જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં દલિત મજૂરોને કેટલાક જાતિવાદી તત્વોએ ખેતરમાં ઢોર માર મારી મુર્ગા બનાવતા ચકચાર મચી ગઈ છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરના મદનપુર ગામમાં ખેતરના જૂના વિવાદને લઈને ડાંગરની રોપણી દરમિયાન દલિત મજૂરો પર જાતિસૂચક ગાળો આપીને હુમલો કરવામાં આવ્યો હતો. લુખ્ખા તત્વોએ દલિત મજૂરોને બંધક બનાવી, તેમને ‘મુર્ગા’ બનાવીને ઢોર માર માર્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ સુનાવણી ન થતાં આખરે પીડિતોએ સોમવારે એસપી ઓફિસે પહોંચીને ન્યાયની માગણી કરી હતી.
દલિત મજૂરોને બંધક બનાવી ‘મુર્ગા’ બનાવી માર માર્યો
ઘટનાની વિગતો અનુસાર, મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશન વિસ્તારના બંજરિયા પુરવા ગામના રહેવાસી બરાતીએ જણાવ્યું કે, રવિવારે સાંજે આશરે 4:00 વાગ્યે તે અન્ય દલિત મજૂરો સાથે મદનપુરના રહેવાસી દિનેશ કુમાર જાયસવાલના ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યો હતો. આ દરમિયાન ગામના જ નૌમીલાલ, સુનીલ, સંતશરણ, રામકુમાર, અખિલેશ સહિત અનેક દબંગ લોકો શસ્ત્રો સાથે ખેતરમાં ઘૂસી આવ્યા હતા.

આ પણ વાંચો: આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વકીલ દંપતીનો સામાજિક બહિષ્કાર કરાયો
આરોપીઓએ ખેતરમાં કામ કરી રહેલા મજૂરોને જોતા જ જાતિસૂચક ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું અને વિરોધ કરતા જ હિંસક હુમલો કરી દીધો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી તેના માથા પર ઘા કર્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ થઈને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ આરોપીઓએ તમામ દલિત મજૂરોને બંધક બનાવી લીધા હતા અને તેમને બળજબરીથી ‘મુર્ગા’ બનાવીને લાકડીઓ તથા પાઇપો વડે ઢોરમાર માર્યો હતો.
કારમાં તોડફોડ, 50000 ની રોકડ અને કાગળોની લૂંટ
બીજી તરફ, શેખુપુર ગામના રહેવાસી પવન કુમારે પણ આ લુખ્ખાઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. પવન કુમારે જણાવ્યું કે, જ્યારે તેમને ખેતરમાં ચાલી રહેલા વિવાદ અને હિંસાની જાણ થઈ, ત્યારે તેઓ સાંજે આશરે 5:00 વાગ્યે પોતાના સગા દિનેશ કુમારના ખેતરે પહોંચ્યા હતા. તે સમયે વિવાદની માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો: શિક્ષકોએ કહ્યું, ‘તમે ગંદા ગટરના કીડા છો, ભણીને શું કરશો?’

આરોપ છે કે પોલીસની હાજરી હોવા છતાં નૌમીલાલ, સુનીલ અને તેમના સાથીઓએ કોઈ પણ ડર વગર પવન કુમારની કાર પર હુમલો કરી દીધો હતો. તેમણે કારના કાચ તોડીને તેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આટલેથી ન અટકતાં, આરોપીઓ કારમાં રાખેલા આશરે 50,000 રૂપિયા રોકડા અને મહત્વના દસ્તાવેજો પણ જબરદસ્તી લૂંટીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: CJP ના આંદોલને વિખરાયેલા વિપક્ષને આપી તક, સરકાર ટેન્શનમાં?
પાક નષ્ટ કરવાનો જૂનો વિવાદ છતાં પોલીસની નિષ્ક્રિયતા
પીડિતોના જણાવ્યા મુજબ, આ લુખ્ખાઓ આ અગાઉ પણ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે. આ અગાઉ પણ લુખ્ખાઓ દિનેશ કુમારના ખેતરમાં ઝેરી કેમિકલ નાખીને ડાંગરનો આખો પાક નષ્ટ કરી નાખ્યો હતો. આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ ગુનો નોંધાયેલો છે, છતાં પણ તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી.
પોલીસની આ જ ઢીલી નીતિના કારણે આરોપીઓની હિંમત વધી ગઈ હતી. રવિવારે થયેલા આટલા મોટા હુમલા અને લૂંટ પછી પણ જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશને પીડિત દલિત મજૂરોની ફરિયાદ સાંભળવાની કે ગુનો નોંધવાની ના પાડી દીધી, ત્યારે પીડિતો નિરાશ થઈ ગયા હતા.
આખરે સોમવારે તમામ પીડિતો એકઠા થઈને SP ઓફિસે પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને આરોપીઓની ધરપકડ કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: મહિલાના શરીર પર માત્ર તેનો જ હક કેમ નહીં?












