પાણી આમ તો કુદરતી દેણ છે અને દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ જ્ઞાતિનું ઝેર પાણીને પણ છોડતું નથી. દલિત સમાજને પાણી મેળવવામાં પારાવાર તકલીફો પડે છે. તેની કેટલીક નોંધપાત્ર હકીકતો જુઓ, જે અદૃશ્ય ભારતનું ચિત્ર બતાવશે.
આમ તો દલિતોએ પાણી માટે મોટા સંઘર્ષ કરવા પડ્યા છે તેના સબળ પુરાવા ઇતિહાસ તપાસીએ તો જોવા મળશે. સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ચવદાર તળાવ સત્યાગ્રહ પાણી માટેનો એક ઐતિહાસિક સંઘર્ષ હતો. પાણીનો અધિકાર મેળવવામાં સનાતનીઓએ અનેક અડચણો ઊભી કરી હતી. આ સત્યાગ્રહનાં આટલાં વર્ષો બાદ પણ દલિતોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે.

1982ની આસપાસ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રણમલપુર ગામે પાણી માટે મોટો હત્યાકાંડ થયો હતો, જેમાં 2 દલિતોએ જીવ ગુમાવ્યા હતા. માર્ચ 1992માં અમદાવાદનાં 42 ગામોના દલિતોએ સામૂહિક રીતે રેલી કાઢીને પીવાના પાણીની અસમાન વહેંચણી અને ગંદા પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. રેલીમાં કેટલીક બહેનો તો દલિતોને મળતું ગંદું પાણી બોટલોમાં ભરીને સાથે લાવી હતી. તેમણે મામલતદારને ગંદા પાણીની બોટલો આવેદનરૂપે આપીને કહ્યું હતું કે, જો આપ આ પાણી પી શકતા હો તો અમારી આપ સમક્ષ કોઈ ફરિયાદ નથી.
ત્યાર બાદ 2012માં અમદાવાદના કલેક્ટર રૂપવતસિંઘને અમદાવાદ જિલ્લાની આસપાસનાં 20 ગામોના આશરે 1,200 દલિત પરિવારોને નાત-જાતના ભેદભાવને કારણે પીવાનું પાણી મળી શકતું નથી તે અંગેનું આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદ જિલ્લામાં ઘણાં બધાં ગામોમાં સામાજિક નિસબત ધરાવતા નાગરિકોએ આવા બોલતા પુરાવા જેવી હકીકતો સમાજ સમક્ષ લાવી હતી. તેમાંથી કેટલીક હકીકતો આપ સમક્ષ મૂકું છું.
1,100ની વસ્તી ધરાવતા ઘોડી ગામમાં દલિતોની વસ્તી 135 છે. તેમના માટે પીવાના પાણીની લાઇન 20 વર્ષ જૂની છે અને 4થી 5 દિવસે પાણી આવે છે. તે પણ અપૂરતું હોવાથી દલિતોને પૂરતું પાણી મળતું નથી. મહોલ્લાથી થોડેક દૂર અવાવરું જગ્યાએ પાણીનું ખુલ્લું કનેક્શન છે, જ્યાં પાણી વહી જાય છે.
125ની વસ્તી ધરાવતા અરણેજ ગામમાં દલિત બહેનો 1 કિલોમીટર દૂરથી પીવાલાયક ન હોય તેવું પાણી લાવે છે. 800ની વસ્તી ધરાવતા જવારજ ગામમાં જ્ઞાતિ પ્રમાણે અલગ-અલગ કૂવા છે. 3 વર્ષ પહેલાં દલિતોને પાણી પૂરું પાડવા માટે અલગ સંપ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પાણી આવતું નથી.

ભુરખી ગામે પણ પાણીની પાઇપલાઇનમાંથી પાણી મળતું નથી, એટલે જ્ઞાતિ પ્રમાણે અલગ-અલગ કૂવામાંથી પાણી ભરવામાં આવે છે. પાણીનું કનેક્શન ધરાવતા લોકોમાં દલિતોને છેલ્લે અને ઓછું પાણી મળે છે. પીસાવાડા ગામે દલિતો 20 રૂપિયા ખર્ચીને પાણી લાવે છે.
