ચંદુ મહેરિયા
ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે એવા શબ્દોથી શરૂ થતાં પ્રતિજ્ઞાપત્રનું વાચન તો આપણે પ્રાથમિક શાળાઓથી કરીએ છીએ. પરંતુ ભારતીય કે ભારતનો નાગરિક કોણ અને કોઈ દેશની નાગરિકતા કઈ રીતે મેળવાય તથા તેના નિયમો શું છે તે વિશે બહુ ઓછું જાણીએ છીએ. હાલમાં નાગરિકતાનો સવાલ ચર્ચામાં છે. પહેલા સર્વોચ્ચ અદાલતે આધારકાર્ડને નાગરિકતાનો પુરાવો માનવાનો ઈનકાર કર્યો. હવે ભારત સરકાર પાસપોર્ટને ટ્રાવેલ ડોક્યુમેન્ટ ગણાવે છે અને તેનાથી કોઈની નાગરિકતા પુરવાર થતી નથી તેવી સ્પષ્ટતા કરે છે. તો પછી નાગરિકતા પુરવાર થાય છે શાનાથી? એવા ક્યા આધાર, પુરાવા કે પ્રમાણ છે કે જે નાગરિકતા પુરવાર કરે?

વ્યક્તિ અને સાર્વભૌમ રાજ્ય વચ્ચેનો કાનૂની સંબંધ એટલે નાગરિકતા. જેના દ્વારા વ્યક્તિને દેશની પૂર્ણ સદસ્યતા મળે છે. નાગરિકતા વ્યક્તિને તે દેશના રાજકીય, કાયદાકીય અને સામાજિક અધિકારો આપે છે. નાગરિકતા ઓળખ, અધિકાર અને ફરજ સાથે જોડાયેલી છે. ભારતમાં નાગરિકતાનો સવાલ આજકાલ અત્યંત સંવેદનશીલ, ગંભીર અને મહત્વનો મુદ્દો છે. પાસપોર્ટ, આધારકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વીમાના કાગળો, જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનો દાખલો, ઘર કે જમીનની માલિકીના દસ્તાવેજો, ડોમિસાઈલ સર્ટિફિકેટ – એવા સઘળા પુરાવા આપણી નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે.
આ પણ વાંચોઃ છેલ્લાં 13 વર્ષમાં 20 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી
આખી દુનિયામાં નાગરિકતા નક્કી કરવા માટે બે લેટિન શબ્દો Jus Sanguinis (જૂસ સૈંગ્યુનિસ) અને Jus Soli (જૂસ સોલી)નો ઉપયોગ થાય છે. એટલે કે વંશ કે રક્તસંબંધના આધારે નાગરિકતા અને દેશની ભૂમિ પર જન્મના આધારે નાગરિકતા. જન્મ અને વંશ ઉપરાંત રજિસ્ટ્રેશન અને નેચરલાઈઝેશનથી નાગરિકતા મેળવી શકાય છે. બંધારણ મુજબ નાગરિકતા કેન્દ્ર યાદીનો વિષય છે એટલે તેને લગતા કાયદા ઘડવાનો અધિકાર માત્ર અને માત્ર કેન્દ્ર સરકારને છે. નાગરિકતા સંબંધી કામગીરી ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તક છે. ભારતીય બંધારણના ભાગ-2, અનુચ્છેદ 5 થી 11 અને સિટિઝનશિપ એક્ટ, 1955 તથા તેમાં થયેલા સુધારાઓની જોગવાઈઓ મુજબ ભારતમાં નાગરિકતા નક્કી કરવામાં આવે છે.
બંધારણીય જોગવાઈઓ અને અનુચ્છેદ 5 થી 11
બંધારણનો અનુચ્છેદ 5 બંધારણના અમલથી નાગરિકતા અંગે છે. તેમાં જણાવ્યું છે કે બંધારણ અમલમાં આવ્યું તે સમયથી ભારતમાં જન્મેલ વ્યક્તિ, જેના માતા કે પિતા ભારતમાં જન્મેલા હોય અને જે બંધારણના અમલના 5 વર્ષ પહેલાંથી ભારતમાં રહેતાં હોય તેને આપોઆપ ભારતની નાગરિકતા મળે છે. પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈ અનુચ્છેદ-6માં છે. 19 July 1948 પહેલાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો ભારતના નાગરિક છે. 19 July 1948 પછી ભારતમાં આવેલા લોકોએ નાગરિકતા મેળવવા ઓછામાં ઓછા 6 મહિના ભારતમાં રહીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બંને પ્રકારે નાગરિકતા મેળવતાં લોકોના માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની પૈકી કોઈ એક ભારતમાં રહેતાં હોવાં જોઈએ.

આ પણ વાંચોઃ ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને મજૂરોના મોત ક્યારે અટકશે?
વિભાજન પછી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા અને પછી ભારત પરત આવેલા લોકોની નાગરિકતા અનુચ્છેદ 7 થી નક્કી થાય છે. કોઈ વ્યક્તિ 1 March 1947 પછી પાકિસ્તાન જતો રહ્યો હોય અને થોડા સમય બાદ ભારત પરત આવે તો તેને અનુચ્છેદ 6 પ્રમાણે 19 July 1948 પછી આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈઓ લાગુ પાડીને નાગરિકતાનો નિર્ણય કરવામાં આવે છે.
