ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરની બજાર સમિતિમાં ચાલી રહેલા અતિક્રમણ હટાવો ઝુંબેશે ભાજપ નેતાના પરિવારનું જીવન વિરવિખેર કરી નાખ્યું છે. બજારમાં આવેલી દુકાન પર બુલડોઝર ફેરવી દેતાં ભાજપ મંડળ મંત્રી બ્રિજેન્દ્ર સૈનીના ભાઈએ ધાબા પરથી કૂદીની આપઘાત કરી લીધો હતો. મંગળવારે પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના જ બજારમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં બ્રિજેન્દ્રસિંહની દુકાન પણ ભોગ બનતાં તેના ભાઈ ચેતન સૈનીએ આપઘાત કર્યો હતો. વહીવટીતંત્રે તેમને દુકાનમાંથી સામાન હટાવી લેવાનો પણ સમય ન આપતાં લાખો રૂપિયાનો સામાન બરબાદ થઈ ગયો હતો. જેથી ચેતન સૈની માનસિક રૂપે તૂટી ગયો હતો અને મોડી રાત્રે ધાબા પરથી કૂદી આપઘાત કર્યો હતો. આ મામલે બ્રિજેન્દ્ર સૈનીએ રડતાં રડતાં નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકને જણાવ્યું હતું.
બ્રિજેન્દ્ર સૈનીએ ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને રડતાં રડતાં પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, આ લોકોએ અમારી દુકાન તોડી નાખી. અમે હાથ-પગ જોડતા રહ્યા કે, બસ પાંચ મિનિટનો સમય આપો, અમે સામાન હટાવી લઈએ. પણ તેમણે કશું સાંભળ્યું નહીં. આ લોકોએ અમારા લાખો રૂપિયા બરબાદ કરી દીધા. દુકાન તૂટ્યા બાદ મારો ભાઈ તણાવમાં આવી ગયો અને તેણે મોડી રાત્રે ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો. બુલડોઝર ચલાવતા પહેલાં તેમણે કોઈ નોટિસ પણ પાઠવી ન હતી.

આ પણ વાંચો: દલિત યુવકની દાઢી-મૂછ મુંડી, મોં કાળું કરી અર્ધનગ્ન કરી ગામલોકોએ ફેરવ્યો
ડેપ્યુટી સીએમએ આ અંગે આશ્વાસન આપ્યું કે, ભાજપના સ્થાનિક નેતાઓએ મને આ કાર્યવાહી વિશે જણાવ્યું છે. સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાશે. તેમજ દોષિત અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે. આ દુ:ખની પળમાં સરકાર પીડિત પરિવાર સાથે છે. ઉલ્લેખનીય છે, ડેપ્યુટી સીએમ ભાજપ મંડળના મંત્રી બ્રિજેન્દ્ર સૈનીના ઘરે સાંત્વના પાઠવવા આવ્યા હતા.

ગત સોમવારે બજાર સમિતિમાં કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. તે દરમિયાન અમુક લોકોએ બજાર સમિતિના સચિવ સંજીવ કુમારના કાર્યાલયમાં ઘૂસીને તોડફોડ અને મારપીટ કરી હતી અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. સચિવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરતાં વહીવટીતંત્રે બજારમાં મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં સૈનીની દુકાન પણ તોડી પાડવામાં આવી. આપઘાત કરતાં પહેલાં ચેતન સૈનીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી હતી કે, ‘મુરાદાબાદ બજારની અંદર વહીવટીતંત્રનું આક્રમણ, બધું જ બરબાદ કરી દીધું. માલ-સામાન વરસાદમાં પલળી ગયો. વહીવટીતંત્ર મજા લઈ રહ્યું હતું. હવે જણાવો, આ નુકસાન માટે કોણ જવાબદાર?’
આ પણ વાંચો: અંજારમાં સુરેન્દ્રનગરની દલિત ASI યુવતીની બોયફ્રેન્ડે હત્યા કરી