બાવળાના ધનાવાડા ગામમાં જ્ઞાતિ પ્રમાણે પાણી છોડવાનો સમય જાહેરમાં લખીને મૂકવામાં આવ્યો છે, જેમાં દલિતો માટે પાણી છોડવાનો સમય છેલ્લે લખેલો છે. દહેગામડામાં પાઇપલાઇન હોવા છતાં દલિત ફળિયામાં કનેક્શન આપવામાં આવતું નથી. આ અંગે સરપંચ કહે છે કે તેનાથી કીચડ થશે.
આ પણ વાંચોઃ ગુજરાતના 1,589 ગામોમાં દલિતો સાથે 98 પ્રકારના ભેદભાવ થાય છે!
બગોદરામાં દલિતોને વહેલી સવારે 04:00થી 05:00 વાગ્યે પાણી આપવામાં આવે છે, જેના કારણે તેમને તકલીફ પડે છે. વિરમગામના છાશિયાણા ગામમાં 135 દલિત પરિવારો નજીકના સંપમાંથી ગંદું પાણી મેળવીને પીવે છે. દલિતોનો અલગ કૂવો છે, પરંતુ પાણીનું સ્તર ખૂબ ઊંડું હોવાના કારણે તેમાંથી પાણી મળી શકતું નથી. સાણંદના લોહરીયાડામાં દલિતો પટેલોના નળમાંથી પાણી મેળવે છે. આમ, ઉડીને આંખે વળગે એવી બોલતા પુરાવા જેવી હકીકતો સામે આવી છે.
હમણાં તાજેતરમાં ખેડાના માલાવાડમાં પાણીના પ્રશ્નને લઈને દલિતો પર ગંભીર હુમલો થયો હતો. ગામના લોકોએ સમગ્ર દલિત સમાજમાં આતંક મચાવ્યો હતો અને મકાનોમાં તોડફોડ તેમજ મારામારી કરી હતી. આટલેથી તેમનું મન ન ભરાતાં દલિતોના કૂવાને ગંદો કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામે દલિત બંધુઓએ પીવાના પાણી માટે આવેદનપત્ર આપીને સરકારી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં પણ માત્ર દલિત સમાજને પાણી મળતું નથી તેવો પ્રશ્ન સાથી મિત્ર જયસુખભાઈ ખારવાએ ઉઠાવ્યો હતો. તેઓ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.
ગયા વર્ષે જ સાથી મિત્ર મહેશભાઈ તુરીએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી કે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનાં કુડોલ અને મંડાલી ગામોમાં પણ દલિતોને પાણી આપવામાં ભેદભાવ થાય છે. દલિત ફળિયામાં પીવાના પાણીની લાઇન પણ નાની રાખવામાં આવી છે અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી.
મોરબીના આંબેડકરનગરમાં દલિતોને પૂરતું પાણી મળતું નથી તેવી ફરિયાદો વારંવાર વહીવટી તંત્રને કરવામાં આવી છે. 2014માં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લુણાસણ ગામે પાણી ભરવા જતી 2 દલિત બહેનોએ અત્યાચારનો ભોગ બનવું પડ્યું હતું, જેના કારણે બહેનોએ ફરિયાદ નોંધાવી હતી.
મહેમદાબાદના જાળિયામાં 2012માં ખુદ સરપંચે કૂવામાંથી દલિતોને પાણી ભરવાની મનાઈ ફરમાવી હતી. તે સમયે મહેસાણા જિલ્લાના અને હાલના ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં પાણીની ફરિયાદ કરવા ગયેલા દલિતભાઈનું જાતિગત અપમાન કરીને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેમાં 17 લોકો આરોપી બન્યા હતા. આવી જ રીતે બનાસકાંઠાના ધાનેરામાં પણ પાણીની ફરિયાદ કરવા ગયેલા દલિતભાઈનું જાતિગત અપમાન કરીને તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના સોના ખાટે ગામે અને જાલનાના ભુતેગાવમાં ડંકીમાંથી પાણી ભરવાનો પ્રયાસ કરનારા દલિત યુવાનોની હત્યા થઈ હતી. સુશીલ કુમાર શિંદે જેવા દલિત મુખ્યમંત્રીના શાસનકાળના પ્રથમ 6 મહિનામાં મરાઠવાડા વિસ્તારમાં દલિત અત્યાચારના 46 બનાવો બન્યા હતા, જેમાં 19 બનાવો પાણીના પ્રશ્નને લગતા હતા.
અરે, મહાડ સત્યાગ્રહના સ્થળે 2003માં પાણીના હક સંબંધિત દલિત અત્યાચાર વિરોધી પરિષદ યોજાઈ હતી. આ તમામ હકીકતો દર્શાવે છે કે દલિતો માટે પાણીનો પ્રશ્ન બહુ મોટી સમસ્યા છે.
ગ્રામીણ ગુજરાતની 70 ટકાથી વધુ દલિત વસ્તી પીવાના પાણીના સહિયારા સ્રોતમાંથી પાણી મેળવી શકતી નથી. તેમને ગામના સવર્ણ લોકોની મરજીથી રેડામણા પાણી પર આધાર રાખવો પડતો હોય છે. રેડામણું પાણી એટલે કે દલિતોના ઘડામાં પોતાની મરજીથી ઉપરથી પાણી રેડવું.
ગ્રામીણ ગુજરાતમાં આભડછેટના આચરણ અંગે સમાજવિજ્ઞાનીઓ આઈ. પી. દેસાઈ અને ઘનશ્યામ શાહના અભ્યાસમાં દલિતોને પાણીના પ્રશ્ને ભોગવવી પડતી સ્થિતિનું ભયાનક ચિત્ર જોવા મળે છે. આઈ. પી. દેસાઈના અભ્યાસ સર્વેક્ષણ હેઠળનાં 69 ગામોમાંથી 44 ગામોમાં દલિતો માટે અલાયદા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
રોબર્ટ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્સ અને નવસર્જન દ્વારા 2010માં ગુજરાતના 56 તાલુકાનાં 1,589 ગામોમાં આભડછેટ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં બિનદલિતોના વિસ્તારોમાં આવેલા પાણીના નળ પર દલિતો સાથે 71.4 ટકા અને ગામના કૂવા પર 66.3 ટકા આભડછેટ પાળવામાં આવતી હોવાનું જણાયું હતું.
હિન્દુ ધર્મ દ્વારા ઊભી કરાયેલી જાતિ વ્યવસ્થામાં ગુજરાતની પંચાયતોમાં પાણીની બાબતોમાં દલિત સભ્યો સાથે 62.7 ટકા આભડછેટ પાળવામાં આવતી હોવાનું નોંધાયું હતું. જાહેર પાણીની પરબો પર 42.9 ટકા અને શાળાઓમાં પીવાના પાણી માટે 42 ટકા કિસ્સાઓમાં દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાનું જણાયું હતું.
આપણા સમાજમાં પીવાનું અને ઘરવપરાશનું પાણી લાવવાનું કામ મહિલાઓના માથે નાખવામાં આવ્યું છે. સ્ત્રી હોવું અને તેમાંય દલિત સ્ત્રી હોવું એ મુશ્કેલીઓ વધારનારું પરિબળ છે. પાણી માટે ક્યારેક દરબદરની ઠોકરો ખાવી પડે છે, અપમાનો સહન કરવાં પડે છે અને ક્યારેક તો જાતીય શોષણનો ભોગ પણ બનવું પડે છે.
સ્ત્રીઓ સમગ્ર કુટુંબ માટે પાણી મેળવવા તનતોડ મહેનત કરતી હોવા છતાં ક્યારેક પાણીનો ન્યાયપૂર્ણ હિસ્સો તેમના ભાગે આવતો નથી. તેના કારણે તેમના આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થાય છે. ગુજરાતમાં પાણી મેળવવા માટે વર્ષે 330 લાખ માનવદિન ગુમાવવા પડે છે. તેથી આ ભેદભાવ દલિત મહિલાઓ માટે વધુ આકરો બને છે.
જે દેશમાં વિદેશી કંપનીઓ વર્ષે 85 કરોડ રૂપિયાના પાણીનો વેપલો કરતી હોય, તે દેશમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પંચના 1997-98ના અહેવાલ મુજબ દલિત વિસ્તારમાં 22.46 ટકા જેટલી દલિત વસ્તી સુધી હજુ પીવાનું પાણી પહોંચી શક્યું નથી. આ તમામ હકીકતો દર્શાવે છે કે આજે પણ દલિતો માટે પીવાનું પાણી જોજન દૂર છે.
એડવોકેટ કૌશિક પરમાર, મહેસાણા
આ પણ વાંચોઃ “25 વર્ષ પહેલા મારા ગાલ પર પડેલી આભડછેટની એ થપ્પડો ભૂલાતી નથી“











