ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, જો તમે પણ આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો આ સમાચાર ખાસ વાંચી લેજો. ગિરનાર સાધુ સમાજે આ વખતે બીમાર, અશક્ત, વૃદ્ધો અને બાળકોને પરિક્રમામાં નહીં આવવા માટે આગ્રહભરી અપીલ કરી છે. ગિરનારમાં આ વર્ષે ઓછો વરસાદ થયો હોવાથી પરિક્રમા દરમિયાન પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં નબળી તબિયત ધરાવતા લોકો અને બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પાણીની અછતની શક્યતા, વૃદ્ધો અને બાળકોને ન આવવા અપીલ
ગિરનાર સાધુ સમાજના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગિરનારમાં વરસાદ ઓછો પડ્યો છે. તેના કારણે પરિક્રમાના માર્ગમાં પાણીની અછત સર્જાઈ શકે છે. પરિક્રમા દરમિયાન લાંબું અંતર પગપાળા કાપવું પડે છે. આવી સ્થિતિમાં બીમાર, અશક્ત અને વૃદ્ધો માટે મુશ્કેલી વધી શકે છે. ખાસ કરીને બાળકોની તબિયત બગડવાની પણ શક્યતા રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સાધુ સમાજે આવા લોકોએ આ વર્ષે પરિક્રમામાં આવવાનું ટાળવું જોઈએ તેવી વિનંતી કરી છે.

અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરીએ પરિક્રમામાં આવનારા લોકોને ખાસ અપીલ કરી છે કે તેઓ પોતાની શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ પરિક્રમામાં જોડાય. માત્ર ધાર્મિક શ્રદ્ધા કે ઉત્સાહના કારણે બીમાર અને અશક્ત લોકોએ જોખમ ન લેવું જોઈએ.
પ્લાસ્ટિક અને કચરો જંગલમાં ફેંકવાથી પ્રદૂષણ વધે છે
સાધુઓએ પર્યાવરણની જાળવણીને લઈને પણ ભાવિકોને અપીલ કરી છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને બિનજરૂરી કચરો સાથે લઈને ન આવે તેવી વિનંતી કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા બાદ કોઈપણ પ્રકારનો કચરો ન ફેલાય તેની તકેદારી રાખવા ખાસ જણાવાયું છે.
ગિરનારનો જંગલ વિસ્તાર પ્રાકૃતિક સંપત્તિ અને વન્યજીવોની દૃષ્ટિએ મહત્વનો છે. લાખોની સંખ્યામાં લોકો એકસાથે જંગલ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે પર્યાવરણને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી ભાવિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, કચરો યોગ્ય જગ્યાએ જ નાખવો અને જંગલ તથા પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે પરિક્રમા પૂર્ણ કરવી જોઈએ.
5 દિવસમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટવાની શક્યતા
દર વર્ષે કારતક સુદ એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા સુધી 5 દિવસની આ પરિક્રમા યોજાય છે. ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથથી શરૂ થતી આ પરિક્રમાનો માર્ગ આશરે 36 કિલોમીટરનો છે. વર્ષો પહેલાં આ પરિક્રમામાં મર્યાદિત સંખ્યામાં ભાવિકો આવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષઓમાં લોકોમાં હતાશા, બેરોજગારી, બેકારી, તાણ જેવી સમસ્યાઓ વધતા લોકો આધ્યાત્મિક શાંતિ માટે પરિક્રમામાં જોડાતા લોકોનો ધસારો વધ્યો છે. દર વર્ષે 5 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે ભવનાથ તળેટી પહોંચે છે.
અગિયારસની મધ્યરાત્રિએ પરિક્રમાનો માર્ગ ખૂલે તેવી શક્યતા

પરંપરા પ્રમાણે કારતક સુદ એકાદશીથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. જોકે, લોકોની સંખ્યા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પરિક્રમાનો માર્ગ 1થી 2 દિવસ વહેલો ખોલવામાં આવતો હોય છે. આ વર્ષે જોકે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ જ પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જો અગિયારસ પહેલાં જ ભવનાથ વિસ્તારમાં ભાવિકોની સંખ્યા વધી જાય તો જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકાર સાથે સંકલન કરીને પરિક્રમાનો માર્ગ વહેલો ખોલવા અંગે નિર્ણય લઈ શકે છે.
આમ, ગિરનારની લીલી પરિક્રમામાં જોડાવા માગતા લોકોએ આ વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને બીમાર, અશક્ત, વૃદ્ધો અને બાળકોને પરિક્રમામાં ન લાવવા સાધુ સમાજે અપીલ કરી છે. સાથે જ પર્યાવરણની જાળવણીની જવાબદારી નિભાવીને જ આ ધાર્મિક પરંપરામાં જોડાવા અનુરોધ કર્યો છે.
સિંહોની અવરજવરથી ચેતીને રહેજો, બાળકને ઉપાડી ગયો હતો
આ જ રીતે જાન્યુઆરી મહિનામાં પણ ગિરનારના પગથિયાં પર સિંહના હુમલાની ઘટના સામે આવી હતી. ગિરનાર પર્વત પર ચઢી રહેલા એક બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો અને તેને મોઢામાં દબોચીને જંગલ તરફ લઈ ગયો હતો. આ ઘટનાએ યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. હવે ફરી બાળક પર સિંહના હુમલાની ઘટના સામે આવતાં ગિરનારની સીડી પર યાત્રિકોની સુરક્ષા અને વન વિભાગની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચોઃ ગિરનાર ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયો, અવશેષો મળ્યાં
આ પણ વાંચોઃ ગિરનારના અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજ પાર્ટી કરતા 10 પૂજારી ઝડપાયા!











