દલિત સમાજના હોનહાર વિદ્યાર્થીઓને જાતિવાદની ગટરમાં ઉછરેલા તત્વો કેવી રીતે હેરાન કરતા હોય છે તેનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક સ્કૂલમાં ભણતા દલિત વિદ્યાર્થીને તું ગૌમાંસ ખાય છે તેમ પૂછીને હેરાન પરેશાન કરવામાં આવતા ડિપ્રેશનમાં આવી ગયેલા 16 વર્ષના દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
મામલો પેરિયારની ભૂમિ ગણાતા તમિલનાડુનો છે. અહીંના કોઈમ્બતુર શહેરમાંથી એક અત્યંત સંવેદનશીલ, હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી દીધી છે. કોઈમ્બતુરના પીલામેડુ વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરતો 16 વર્ષીય દલિત વિદ્યાર્થી અકિલન શાળામાં કથિત જાતિગત ભેદભાવ, અમાનવીય વ્યવહાર અને માનસિક ત્રાસથી એટલો બધો કંટાળી ગયો હતો કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ દુર્ઘટનાના કારણે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સ્થાનિક સ્તરે અનેક સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે અકિલનને તેની સામાજિક ઓળખ અને ખાણીપીણીની આદતોને લઈને સ્કૂલના જ કેટલાક લોકો દ્વારા સતત હેરાન કરવામાં આવતો હતો.

મામલો શું હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ગત 21 ઓક્ટોબરના રોજ બની હતી. અકિલનની માતા કૌશલ્યા પોતાના રોજિંદા કામ અર્થે બહાર ગયા હતા અને જ્યારે તેઓ કામ પતાવીને પોતાના ઘરે પાછા ફર્યા, ત્યારે તેમણે ઘરનું દ્રશ્ય જોઈને હોશ ગુમાવી દીધા હતા. તેમના વ્હાલા પુત્ર અકિલનનો મૃતદેહ બેડરૂમની છત સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેમની રોકકળથી આખો વિસ્તાર હચમચી ગયો હતો. તાત્કાલિક આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. અકિલનની અચાનક અને રહસ્યમય મોતથી આખો પરિવાર ભાંગી પડ્યો છે, પરંતુ સાથે જ માતા કૌશલ્યાએ સ્કૂલ તંત્ર, શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થીઓ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમના માસૂમ પુત્રને શાળામાં તેની જાતિના કારણે હેરાન કરવામાં આવતો હતો.
આ પણ વાંચોઃ સગીર દલિત વિદ્યાર્થીને નિર્વસ્ત્ર કરી 6 છોકરાએ માર્યો, ઘા પર મીઠું ભભરાવ્યું
“શું તું ગૌમાંસ ખાય છે?” કહી હેરાન કરાતો હતો
પરિવાર દ્વારા પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદમાં એવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે સ્કૂલના એક શિક્ષકે અકિલનને બધાં વચ્ચે ઊભો રાખીને સવાલ કર્યો હતો કે શું તે બીફ (ગૌમાંસ)નું સેવન કરે છે? આ પ્રકારના પક્ષપાતી, ઝેરી અને અપમાનજનક વલણની શરૂઆત શાળાના વર્ગખંડમાંથી જ થઈ હતી. પરિવારનો સીધો આરોપ છે કે સ્કૂલના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને જાહેરમાં હાથ ઊંચા કરીને જણાવવા માટે કહેવામાં આવ્યું હતું કે કોણ-કોણ અનુસૂચિત જાતિ (Scheduled Caste) સમાજ સાથે સંબંધ ધરાવે છે અને કોણ નથી ધરાવતું. આ જાતિગત ઓળખ ઉજાગર થયા બાદ અકિલન સાથે તેના સાથી વિદ્યાર્થીઓએ અચાનક બોલવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, તેને વારંવાર ટાર્ગેટ કરીને પૂછવામાં આવતું હતું કે “શું તે બીફ ખાય છે?” આ પ્રકારની સતત હેરાનગતિ અને માનસિક ટોર્ચરથી અકિલન અંદરથી તૂટી ગયો હતો.
આ પણ વાંચોઃ IIT બોમ્બેમાં જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીનો આપઘાત!

આચાર્યની ઘોર બેદરકારી અને વહીવટી તંત્રની ઉદાસીનતા
અકિલનના પરિવારે સૌથી મોટો અને ગંભીર આક્ષેપ એ કર્યો છે કે સ્કૂલમાં પોતાના પુત્ર સાથે થઈ રહેલા આ પ્રકારના જાતિગત ભેદભાવ અને અત્યાચારની અગાઉથી જ સ્કૂલના હેડમાસ્ટરને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં, જવાબદાર વહીવટી તંત્ર, સ્કૂલ મેનેજમેન્ટ કે હેડમાસ્ટરે આ ગંભીર મામલે કોઈ જ સકારાત્મક પગલાં ઉઠાવ્યા નહોતા કે કોઈ કાર્યવાહી કરી નહોતી. જો સમયસર સ્કૂલ સત્તાવાળાઓએ યોગ્ય પગલાં લીધા હોત, તો કદાચ એક પ્રતિભાશાળી અને માસૂમ દીકરાનો જીવ બચી શક્યો હોત. હેડમાસ્ટરની આ સંવેદનહીન ઉદાસીનતા અને બેદરકારીના કારણે જ અકિલન ડિપ્રેશન અને માનસિક તણાવમાં ધકેલાઈ ગયો હતો.
પોલીસ તપાસ અને આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી
આ ગંભીર મામલો પ્રકાશમાં આવ્યા બાદ તમિલનાડુ સરકાર અને તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. પીલામેડુ પોલીસે આ પ્રકરણે સક્રિયતા દાખવતા સરકારી સહાયતા મેળવતી સ્કૂલના બે વિદ્યાર્થીઓ સહિત કુલ ચાર મુખ્ય લોકો સામે અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિદ્યાર્થીઓને કોર્ટમાં ઉભા કરવા માટે પોલીસ પૂરાવા એકત્ર કરી રહી છે.
શિસ્તના ભાગરૂપે રાજ્ય શિક્ષણ વિભાગ તથા તંત્ર દ્વારા સ્કૂલના હેડમાસ્ટર અરુણકુમાર અને શિક્ષક વિજયકુમારને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે વાયરલ થયેલા વીડિયો, સ્કૂલના અન્ય સ્ટાફ, સાક્ષી વિદ્યાર્થીઓ અને મૃતકના પરિવારની સઘન પૂછપરછ કરી રહી છે જેથી આત્મહત્યા પાછળના તમામ જવાબદાર પરિબળો કાયદાના સકંજામાં આવી શકે અને પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય મળી શકે.
આ પણ વાંચોઃ ભણીને તારે આંબેડકર બનવું છે? કહી દલિત વિદ્યાર્થી પર હુમલો











