ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં 17 વર્ષની એક દલિત સગીરાનું અપહરણ કરીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ભયાનક ગુનાના આક્ષેપમાં પોલીસે એક ડોક્ટર સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર જિલ્લામાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આશરે 600 થી વધુ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસ્યા બાદ પીડિતાને શોધી કાઢી આરોપીઓને જેલભેગા કર્યા છે.
600 સીસીટીવી કેમેરા ચકાસ્યા, એન્કાઉન્ટર બાદ ધરપકડ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 વર્ષની દલિત બાળકી છેલ્લા 4 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતી. પરિવારની ફરિયાદના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓનું લોકેશન અને બાળકીને શોધવા માટે આશરે 600 જેટલા CCTV કેમેરાનું સઘન સ્કેનિંગ કર્યું હતું.

આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?
શુક્રવારે સગીરા મળી આવ્યા બાદ પોલીસે શુક્રવારે મોડી રાત્રે મુખ્ય આરોપી નાઝિમનો ઘેરાવ કર્યો હતો. ભાગવાનો પ્રયાસ કરતી વખતે થયેલી અથડામણમાં નાઝિમના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેના સહ-આરોપી અને ગુનામાં મદદ કરનાર ડોક્ટર મોહમ્મદ આદિલની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. બંને આરોપીઓને શનિવારે અદાલતમાં રજૂ કરીને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે.
પીડિતાની માતાની આક્રંદ સાથે ન્યાયની માંગ
આ અમાનુષી ઘટના બાદ પીડિતાની માતાએ મીડિયા સમક્ષ પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ મારી દીકરી, અમારા દલિત સમાજ અને આખા સમાજ પર થયેલો અત્યાચાર છે. અમને ફાંસીની સજાથી ઓછું કાંઈ જ મંજૂર નથી. આરોપીઓના ઘર, કોલેજ અને તમામ મિલકતો પર સરકાર બુલડોઝર ફેરવી દે તેવી અમારી માગ છે.”
આરોપી મુસ્લિમ હોવાથી ભાજપના નેતાઓ પહોંચી ગયા
આ કેસમાં આરોપીઓ મુસ્લિમ હોવાથી તરત જ યુપીની યોગી સરકાર તરત એક્શનમાં આવી હોય તેમ તેના મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી કપિલ દેવ અગ્રવાલે આ ઘટના અંગે ઊંડો શોક અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સગીરા સાથે 3 થી 4 વખત વારંવાર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એક ચોક્કસ સમાજના લોકોએ આ વિકૃત કૃત્ય આચર્યું છે.

આ પણ વાંચો: જીતનરામ માંઝીએ SC-ST માટે અલગ મતદાર મંડળની માંગ કરી
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જિલ્લા પોલીસ કપ્તાનને કોઈપણ જાતના સમાધાન વગર સખત કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. આ કેસમાં એક શાળા અને હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી રહી છે, જો તપાસમાં તેમની ભૂમિકા સાબિત થશે તો તેમની સામે પણ કડક પગલાં લેવાશે.
POCSO, SC/ST એક્ટ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો દાખલ
પોલીસે બંને આરોપીઓ નાઝિમ અને મોહમ્મદ આદિલ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 64(1) અને 70(1) ઉપરાંત પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સિસ (POCSO) એક્ટ અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC/ST Act) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સરકાર આ મામલે આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!











