બિરસા મુંડા-બાબાસાહેબની પ્રતિમા લગાવતા આદિવાસીઓ પર લાઠીચાર્જ

બિરસા મુંડા અને ડો. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા મુદ્દે આદિવાસીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, સ્થિતિ તંગ.
Birsa Munda statue issue

મધ્યપ્રદેશના મૈહર જિલ્લાના બહેલી ગામમાં જંગલની જમીન પર ભગવાન બિરસા મુંડા અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવાને લઈને પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. વન વિભાગ દ્વારા અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન આદિવાસી સમાજ અને વહીવટી તંત્ર સામસામે આવી ગયા હતા. વાતાવરણ વણસતાં અને પથ્થરમારો થતાં પોલીસે આદિવાસીઓ પર સખત લાઠીચાર્જ કરીને તેમને સ્થળ પરથી ખેદડી મૂક્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધ અને અસંતોષનો માહોલ સર્જાયો છે.

પ્રતિમા સ્થાપના સામે વન વિભાગની કાર્યવાહી

બહેલી ગામમાં આવેલી જમીન પર આદિવાસી સમાજ પોતાના મહાપુરુષો ભગવાન બિરસા મુંડા અને ડો. બી.આર. આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવા માંગતો હતો. જોકે, વન વિભાગે આ નિર્માણને ગેરકાયદેસર કબ્જો ગણાવીને વિરોધ કર્યો હતો. બુધવારે જ્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રતિમાઓ સ્થાપિત કરી રહ્યા હતા, ત્યારે વન વિભાગ અને સ્થાનિક તંત્રની ટીમ કબ્જો હટાવવા પહોંચી હતી. અધિકારીઓએ પ્રતિમાઓ જપ્ત કરીને જમીન ખાલી કરાવવાનું શરૂ કરતાં જ આદિવાસી સમાજ રોષે ભરાયો હતો.

આ પણ વાંચો: રામ મંદિરમાં દાન ગણતા અનુકલ્પ મિશ્રાએ 3 વર્ષમાં ફાર્મહાઉસ-ઘર ખરીદ્યા

પોલીસે આદિવાસી સમાજ પર લાઠીચાર્જ કર્યો

ઘટનાસ્થળે વાતાવરણ તંગ બનતાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તંત્રનો દાવો છે કે સમજાવટ છતાં કેટલાક લોકોએ પોલીસ અને વહીવટી ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. મામલાની ગંભીરતા જોઈને કલેક્ટર અને એસપીના નિર્દેશાનુસાર 3 પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 300થી વધુ પોલીસ અને વનકર્મીઓએ આદિવાસીઓ પર લાઠીચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. પોલીસે આદિવાસીઓને સ્થળ પરથી ખેદડી મુક્યા બાદ જમીન પર વૃક્ષારોપણની કામગીરી શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો: દેશમાં દર 45 કલાકે એક સફાઈકર્મીનું ગટરમાં મોત થાય છે

આદિવાસી સમાજમાં રોષ ફેલાયો

આદિવાસી સમાજના લોકોનો આરોપ છે કે તેઓ માત્ર પોતાના રાષ્ટ્રીય મહાપુરુષોને સન્માન આપવા માગતા હતા, પરંતુ વહીવટી તંત્રે તેમની લાગણીઓને ધ્યાને લીધા વિના બળપ્રયોગ કર્યો હતો. આ પહેલા પણ 2 જુલાઈના રોજ વન વિભાગે આવી જ કાર્યવાહી કરીને પ્રતિમા હટાવી હતી અને 2 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ, વન વિભાગ અને SDM દિવ્યા પટેલ તેમજ CSP મહેન્દ્ર સિંહનું કહેવું છે કે અનામત જમીન પર કાયદાકીય મંજૂરી વગર કોઈપણ પ્રકારનું નિર્માણ કરવું એ કાયદાનો ભંગ છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પૂર્ણપણે નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x