રામ, કૃષ્ણ, શંકર, ગોપાલ જેવા નામ સાંભળીને પહેલી નજરે આપણને લાગે કે આતો હિંદુ દેવતાઓના નામ છે. પરંતુ આ ઘટનામાં એવું નથી. આ તમામ એ લોકો છે, જેમણે એક નિર્દોષ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી ઘાતક હથિયારો વડે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ તમામ જાતિવાદી તત્વો સામે દલિત યુવકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મામલો જાતિવાદ અને ધર્મની આડમાં દલિતો પર અત્યાચાર કરવા માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના અસંદ્રા વિસ્તારના સિન્ની મજરે સડવા ભેલૂ ગામમાં નરેન્દ્ર કુમાર નામના દલિત યુવક પર હિંદુ ઈશ્વરધારી નામના કેટલાક જાતિવાદી ગુંડાઓ દ્વારા લાકડી-ડંડા અને ધારદાર હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો, દલિત યુવકે તેના વિરુદ્ધ કરવામાં આવેલા જાતિવાદી નિવેદનનો વિરોધ કર્યો હતો. જેના કારણે આ તમામ લોકો તેના પર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં યુવકને બચાવવા આવેલા અન્ય 6 ગ્રામજનોને પણ હુમલાખોરોએ નિર્દયતાથી ફટકાર્યા હતા.

આ પણ વાંચોઃ પાટણના દાત્રાણામાં સરપંચ સહિત 14 લોકોએ દલિત પર હુમલો કર્યો
મળતી વિગતો મુજબ, બુધવારે સવારે નરેન્દ્ર કુમાર ગામના સંતોષ સાહૂના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન વિશ્રામ સાહૂ નામના શખ્સે તેમના પર જાતિસૂચક નિવેદન કરી અપમાનિત કર્યા હતા. નરેન્દ્ર કુમારે આ જાતિવાદી વર્તન સામે અવાજ ઉઠાવતા જ આરોપી વિશ્રામ સાહૂ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાના 9 સાગરીતો સાથે મળીને નરેન્દ્ર પર હુમલો કરી દીધો હતો.

ધારદાર હથિયારોથી હુમલો અને 10 લોકો સામે ગુનો
હુમલાખોરોમાં રામગોપાલ, રામઅવતાર, બાલકૃષ્ણ, રામકૃષ્ણ, રાકેશ કુમાર, શિવશંકર, રામશંકર, વિશ્વંભરનાથ અને રાજેન્દ્રનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ જાતિસૂચક ગાળો આપીને લાઠી-ડંડા, દાંતરડું અને પાવડા જેવા ઘાતક શસ્ત્રોથી નરેન્દ્ર પર હુમલો કર્યો હતો. દેકારો સાંભળી નરેન્દ્રને બચાવવા દોડી આવેલા શિવદુલારી, ચંદ્રશેખર, જગપ્રસાદ, જિંતેન્દ્ર, અનુજ અને શિવાનીને પણ આરોપીઓએ માર માર્યો હતો.
પીડિતની ફરિયાદના આધારે પોલીસે 10 લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના આંબલુણમાં દલિત યુવક પર 8 લોકોનો હુમલો











