વિજાપુર, તા. 21: વિજાપુર નગરપાલિકામાં મહિલા સેનેટરી ઈન્સ્પેક્ટર સાથે કચેરીમાં જ ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. સફાઈ કામદારોના પ્રશ્નોની રજૂઆત કરવા આવેલા ફૂદેડા ગામના કથિત સામાજિક કાર્યકર તરૂણ પટેલે મહિલા અધિકારીને જાતિવિષયક અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી હોવાનો આક્ષેપ છે. આ મામલે મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
વિજાપુર નગરપાલિકામાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં મનીષાબેન ભીખાભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ નગરપાલિકામાં સફાઈની કામગીરીનું સુપરવિઝન કરવા ઉપરાંત સફાઈ કામદારોની હાજરી પૂરવાની જવાબદારી પણ નિભાવે છે. આ કામગીરી દરમિયાન સફાઈ કામદારોની હાજરી અને તેમની કામગીરીને લઈને આ વિવાદ ઊભો થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

હાજરી નહીં કાપવા દબાણ કર્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 18-11-2026ના રોજ વિજાપુર તાલુકાના ફૂદેડા ગામનો તરૂણ પટેલ સેનેટરી ઈન્સ્પેક્ટર મનીષાબેન રાઠોડની ચેમ્બરમાં આવ્યો હતો. તેણે સફાઈ કામદારોની માફી માગવા અને તેમની હાજરી નહીં કાપવા માટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: IIT મંડીમાં પોસ્ટર લાગ્યું, ‘શુદ્રોએ સવર્ણોની સેવા કરવી જોઈએ!’
ફરિયાદી મનીષાબેનના જણાવ્યા મુજબ, તરૂણ પટેલે પોતાની વાત નહીં માને તો તેમની બદલી કરાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન તેણે જાતિવિષયક અપશબ્દો અને ગાળો બોલી હતી. એટલું જ નહીં, ધક્કો મારીને લાફો મારવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં ચેમ્બરમાં હાજર ભાજપના એક કાઉન્સિલરને લાફો વાગતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવને પગલે નગરપાલિકાની કચેરીમાં હોબાળો મચ્યો હતો.

અધિકારીઓની બદલી કરાવવાની ધમકી
ફરિયાદ મુજબ, હોબાળા દરમિયાન તરૂણ પટેલે મહિલા સેનેટરી ઈન્સ્પેક્ટર ઉપરાંત ચીફ ઓફિસરની પણ બદલી કરાવી દેવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ ત્યાંથી જતો રહ્યો હતો.
આ ઘટનાને પગલે મનીષાબેન રાઠોડે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, આ મામલે આરોપી તરૂણ પટેલનો પક્ષ કે ઘટનાને લઈને તેમનો ખુલાસો ફરિયાદમાં આપવામાં આવેલી વિગતોમાં ઉપલબ્ધ નથી. પોલીસ તપાસમાં ઘટનાની હકીકતો અને આક્ષેપોની ખરાઈ થશે.
આ પણ વાંચો: ‘ભણીને તારે આંબેડકર બનવું છે?’ કહી દલિત વિદ્યાર્થી પર હુમલો
લોકદરબારમાં પણ ચર્ચામાં આવ્યો હતો તરૂણ પટેલ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકદરબારમાં પણ તરૂણ પટેલ ચર્ચામાં આવ્યો હતો. આ લોકદરબારમાં તેણે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ તાલુકામાં ચાલતી દારૂની બદીઓ અંગે જાહેરમાં રજૂઆત કરી હતી.
હવે વિજાપુર નગરપાલિકાની મહિલા સેનેટરી ઈન્સ્પેક્ટર દ્વારા તેની સામે જાતિવિષયક અપશબ્દો બોલવા, ધમકી આપવા અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતાં આ મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: જાળીલાના દલિત ઉપસરપંચની હત્યામાં 9 દરબારોને આજીવન કેદ











