પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાંથી ટોળાશાહી અને કોમવાદી હિંસાનો વધુ એક અત્યંત ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે.
બાગડોગરા પાસે ઢોર ચોરીની શંકામાં ઉશ્કેરાયેલા હિંસક ટોળાંએ 5 મુસ્લિમ યુવકો પર હુમલો કરી દીધો હતો. આ લિંચિંગમાં 2 મુસ્લિમ યુવકોના ઘટનાસ્થળે તથા હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યા હતા, જ્યારે 3 અન્ય યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ છે. હિંદુત્વવાદી માનસિકતા અને કાયદો હાથમાં લેવાની આતંકવાદી પ્રવૃત્તિઓએ વધુ 2 નિર્દોષોનો ભોગ લીધો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને આક્રોશ વ્યાપી ગયો છે.

મોડી રાત્રે લોહિયાળ આતંક, પીકઅપ વનને સળગાવી દીધી
રિપોર્ટ મુજબ, આ લોહિયાળ ઘટના શનિવારે મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે બાગડોગરા નજીક બની હતી. હિંસક ટોળાંએ 5 મુસ્લિમ યુવકોને ઘેરી લીધા હતા અને તેમના પર ઢોર ચોરી કરવાનો આરોપ લગાવીને કોઈ પણ પૂછપરછ વગર લાકડીઓ, પાઇપો અને ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકે હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડી દીધો હતો. હુમલાખોરોએ માત્ર યુવકોને જ ફટકાર્યા નહોતા પરંતુ તેમની પીકઅપ વનને પણ આગ ચાંપી દીધી હતી.
આ પણ વાંચો: SC-ST એક્ટના 3 દાયકા: કાયદો બદલાયો, મનોવૃત્તિ નહીં?
મૃતકો અને ઘાયલોની ઓળખ, હજુ સુધી કોઈની ધરપકડ નહીં
આ હિંસક મોબ લિંચિંગમાં માર્યા ગયેલા યુવકોની ઓળખ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ચોપરાના રહેવાસી શાહિદ અખ્તર અને હરિયાણાના રહેવાસી સજ્જાદ મોહમ્મદ તરીકે થઈ છે.
જ્યારે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 3 અન્ય મુસ્લિમ યુવકો અમીર સત્તાર, અકરમ ખાન અને આરીફ ખાન (તમામ રહેવાસી હરિયાણા) ને ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક દર્શાવાઈ રહી છે. ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જોકે, 4 ઓક્ટોબર 2026 સુધી આ હુમલાખોર ટોળાંમાંથી એક પણ ગુનેગારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: અયોધ્યામાં દલિત સાંસદના પોસ્ટર પર સાધુ-સંતોએ ચંપલ મારતા વિવાદ
દેશભરમાં મુસ્લિમો વિરુદ્ધ લિંચિંગનો વધતો આતંક
ગાય કે ગૌમાંસના નામે મુસ્લિમ સમાજના લોકોને નિશાન બનાવવાની આ કોઈ એકલદોકલ ઘટના નથી. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના લખનઉના ઇટોંજા વિસ્તારમાં 40 વર્ષીય મુસ્લિમ બિરયાની સ્ટોલ માલિક પર બીફ લઈ જવાનો આક્ષેપ મૂકીને 3 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત પ્રયાગરાજના ફૂલપુરમાં પણ VHP અને બજ રંગદળના કાર્યકરોએ સ્થાનિક મુસ્લિમ માંસ વિક્રેતાઓ પર બીફ વેચવાનો આક્ષેપ મૂકીને હિંસક ધમાલ મચાવી હતી.
તંત્રની નિષ્ક્રિયતા સામે દલિત-મુસ્લિમ સંગઠનોનો આક્રોશ
કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વગર રસ્તા પર જ ન્યાય કરવા નીકળેલા આ હિંસક મોબ લિંચિંગના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસ અત્યાર સુધી નિષ્ફળ રહી છે. દલિત અને લઘુમતી સમાજના અધિકાર સંગઠનોએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને માગ કરી છે કે લિંચિંગમાં સામેલ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તથા પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે.
આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્ય SC આયોગ ક્યારે બનશે?











