાર થાય છે . સોનાના દાગીના બનાવનાર અને વેચનાર લાખો કારીગરોના માથે બેકારીનું સંકટ તોળાય છે. તેમના માલિકો પણ તેમને ધંધા વિના કામે ચાલુ રાખી શકતા નથી. મોંઘુ વિદેશી હુંડિયામણ બચાવવા ખાવા-પીવાની ચીજો, રાસાયણિક ખાતરો અને તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કેટલાક દેશોએ કર્યો છે.
આ પણ વાંંચો: ધોળું એટલું દૂધ નહીં: કેવો છે ઉજળા દૂધનો કાળો કારોબાર?
શ્રીલંકાએ 2021માં રાસાયણિક ખાતરોની આયાતો બંધ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ફરજ પાડી હતી. તેનું પરિણામ અનાજના ઓછા ઉત્પાદનરૂપે આવ્યું. દેશમાં અનાજનું ઉત્પાદન 30 થી 50 ટકા ઓછું થતાં લોકોને મોંઘવારી, ગરીબી અને ભૂખમરામાં સબડવાનું થયું હતુ. આ સ્થિતિમાં લોકોનો સરકાર સામેનો રોષ સત્તા પરિવર્તન સુધી પહોંચ્યો હતો.
ભારતમાં માર્ચ-2026માં ખાધ્યચીજો પરની મોંઘવારીનો દર 3.9 ટકા હતો. તે પછીના મહિને એપ્રિલ 2026માં તે 4.2 ટકા થયો હતો. જૂન 2026માં તે 4.38 ટકા છે. જે છેલ્લા દોઢ વરસમાં સૌથી વધુ મોંઘવારી છે. વળી આ વરસે ચોમાસુ નબળું રહેવાની શક્યતાઓ જણાવાઈ રહી છે. એટલે સરકારે અનાજનું ઉત્પાદન ઘટે અને ખાધ્યસુરક્ષા સામે જોખમ ઉભું થાય તેવાં પગલાંઓથી દૂર રહેવાની જરૂર છે.
મોંઘવારીની સાથે જ બેકારી અને ગરીબી વધે છે. કાચા માલની કિંમતો વધતાં કંપનીઓનો નફો ઘટે છે. કંપનીઓ કર્મચારીઓની છટણી કરે છે તેથી બેરોજગારી વધે છે. લોકોની જરૂરિયાતો ઘટતાં ખરીદી ઘટે છે. માંગ ઘટે છે અને અંતે મંદી આવે છે.
આ પણ વાંંચો: ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?
1991માં દેશમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થયું હતું. ત્રણ અઠવાડિયા ચાલે તેટલો જ વિદેશી મુદ્રા ભંડાર બચ્યો હતો. એ વખતના કોંગ્રેસી વંડાપ્રધાન પી.વી.નરસિંહ રાવ અને તેમના નાંણાં પ્રધાન મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો હતો. પંડિત નહેરુના જમાનાથી જે મિશ્ર અર્થંતંત્ર ભારતે અપનાવ્યું હતું. તેના બદલે બજાર અધારિત અર્થતંત્ર અપનાવવામાં આવ્યું હતુ. વૈશ્વિકીકરણના આ નવા યુગથી ભારત આર્થિક સંકટમાંથી ઉગરી ગયું હતું. આર્થિક સુધારા અને લાઈસન્સ રાજને ખતમ કરવાથી વિદેશી મૂડીરોકાણને મોકળું મેદાન મળ્યું હતું. આયાત કર ઘટાડીને, સરકારી ખર્ચ પર કાપ મૂકીને અને લાઈસન્સ રાજને ખતમ કરીને મુક્ત બજાર અર્થવ્યવસ્થાથી આર્થિક સંકટમાંથી બચી શક્યા હતા. એ પછીની બીજી સરકારો અને હાલની સરકારે પણ બજાર અધારિત મુક્ત અર્થવ્યવસ્થા ચાલુ રાખી છે. તેના ફલસવરૂપે વિદેશી રોકાણો વધ્યાના અને ગરીબી ઘટ્યાના દાવાઓ પણ થતા રહે છે.
1991ના ભારતના અનુભવો કરતાં વિશ્વના બીજા દેશોના આર્થિક સંકટના અનુભવો જુદા જુદા છે. 2008ના આર્થિક સંકટ પછી લેટિન અમેરિકી દેશો લાંબા ગાળા સુધી તેમાંથી બહાર આવી શક્યા નહોતા. યુરોપિય દેશોએ ખર્ચમાં કાપનો માર્ગ અપનાવ્યો હતો અને દીર્ઘકાળની મંદી બદલામાં મેળવી હતી. શ્રીલંકા અને પાકિસ્તાને વર્તમાનમાં આયાતો પર પ્રતિબંધ મૂકીને લોકોને ભૂખમરામાં ધકેલ્યા છે અને દેશની આર્થિક હાલત બહુ જ નાજુક છે. આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિકાસશીલ દેશો પર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવી સંસ્થાઓ પણ અઘરી શરતો લાદે છે. આ બધા અનુભવો દર્શાવે છે કે યુધ્ધજનિત સ્થિતિ પછી લાંબા વિચાર કર્યા સિવાયના કોઈ પગલાં આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.
આ પણ વાંંચો: ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય
બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવીને , સાચી દિશાની બચતો કરીને મંદીની અસરથી બચી શકાય છે અને હાલની સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે.પરંતુ માત્ર કરકસર જ કોઈ રામબાણ ઈલાજ નથી. એક તરફ લોકોની આજીવિકા બચાવવાની છે અને ખર્ચાઓ ઘટાડવાના છે.આ બંને હાંસલ કરવા માટે આવક અને ખર્ચ વચ્ચે સખત સંતુલન સાધવું પડશે. દેવું ઓછું કરવા પર ધ્યાન આપવું પડશે.
પશ્ચિમ એશિયાનું યુધ્ધ સંકટ આપણા બારણે આર્થિક સંકટના દસ્તક દઈ ચૂક્યું છે. સધ્ધર આર્થિક સ્થિતિ અને ગરીબી સામે હાંસલ કરેલી સિધ્ધિઓ ધોવાઈ ન જાય તે માટે પણ વધુ જાગ્રત રહેવાનું છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંંચો: રાજીનામાની માંગ વચ્ચે પહેલીવાર ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું











