માતાનો પ્રેમ અને તેના સંતાનો પ્રત્યેનું સમર્પણ કોઈ પણ અશક્ય કામને શક્ય બનાવી શકે છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈ શહેરમાંથી એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 47 વર્ષની એક વિધવા માતા રમાબાઈ રણવીરે પોતાની દીકરીઓના શિક્ષણ અને પુસ્તકો માટે યોજાયેલી મેરેથોન દોડમાં સાડી પહેરીને ભાગ લીધો એટલું જ નહીં, પરંતુ ઉઘાડા પગે દોડીને પ્રથમ સ્થાન પણ હાંસલ કર્યું. સામાન્ય રીતે મેરેથોનમાં રમતવીરો ટ્રેકસૂટ અને સ્પોર્ટ્સ શૂઝમાં દોડતા હોય છે, પરંતુ રમાબાઈએ સાડી પહેરી અને હાથમાં ચપ્પલ લઈને પોતાની દીકરીઓના ભવિષ્ય માટે વિજયી દોડ લગાવી હતી.
પતિના અવસાન બાદ એકલા હાથે બે દીકરીઓને ઉછેર
રમાબાઈ મૂળ હિંગોળીના વતની છે પરંતુ હાલમાં તેઓ બીડ જિલ્લાના અંબાજોગાઈ ખાતે પોતાની 2 દીકરીઓ સાથે રહે છે. પતિના અચાનક અવસાન બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. નિર્ધારિત આવકનો કોઈ સ્ત્રોત ન હોવા છતાં રમાબાઈએ હિંમત ન હારી. સૂર્યોદય પહેલાં જ તેઓ માટીના ચૂલા પર રસોઈ બનાવી લે છે. પોતાની બે દીકરીઓના ઉછેર અને તેમના શિક્ષણની તમામ જવાબદારી તેમણે એકલા હાથે ઉપાડી લીધી.

આ પણ વાંચોઃ સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!
રમાબાઈ સારી રીતે જાણતા હતા કે ગરીબી અને અન્યાય સામે લડવાનું એકમાત્ર શસ્ત્ર શિક્ષણ છે. તેથી તેમણે પોતાની દીકરીઓને અંબાજોગાઈની એક એકેડમીમાં દાખલ કરાવી. તેમની એક દીકરી બેંકિંગ પરીક્ષાઓની તૈયારી કરી રહી છે, જ્યારે બીજી દીકરી પૂજા પોલીસ સેવામાં જોડાવાનું સ્વપ્ન જોઈ રહી છે. પૂજાની મહેનત જોઈને એકેડમી સંચાલકે તેની ફીમાં છૂટ પણ આપી હતી. દીકરીઓને ભોજન અને પુસ્તકો મળી રહે તે માટે રમાબાઈએ તે જ એકેડમીમાં રસોઈ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
૩ હજારના ઈનામ માટે દોડમાં ભાગ લીધો
વધતી આર્થિક તંગી વચ્ચે રમાબાઈને સમાચાર મળ્યા કે એક સ્થાનિક સંસ્થા દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત ‘અંતિમ દોડ’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં પ્રથમ આવનાર વિજેતાને રૂ. 3,000 નું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરાઈ હતી. કોઈ વ્યાવસાયિક એથ્લેટ માટે 3,000 રૂપિયા કદાચ રમતગમતના શૂઝ ખરીદવા માટે પણ ઓછા પડે, પણ રમાબાઈ માટે આ રકમ દીકરીઓના નવા પુસ્તકો, પરીક્ષાના ફોર્મની ફી અને એક મહિનાના રાશનની આશા સમાન હતી. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રમાબાઈએ કોઈ પણ સંજોગોમાં આ દોડ જીતવાનો સંકલ્પ કરી લીધો.
આ પણ વાંચોઃ વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!

बेटी की पढ़ाई के लिए नंगे पैर दौड़ी मां, मैराथन में जीते 3 हजार रुपए ताकि भरे फ़ीस
.बीड के अंबाजोगाई में लड़कियों की पढ़ाई के लिए खाना बनाने वाली एक मां ने दौड़कर मैराथन जीत ली है।
रमाबाई रणवीर (उम्र 47) ने खोलेश्वर एजुकेशनल कॉम्प्लेक्स के अमृत जयंती वर्ष के मौके पर आयोजित अमृत… pic.twitter.com/1FefTr7yit— Preeti Sompura (@sompura_preeti) August 31, 2026
ઉઘાડા પગે દોડીને પ્રોફેશનલ દોડવીરોને પછાડ્યા
છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે જ્યારે દોડની શરૂઆત થઈ ત્યારે આસપાસ ટ્રેકસૂટ અને મોંઘા શૂઝ પહેરેલા યુવાન દોડવીરો ઊભા હતા. તેમની વચ્ચે સાડી અને પગમાં સામાન્ય ચપ્પલ પહેરીને 47 વર્ષના રમાબાઈ આવીને ઊભા રહી ગયા. શરૂઆતમાં કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું તો કેટલાક મલકાયા, પણ રમાબાઈનો લક્ષ્ય સ્પષ્ટ હતો.
જેવી સીટી વાગી કે રમાબાઈ દોડવા લાગ્યા. ભાગ્યનગર ચોક સુધીની આ દોડ દરમિયાન થોડે દૂર જતાં જ તેમના ચપ્પલ પગમાંથી લપસવા લાગ્યા હતા. વિલંબ કર્યા વગર રમાબાઈએ ચપ્પલ હાથમાં લઈ લીધા અને કાંકરા વાળા રસ્તા પર ઉઘાડા પગે દોડવાનું શરૂ કર્યું. ખરબચડો રસ્તો, વાગતા કાંકરા અને સાડીનો પાલવ સાચવતા સાચવતા તેઓ આગળ વધતા રહ્યા અને એક પછી એક તમામ સ્પર્ધકોને પાછળ છોડી દીધા.
જ્યારે રમાબાઈએ પ્રથમ સ્થાને ફિનિશિંગ લાઇન સ્પર્શ કરી ત્યારે ઉપસ્થિત તમામ લોકો દંગ રહી ગયા હતા. વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. એક માતાના સંકલ્પ અને સમર્પણની જીતે સાબિત કરી દીધું કે સંતાનોના સપના સાકાર કરવા માટે કોઈ સાધન કે સુવિધાની નહીં પણ અખૂટ હિંમતની જરૂર હોય છે. રમાબાઈએ એ જીતના ત્રણ હજાર રૂપિયા પોતાની દીકરીઓના પુસ્તકો માટે સાચવીને રાખ્યા છે.
આ પણ વાંચોઃ દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!











