અમદાવાદમાં હોર્ન વગાડવા બાબતે બે દલિત દીકરીઓ પર હુમલો

અમદાવાદના નરોડામાં માત્ર હોર્ન વગાડવા જેવી બાબતે દલિત બહેનો પર હુમલો કરી ગાળો બોલનાર બ્રાહ્મણ શખ્સ હવે જેલમાં જશે.
ahmedabad-naroda-dalit-sisters-attack-court-verdict

અમદાવાદમાં એક જાતિવાદી શખ્સે બે દલિત બહેનો પર માત્ર હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં હવે કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી છે. આ સમગ્ર ઘટનાની વિગતો તપાસીએ તો તે 4 ઓક્ટોબર 2023ના રોજ બની હતી. અમદાવાદના નરોડા સરદારનગર પાસે આવેલી સુમંગલમ સોસાયટીમાં રહેતા દલિત પરિવારની કાજલ કાશવાકર પોતાની બહેન પ્રાંજલને એક્ટિવા પાછળ બેસાડીને શાંતિથી પોતાના ઘરે જઈ રહી હતી. એ દરમિયાન રસ્તાની વચ્ચોવચ નરોડાના ખોડિયાર પાર્કમાં રહેતો 45 વર્ષીય આરોપી હિતેશકુમાર રાવલ ચાલી રહ્યો હતો. રસ્તો સાંકડો હોવાથી અથવા પસાર થવા માટે જગ્યા માંગવાના આશયથી કાજલે પોતાના એક્ટિવાનો હોર્ન વગાડ્યો હતો. ટ્રાફિકના નિયમ મુજબ હોર્ન વગાડવો એ એક સામાન્ય પ્રક્રિયા છે.

પરંતુ, જાતિવાદી માનસિકતાથી પીડાતા આરોપી હિતેશકુમાર રાવલને એક દલિત દીકરી હોર્ન મારીને રસ્તો માંગે તે વાત બિલકુલ હજમ થઈ નહીં. વાહન સાઈડમાં કરવાને બદલે તેનો મનુવાદી અહમ ઘવાયો હતો અને તેણે ગુસ્સે થઈને કાજલ તરફ પાણીની ભરેલી બોટલ છૂટ્ટી ફેંકી હતી અને જોરદાર ધક્કો માર્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી સંતુલન ગુમાવતા કાજલ અને તેની બહેન પ્રાંજલ બંને એક્ટિવા સાથે રસ્તા પર પટકાયા હતા. પડવાના કારણે બહેનોને શારીરિક ઈજાઓ પહોંચી હતી પરંતુ આરોપીનો રોષ આટલેથી જ અટક્યો ન હતો. તેણે રસ્તા પર પડેલી બંને દલિત બહેનો પર હુમલો કરી દીધો હતો અને જાહેરમાં તેમને જાતિવિષયક ગંદી અપમાનજનક ગાળો ભાંડી હતી. આ હુમલો એટલો ઘાતકી અને ભયાનક હતો કે નાની બહેન પ્રાંજલ ઘટનાસ્થળે જ બેભાન થઈ ગઈ હતી અને તે સળંગ 2 દિવસ સુધી હોસ્પિટલના બિછાને બેભાન અવસ્થામાં રહી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના વાસણામાં મધરાતે બહેન સામે જ દલિત યુવકની હત્યા

એટ્રોસિટી એક્ટને કારણે ન્યાય મળ્યો

બે નિર્દોષ દલિત યુવતીઓ પર થયેલા આ અત્યાચારને પગલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી હિતેશકુમાર રાવલની ધરપકડ કરી હતી. કાયદાકીય જોગવાઈઓ મુજબ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી, સાક્ષીઓના નિવેદનો નોંધી અને મેડિકલ રિપોર્ટ મેળવીને કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે પૂરતા અને સચોટ પુરાવાઓ એકત્રિત કર્યા હતા.

19 સાક્ષીઓ અને 20 દસ્તાવેજોના આધારે સજા કરાઈ

આ સંવેદનશીલ કેસ અમદાવાદની ખાસ એડિશનલ સેશન્સ જજ બિન.એચ. ધાસુરાની કોર્ટમાં ચાલી ગયો હતો. દલિત દીકરીઓ તરફથી સરકારી વકીલે ન્યાયાલય સમક્ષ મજબૂત અને ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે એક સભ્ય સમાજમાં આ પ્રકારે જાહેરમાં મહિલાઓ પર, તે પણ માત્ર વાહનનો હોર્ન વગાડવા જેવી બાબતે, શારીરિક હુમલો કરવો અને જાતિસૂચક ગાળો બોલવી તે અત્યંત ગંભીર અપરાધ છે. આ કેસને સાબિત કરવા માટે સરકારી વકીલ દ્વારા કુલ 19 જેટલા સાક્ષીઓની કોર્ટમાં જુબાની લેવડાવવામાં આવી હતી અને 20 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ

મેડિકલ રિપોર્ટ, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને સેશન્સ જજ બિન.એચ. ધાસુરાએ આરોપી હિતેશકુમાર રાવલને એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ પુરેપુરો દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આકરા શબ્દોમાં નોંધ લીધી કે આવા જાતિવાદી અપરાધો સમાજ માટે કલંકરૂપ છે અને તે ચલાવી લેવાય નહીં. અંતે, કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

બંને દલિત દીકરીઓએ હિંમત અને ધીરજ દાખવી

આ ચુકાદામાં બંને દલિત દીકરીઓએ ભારે હિંમત અને ધીરજ દાખવી હતી. આજે પણ શહેરી વિસ્તારોમાં દલિતો પર થતા અત્યાચારોના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં મોટાભાગે પોલીસ કેસ થતા નથી અથવા તો સાક્ષીઓના અભાવે આરોપીઓ છૂટી જતા હોય છે. પરંતુ આ કેસમાં પીડિત બહેનોએ જે હિંમત દાખવી અને ન્યાયતંત્ર પર ભરોસો રાખીને કાનૂની લડાઈ લડી, તે ખરેખર અન્ય પીડિતો માટે પ્રેરણારૂપ છે. એટ્રોસિટી એક્ટની કડક અમલવારી જ આવા ગુનાઓને ડામવા માટેનો એકમાત્ર ઈલાજ છે તે આ ચુકાદાથી ફરી સાબિત થયું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ

4.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x