અનુચ્છેદ 8 પ્રમાણે વિદેશમાં જન્મેલ કોઈ પણ બાળકના માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની ભારતના નાગરિક હોય તો તેને ભારતની નાગરિકતા મળી શકે છે. કોઈ ભારતનો નાગરિક બીજા દેશની નાગરિકતા મેળવે તો અનુચ્છેદ 9 પ્રમાણે તેની ભારતની નાગરિકતા સમાપ્ત થાય છે. અનુચ્છેદ 10 માં અનુચ્છેદ 5 થી 9 પ્રમાણે જે ભારતનો નાગરિક છે તો તેને સંસદના નાગરિકતા અંગેના કાયદા મુજબ તેની નાગરિકતા કાયમી રહેશે. અનુચ્છેદ 11માં ભારતની સંસદને નાગરિકતા આપવા કે લેવા સંબંધના કાયદા ઘડવાની સત્તા આપતી જોગવાઈ છે.
આ પણ વાંચોઃ સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?
દસ્તાવેજોની વાસ્તવિકતા અને કાનૂની સ્થિતિ
બંધારણના અનુચ્છેદ 11ની જોગવાઈઓને આધીન નાગરિકતા અધિનિયમ, 1955 ઘડવામાં આવ્યો છે અને તેમાં સુધારા પણ થતા રહ્યા છે. 1986, 2003 અને 2019માં તેમાં મહત્વના સુધારા થયા છે. 2019માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવી વસેલા હિંદુ, સિખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસીને ભારતની નાગરિકતા આપવાનો મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાથી આ 3 દેશોની ધાર્મિક લઘુમતીઓને ભારતની નાગરિકતા મળી શકશે.
પાસપોર્ટને દેશના મોટાભાગના લોકો નાગરિકતાનું સૌથી મોટું, વિશ્વસનીય અને આધારભૂત પ્રમાણ માને છે. પરંતુ પાસપોર્ટ 1967ના પાસપોર્ટ એક્ટથી આપવામાં આવે છે જ્યારે નાગરિકતા 1955ના કાયદાથી મળે છે. એટલે નાગરિકતાનો એકમાત્ર પુરાવો પાસપોર્ટ ન હોઈ શકે. દેશના બહુ અલ્પ હિસ્સા પાસે પાસપોર્ટ છે; 2023 સુધીમાં 8.8 કરોડ અને February 2024 સુધીમાં 9.3 કરોડ લોકો પાસે પાસપોર્ટ હતા. તેથી કુલ વસ્તીના 6% થી 7% પાસે જ જેનો પુરાવો હોય તે પાસપોર્ટ નાગરિકતાનો એકમાત્ર પુરાવો ન હોઈ શકે.
આ પણ વાંચોઃ સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!
જન્મના આધારે નાગરિકતા મેળવતો વર્ગ આપણા દેશમાં બહુ મોટો છે. પરંતુ સંસદના ચોમાસુ સત્રમાં પસાર થયેલ જન્મ-મરણ નોંધણી સુધારા કાયદાની ચર્ચાઓ મુજબ હજુય દેશની 8% થી 10% વસ્તી જન્મ નોંધણી કરાવતી નથી. વળી જેમને જન્મના આધારે નાગરિકતા મળી છે તેમાંથી અડધા લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર નથી કે હાથવગું નથી. આધારકાર્ડને સરકારી સબસિડી વિતરણ માટેની ઓળખનું કાર્ડ ગણવામાં આવે છે. પાનકાર્ડ કરદાતાનું ઓળખપત્ર છે. એટલે આ પુરાવા નાગરિકતા માટે બહુ ખપના નથી કે માત્ર સહાયક આધારો છે.
નાગરિકતાવિહીન લોકોની અમાનવીય સ્થિતિ
શું કોઈ પણ દેશની નાગરિકતા હોવી કે લેવી અનિવાર્ય છે? એવો સવાલ થઈ શકે છે. તેના જવાબમાં નાગરિકતાવિહીન લોકોની દશા વિચારી લેવી જોઈએ. મ્યાનમારના લાખો રોહિંગ્યા મુસ્લિમો, કુર્દ અને પેલેસ્ટાઈનીઓ તરત સાંભરે છે. આઈવરી કોસ્ટના 6.92 લાખ લોકો, લાતવિયાના 2.25 લાખ રશિયન આદિવાસીઓ, કુવૈતમાં વસતા 92,000 લોકો, નેપાળ, થાઈલેન્ડ, વેનેઝુએલા, સિરિયા અને બીજા કેટલાક દેશોના કે તે દેશોમાં શરણાર્થી તરીકે રહેતા લોકોની સ્થિતિ નાગરિકતાના અભાવે નહીં ઘરના કે નહીં ઘાટના જેવી અમાનવીય છે. ભારતમાં વસતા તિબેટી શરણાર્થીઓ પણ ભારતના નાગરિકો નથી.
‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના પ્રમાણે તો કોઈ રાષ્ટ્રના સીમાડા અને નાગરિકતા હોવી જ ન જોઈએ એમ કહેવા પ્રેરે છે. પરંતુ હાલમાં તો એ શક્ય નથી. બીજી તરફ ભારતમાં નાગરિકતાનો પુરાવો આપવો જાણે કે દુર્લભ લાગે છે, કેમ કે રાજ્ય પોતે જ તેના દસ્તાવેજોને પ્રમાણભૂત માનતું નથી. લોકોને જે નાગરિકતા માટેનો પુરાવો લાગે છે તેવા પ્રમાણપત્રો કે દસ્તાવેજોની વિશ્વસનીયતા ખુદ રાજ્યે જ ખતમ કરી નાખી છે. એ સ્થિતિમાં કોઈ એક આધારથી નહીં પણ બંધારણની જોગવાઈઓ અને 1955ના કાયદા મુજબ જ નાગરિકતા નક્કી થઈ શકે છે તે સ્વીકારવું રહ્યું.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)
આ પણ વાંચોઃ ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?












