ગુજરાતમાં વાલ્મિકી સિવાયના લોકો માથે ‘મેલું’ ઉપાડશે?

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે ત્યારે આ લેખ તેમાં બીજા અનેક પાસાઓ ઉમેરે છે.
melu martin macwan article

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ઉચ્ચારણો દ્વારા ગુજરાતમાં આવેલ રાજકીય ચક્રવાતનું કેન્દ્રબિંદુ ‘મેલું’ શબ્દ છે. એ કોણે ઉપાડવું એ પ્રશ્ન હાલ પૂરતો કોરાણે મૂકીને વાત કરીએ તો:

શંકરસિંહજીને આ પ્રશ્ને ગુજરાતના અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓ કરતાં ‘મેલું’ વિશે બોલવાનો બળવત્તર નૈતિક અધિકાર છે, કારણ કે એમની અને એમના સાથી શ્રી દિલીપભાઈ પરીખની સરકારમાં, ભારત દેશમાં આ અમાનવીય પ્રથા પર પ્રતિબંધ મૂકતો પ્રથમ કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો. ત્યાર બાદ 18 રાજ્યોએ આ કાયદાનો અમલ કર્યો. કાયદો લાવવા ઉપરાંત ગુજરાતમાં શંકરસિંહ સરકારે આ અંગે આયોગની પણ રચના કરી અને પ્રથમ વાર અંદાજપત્રમાં પાંચ વર્ષના ગાળા માટે સફાઈકર્મીઓના પુનર્વસન માટે 150 કરોડ રૂપિયા ફાળવ્યા.

આ અગાઉ ભારત સરકારે કાયદો બનાવેલો હતો, પણ આ પ્રશ્ન ‘રાજ્યની હકુમત’નો હોઈ આ અંગે કેન્દ્ર સરકાર બેથી વધુ રાજ્યોની વિનંતીથી કાયદો જરૂર ઘડી શકે, પરંતુ એ કાયદો અમલમાં ત્યારે જ આવે જ્યારે રાજ્યની વિધાનસભા ઠરાવ કરી તેનો અમલ કરાવે. એટલે કાયદો બન્યો હતો પણ કોઈ રાજ્યે એનો અમલ કર્યો ન હતો.

આ પણ વાંચો: ચીનના શાઓલીન મંદિરમાં સેંકડો રોબોટે બૌદ્ધ સાધુઓ સાથે કુંગ ફુ પ્રેક્ટિસ કરી

આઝાદી બાદ પ્રથમ વાર નવસર્જન ટ્રસ્ટ દ્વારા 1996-97માં આ મુદ્દે જાહેર હિતની અરજી ગુજરાતની વડી અદાલતમાં દાખલ કરવામાં આવી. આ પ્રશ્નને સમગ્ર દેશના અખબારોમાં કેન્દ્રસ્થાને મૂકી આપનાર મારા પત્રકાર મિત્ર રાજીવ શાહ અને તે સમયના ન્યાયમૂર્તિ શ્રી રમેશભાઈ મહેતાનો ખૂબ જ નિર્ણાયક ફાળો રહ્યો.

અદાલતે ત્રણ ધારાશાસ્ત્રીઓની તપાસ સમિતિ નીમી; જેમાં હરુભાઈ મહેતા, ગીરીશભાઈ પટેલ અને શ્રી બી.એન. વકીલ સભ્યો હતા. એમના અહેવાલે કહ્યું કે માથે મેલું ઉપાડવાનું પ્રમાણ ગુજરાતમાં વ્યાપક છે. એના ફળસ્વરૂપે કાયદો આવ્યો. 2002 પછીની ભાજપ સરકારે ગુજરાતમાં આ મુદ્દે શું કર્યું તેનો જવાબ તો એ જ આપી શકે.

કેન્દ્રમાં નરસિંહ રાવની સરકારે અને ત્યાર બાદ મનમોહન સિંહ સરકારે આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી. આ પ્રશ્નને ઉજાગર કરતી દસ્તાવેજી ફિલ્મ ‘LESSER HUMANS’ (ગુજરાતીમાં ‘વેંત છેટા’) નવસર્જને ‘દ્રષ્ટિ’ સંસ્થા સાથે મળીને બનાવી. દુનિયાભરમાં આ ફિલ્મ પ્રસરી ગઈ. આયોજન પંચમાં સલાહકારની ભૂમિકા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું અને આયોજન પંચે સફાઈ કામદારોના પુનર્વસન નિમિત્તે 1000 કરોડ રૂપિયા ફાળવવાનું આયોજન કર્યું. આયોજન પંચમાં બે સભ્યો ડૉ. સૈયીદા હમીદ અને ભાલચંદ્ર મુંગેકરનો આ વિશે અતિ મહત્વનો ફાળો રહ્યો.

આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા

આ અંગે શંકરસિંહજી સાથે ત્રણેક વાર મળવાનું થયેલું. મારા સાથી મિત્ર મધુસૂદન તેમની સાથે જોડાયા અને લોકસભાના સભ્ય બન્યા, ત્યાર બાદ પ્રવીણ રાષ્ટ્રપાલ. મેં રાજકારણમાં આવવાની ના પાડી, કારણ કે ગોલાણા હત્યાકાંડના મારા સાથીઓની કબર પર મેં સોગંદ લીધા હતા કે રાજકારણમાં હું ક્યારેય પ્રવેશ નહીં કરું, જેથી અસ્પૃશ્યતા નિર્મૂલનનું કામ કરી શકું. એટલે હું કોઈ રાજકીય પક્ષનો નોંધાયેલો સભ્ય નથી.

ગુજરાતમાં ‘મેલું’ ચાલુ છે એવો પ્રશ્ન હાલના મુખ્યમંત્રીને પૂછીએ તો એ જવાબ નહીં આપી શકે. કેટલા લોકો આ અમાનવીય કામમાં રોકાયેલા છે એનો પણ એ જવાબ નહીં આપી શકે. ભૂતકાળમાં “ગુજરાતના વિકાસના પુરાવારૂપે જ્યાં અસ્પૃશ્યતા નાબૂદ થઈ હોય તેવા માત્ર એક ગામનું નામ આપો”, એવા પ્રશ્નનો જવાબ પણ ભાજપના મુખ્યમંત્રી આપી શક્યા ન હતા.

માનવ અધિકાર કાર્યકર બનવું અત્યંત કઠિન છે. મારા શાંતિ ફળિયાના ઘરની પાછળ જ સફાઈ કામદારની વસ્તી હતી. સતત ભૂંડી ગાળાગાળી અને ઘર પાછળ જ રમાતા જુગાર સામે મેં વાંધો ઉઠાવેલો. આવા જ એક વાંધા વખતે તેમણે ગુસ્સે ભરાઈ મારા ઘરને આગ ચાંપી. પોલીસ આવી પણ તેમની પક્ષે હતી, કારણ કે તેમને ઉશ્કેરનાર નડિયાદના એક ભાજપી આગેવાન હતા.

આ પણ વાંચો: જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

તે સમયે ડાંગમાં ખ્રિસ્તીઓ પર હુમલાની ઘણી ઘટનાઓ બનેલી. મારી જ સામે ત્યારે બાંયો ચઢાવનાર વ્યક્તિ, સફાઈ કામદારોના પુનર્વસન આયોગના પ્રથમ પ્રમુખ બન્યા—જે કમિશન નવસર્જનના પ્રયત્નોના કારણે બન્યું હતું. જિલ્લા કલેક્ટર ભાગ્યેશ જહા તાત્કાલિક ઘરે આવ્યા અને નાયબ ગૃહ સચિવ મિત્ર જગદીશ પાંડિયનના કારણે હું હેરાનગતિથી બચ્યો. મને આશ્વાસનનો પોસ્ટકાર્ડ લખનાર સેવા (SEWA)ના અતિ આદરણીય ઈલાબેન ભટ્ટ હતા. 1981ના અનામત વિરોધી આંદોલનમાં અનામતની તરફદારી કરવા બદલ ઈલાબેનના ઘર પર પણ પથ્થરમારો થયેલો. 1981ના અનામત વિરોધી આંદોલનમાં ભાજપની સક્રિય ભૂમિકા હતી.

એટલે ગુજરાતમાં વાલ્મિકી સમાજ સિવાયના લોકો માથે ‘મેલું’ ઉપાડે તે તો ક્રાંતિ કહેવાય, અને સફાઈ કામદારો આ કામ છોડવા તૈયાર થાય તો પણ એ ઐતિહાસિક ક્રાંતિ કહેવાય. આ કામ છોડનાર એક કુટુંબમાં રાજકોટમાં મેં થોડા સમય પહેલાં ભોજન કર્યું હતું.

ગાંધી-સરદાર-ડૉ.આંબેડકર (જ્યાં હડધૂત થયા) તે ગુજરાતની ભૂમિમાં લોકો માથે મેલું ઉપાડવાની પ્રથાનો અસ્વીકાર કરે તે જ મર્દાનગીનું કૃત્ય છે. ગાંધીજી, મામા ફડકે, પરીક્ષિતલાલ મજુમદાર અને ઠક્કરબાપા જેવા લોકોએ આ પ્રશ્ને જીવન ખર્ચી નાખ્યું. ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા દૂર થાય તેમાં મારા મિત્રો પ્રો. હર્ષદ દેસાઈ, ઈન્દુકુમાર જાની, અચ્યુતભાઈ યાજ્ઞિક, ઈન્દિરાબેન હિરવે, ઘનશ્યામ શાહ, મુરબ્બી ઈશ્વરભાઈ પટેલ, રોહિત શુક્લ, મધુસૂદન મિસ્ત્રી, ગગન સેઠી,

આ પણ વાંચો: 14 વર્ષની દલિત સગીરાને 20 દિવસ બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ

પ્રકાશ શાહ, ઈલાબેન ભટ્ટ, અનિલ ભટ્ટ, જસ્ટિસ રવાણી અને ડી.એન. પાઠક જેવા અનેક લોકો જોડાયા. એ ‘અનુસૂચિત જાતિ’ની ઓળખ ધરાવતા ન હતા. મારી શ્રદ્ધા છે કે ગુજરાતમાં દલિતની ઓળખ ન ધરાવતા હોય એવા અઢળક લોકો બહાર નીકળશે, જેઓ માને છે કે આ પ્રથા ગુજરાતના માથે કલંક છે.

પણ ‘મેલા’નો ગુજરાતમાં ધંધો છે. મારા સાથી મિત્રે મારું ધ્યાન દોર્યું કે વાળુમાં સફાઈ કામદારો રોટલાનો જ આગ્રહ રાખે. પછી એ રોટલાનો ઢગલો ઘરના છાપરે સુકાય. એ સૂકા રોટલા ગૌપાલકો ખરીદે—ગાયમાતાને પાણીમાં પલાળી ખવડાવવા માટે. અસ્પૃશ્ય રોટલા સ્પૃશ્ય બને અને ફરી એ અસ્પૃશ્ય બની ગાયમાતાના પેટમાં જાય. વધારાનું વાળું અમદાવાદમાં વેચાતું હોવાના અહેવાલ મળેલા, પણ એની ખરાઈ ન થઈ શકી.

જ્ઞાતિવાદનું ગોબર જેટલું ગુજરાતમાં ભરેલું છે તેટલું અન્ય રાજ્યોમાં નથી. ગુજરાતમાં સાચો વિકાસ ત્યારે જ થશે જ્યારે જ્ઞાતિવ્યવસ્થા આધારિત ધર્મનું શુદ્ધિકરણ થાય. આ કોઈ એક ધર્મ નથી, બધા ધર્મોને એનો લૂણો લાગેલો છે.

આ પણ વાંચો:  ઉત્તરાખંડના દલિત યુવકે દેશની પહેલી ‘ઉડતી કાર’ બનાવી!

આદિવાસી ક્ષેત્રમાં શંકરસિંહના ઉચ્ચારણો વાસ્તવિકતા ઉજાગર કરે છે. આઝાદી સમયે આદિવાસીઓ પાસે કેટલી જમીન હતી અને આજે કેટલી છે? સરદારનું બાવલું આદિવાસી ક્ષેત્રમાં ઊભું કર્યું, કારણ કે નર્મદાના પાણીથી રિવરફ્રન્ટની શોભા વધારવી હતી. ગુજરાતની વડી અદાલતમાં નવસર્જને જાહેર હિતની અરજી કરેલી, કારણ કે નર્મદા કાંઠે વસતા આદિવાસીઓને પીવાનું પાણી મળતું નથી, ભલે એ રિવરફ્રન્ટમાં ઠલવાતું હોય.

મેલું ઉપાડવાના ભાવની જાણે હરાજી બોલાઈ. કોઈએ કહ્યું કે શંકરસિંહજી મેલું ઉપાડે તો 1,00,000 રૂપિયા આપું. વાત સાચી, ગુજરાતના વિકાસના કાળા નાણાંનો ઢગલો અમુક લોકોના ઘરમાં જ થઈ ગયો છે. દલિત આંદોલનની એ કમજોરી છે કે એની પાસે પરિપક્વ રાજકીય નેતાગીરી નથી. કોઈ દલિત ધારાસભ્ય ચૂંટાયા પછી 10-15 કરોડમાં વેચાય તેવી વાતો પણ થાય છે. નવસર્જનનું ભંડોળ અને નોંધણી રદ કરાવવાવાળા બે ભાજપમાં ભળેલા દલિત ધારાસભ્યો જ છે. દલિતના હાથે જ દલિતોનું નિકંદન કાઢવું અને દલિત-મુસ્લિમને સામસામે ગોઠવવા એ ગુજરાતના રાજકારણની નામર્દ સોગઠાબાજી છે.

માર્ટિન મેકવાન

(લેખક નવસર્જન ટ્રસ્ટના સ્થાપક અને દલિત સમાજની સમસ્યાઓના જમીની અભ્યાસુ છે.)પણ

આ પણ વાંચો: GPSC ના ‘ગોકળગાય મોડલ’ થી હજારો યુવાનોનું ભાવિ અદ્ધરતાલ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x