જૂનાગઢની દલિત સમાજની હોનહાર દીકરી શ્રદ્ધા કાથડે ગોળા ફેંક રમતમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. તમામ સામાજિક પરિસ્થિતિઓ અને પડકારો સામે ઝીંક ઝીલીને આગળ આવેલી આ દીકરીએ પોતાની અદ્ભુત રમતથી રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને સાબિત કર્યું છે કે બહુજન સમાજની દીકરીઓમાં અગાધ ક્ષમતા રહેલી છે. જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજમાં અભ્યાસ કરતી શ્રદ્ધા હવે ગોવા ખાતે યોજાનારી વેસ્ટ ઝોન એથ્લેટિક્સ સ્પર્ધામાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
શાળા કક્ષાએથી શરૂ થયેલી સુવર્ણ સફર
શ્રદ્ધા કાથડની રમતગમત ક્ષેત્રે સફળતાની આ મુસાફરી ધોરણ 11 થી શરૂ થઈ હતી. શાળા કક્ષાએ આયોજિત રમતગમત સ્પર્ધામાં તેણે પ્રથમ વખત એસ.જી.એફ.આઈ (SGFI) લેવલની ગોળા ફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોતાની પ્રથમ જ સ્પર્ધામાં શ્રદ્ધાએ જિલ્લા કક્ષાએ પ્રથમ રેંક પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સફળતા બાદ તેણે પાછળ ફરીને જોયું નથી.

ત્યારબાદ રાજ્ય સ્તરે આયોજિત SGFI ની મુખ્ય સ્પર્ધામાં પણ શ્રદ્ધા કાથડે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ રેંક સાથે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સતત સખત પરિશ્રમ અને સ્પર્ધાત્મક રમત થકી તેણે પોતાની કાબિલિયત સાબિત કરી બતાવી છે.
ગોવા ખાતે વેસ્ટ ઝોન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
જિલ્લા અને રાજ્ય સ્તરે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણ પદકો જીતનાર શ્રદ્ધા કાથડની હવે આગામી ચાલુ મહિનામાં ગોવા ખાતે આયોજિત થનારી નેશનલ લેવલની વેસ્ટ ઝોન એથ્લેટિક્સ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. ગોવાના મેદાન પર શ્રદ્ધા ગુજરાતની ટીમ તરફથી ગોળા ફેંકની મુખ્ય સ્પર્ધક તરીકે મેદાનમાં ઉતરશે અને જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે.
શ્રદ્ધાએ જણાવ્યું હતું કે તેનું અંતિમ લક્ષ્ય માત્ર રાષ્ટ્રીય કક્ષા સુધી સીમિત રહેવાનું નથી. તે આગામી કોમનવેલ્થ ગેમ્સ અને 2036 માં ભારતમાં આયોજિત થનારા ઓલિમ્પિકમાં દેશ વતી રમીને ગોલ્ડ મેડલ મેળવવા માંગે છે. ભારત, ગુજરાત અને જૂનાગઢ સહિત પોતાના સમાજનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર રોશન કરવા માટે તે દિવસ-રાત મહેનત કરી રહી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત યુવકે ગળેફાંસો ખાધો

મેદાન પર પરસેવો: દૈનિક 4 કલાકની કડક તાલીમ
હાલમાં શ્રદ્ધા કાથડ જૂનાગઢના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સધન તાલીમ મેળવી રહી છે. પોતાની રમતને વધુ ધારદાર બનાવવા માટે તે દરરોજ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એમ કુલ 4 કલાક સુધી મેદાન પર સખત પરસેવો પાડી રહી છે.
તેની આ સફળતા પાછળ તેના કોચનું માર્ગદર્શન નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે. રમતમાં થતી નાની-નાની તકનીકી ભૂલોને સુધારીને મેદાનમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે કોચ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જૂનાગઢના રમતગમત સંકુલમાં શ્રદ્ધા સાથે અન્ય 3
મહિલા ખેલાડીઓ પણ સખત પ્રેક્ટિસ કરી રહી છે.
જૂનાગઢના સામાન્ય દલિત પરિવારમાંથી આવીને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા સુધી પહોંચેલી શ્રદ્ધા કાથડની આ સિદ્ધિ એ વાતની સાબિતી છે કે યોગ્ય માર્ગદર્શન અને દ્રઢ મનોબળ હોય તો બહુજન સમાજની દીકરીઓ રમતગમતના ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી શકે છે. ગોવાની સ્પર્ધામાં પણ શ્રદ્ધા વિજયી બનીને દેશનું નામ રોશન કરે તેવી સમગ્ર પંથકમાં અપેક્ષા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ભૂતડીમાં સવર્ણ હિંદુઓએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો











