ભારતમાં એક બાજુ માનવજાતને વધુ મદદરૂપ કઈ રીતે થઈ શકાય તેની મથામણમાં એઆઈની દુનિયાનું સૌથી મોટું સંમેલન ચાલી રહ્યું છે, બીજી તરફ દેશમાં જાતિવાદ જેવી માનવવિરોધી પ્રવૃત્તિઓ સતત માથું ઉંચકી રહી છે. કર્ણાટકના તુમકુર જિલ્લાના તુરુવેકેરે તાલુકાના ગોની તુમકુર ગામમાં બનેલી એક આઘાતજનક ઘટનાએ માનવતાને ફરી એકવાર શર્મસાર કરી છે. અહીં એક મંદિરમાં એક નવપરિણીત દલિત દંપતીને માત્ર તેમની જ્ઞાતિના કારણે ભગવાનના આશીર્વાદ લેતા રોકવામાં આવ્યા અને સાર્વજનિક રીતે તેમનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું.
ભગવાનના દરબારમાં જાતિવાદની દીવાલ
આ કરુણ ઘટના ગોની તુમકુર સ્થિત પ્રસિદ્ધ ‘અરસમ્મા મંદિર’માં બની હતી. મળતી માહિતી મુજબ, એક દલિત દંપતી લગ્ન બાદ પોતાના સુખી દાંપત્ય જીવનની શરૂઆત કરવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે અત્યંત શ્રદ્ધા સાથે આ મંદિરે પહોંચ્યું હતું. જોકે, તેમને કલ્પના પણ નહોતી કે જ્યાં સૌ સમાન હોવાના ઉપદેશ આપવામાં આવે છે, ત્યાં જ તેમની સાથે જ્ઞાતિના આધારે ભેદભાવ કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’
જેવું આ દંપતી મંદિરના ગર્ભગૃહની નજીક પહોંચ્યું, ત્યાં હાજર નારાયણપ્પા નામના એક વ્યક્તિએ અચાનક હંગામો શરૂ કરી દીધો હતો. આ શખ્સે અંધશ્રદ્ધાનો સહારો લઈ પોતે ભગવાન હોવાનો ઢોંગ શરૂ કર્યો અને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તેણે આક્ષેપ કર્યો કે દલિતો આ મંદિરમાં પ્રવેશ કરી શકે નહીં અને તેમને તાત્કાલિક બહાર નીકળી જવા આદેશ આપ્યો હતો. નારાયણપ્પાએ કથિત રીતે ધાર્મિક નાટક કરીને દંપતીને અશુદ્ધ ગણાવી મંદિર પરિસરમાંથી હાંકી કાઢ્યા હતા.

વીડિયો વાયરલ થતા સમાજની સંવેદનહીનતા ઉઘાડી પડી
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ જોવા મળી હતી કે જ્યારે આરોપી નારાયણપ્પા દંપતીને અપમાનિત કરી રહ્યો હતો અને જાહેરમાં જાતિસૂચક શબ્દો બોલી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર અન્ય લોકો વિરોધ કરવાને બદલે હસી રહ્યા હતા. પીડિત પરિવારે આ ઘટનાને માનવ અધિકારોનું હનન અને અત્યંત અમાનવીય કૃત્ય ગણાવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ ભાજપના ઉપપ્રમુખને માતાજી આવ્યા! ધૂણીને સાંકળો ફટકારી!
પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તુરુવેકેરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પીડિત પક્ષની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી નારાયણપ્પાની ધરપકડ કરી લીધી છે. તેની સામે એસસી-એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ (Atrocities Act) ની વિવિધ કડક ધારાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વીડિયોમાં દેખાતા અન્ય લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે જેઓ આ અપમાનજનક કૃત્યમાં સહભાગી હતા અથવા તેને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
વહીવટીતંત્ર અને સામાજિક સંગઠનોમાં રોષ
વહીવટીતંત્રે આ મામલે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે કોઈપણ પ્રકારનો જ્ઞાતિગત ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. સામાજિક સંગઠનોએ આ ઘટનાને અસ્પૃશ્યતાની માનસિકતાનું જીવંત ઉદાહરણ ગણાવીને આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી ગ્રામીણ સ્તરે શિક્ષણ અને સામાજિક સુધારણાના કાર્યો વેગ નહીં પકડે, ત્યાં સુધી માત્ર કાયદાથી આવી ઘટનાઓ અટકાવવી મુશ્કેલ છે.
આ ઘટનાએ ફરી એકવાર દેશમાં વધી રહેલા જ્ઞાતિવાદના કિસ્સાઓ અને યુજીસીના નવા નિયમો જેવી બાબતો પર ચાલી રહેલી ચર્ચામાં ઘી હોમવાનું કામ કર્યું છે. હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: વડગામના નળાસરમાં આદિવાસી યુવકને હડકવા ઉપડતા કરડવા દોડ્યો










