ચાંદખેડામાં ‘લોકશક્તિ કેન્દ્ર’નો પ્રારંભ, બહુજનોને મળશે નિઃશુલ્ક કાયદાકીય સહાય

ચાંદખેડામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં એડવોકેટ સુબોધ કુમુદ દ્વારા ‘લોકશક્તિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરાયું. અહીં સામાન્ય લોકોને મફત કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડશે.
Lokshakti Kendra in Chandkheda

અમદાવાદ: ગુજરાતના સામાજિક અને રાજકીય ફલક પર છેલ્લા એક દાયકાથી શોષિતો, વંચિતો અને પીડિતોના હક માટે સતત ઝઝૂમતા યુવા એક્ટિવિસ્ટ એડવોકેટ સુબોધ કુમુદ દ્વારા જનસેવાર્થે એક અત્યંત પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને પડતી કાયદાકીય મુશ્કેલીઓ અને સરકારી કચેરીઓના વહીવટી પ્રશ્નોમાં યોગ્ય દિશા મળી રહે તેવા ઉમદા આશય સાથે ‘લોકશક્તિ કેન્દ્ર’નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન રવિવાર, 1 માર્ચ 2026ના રોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનમેદની વચ્ચે કરવામાં આવ્યું હતું.

એડવોકેટ સુબોધ કુમુદનું સપનું પૂર્ણ થયું

એડવોકેટ સુબોધ કુમુદની જાહેર જીવનમાં સફર આજથી 12 વર્ષ પહેલા ફાર્માસિસ્ટોના એક મોટા આંદોલનથી શરૂ થઈ હતી. અત્યંત નાની વયે જાહેર જીવનમાં ઝંપલાવનાર સુબોધભાઈએ પોતાના જીવનનો એક દાયકો સમાજના એવા વર્ગો માટે સમર્પિત કરી દીધો છે જેઓ ન્યાય મેળવવા માટે સક્ષમ નથી. ફાર્માસિસ્ટોના હકથી શરૂ થયેલી આ લડત આજે રાજ્યભરના વંચિતોની લડત બની ગઈ છે. તેમના નિઃસ્વાર્થ સંઘર્ષના પરિણામે જ આજે લોકોના હૃદયમાં તેમણે એક આગવી અને વિશ્વસનીય ઓળખ ઉભી કરી છે.

આ પણ વાંચો: અમેરિકામાં બૌદ્ધ ભિક્ષુઓની 3700 કિમીની ‘શાંતિ પદયાત્રા’ પૂર્ણ

લોકશક્તિ કેન્દ્ર: અન્યાય સામે લડવાનું હથિયાર

આ કેન્દ્રની સ્થાપના પાછળના વિચાર અંગે વાત કરતા એડવોકેટ સુબોધ કુમુદે જણાવ્યું હતું કે, “અમે થોડા દિવસો પહેલા જ્યારે આ ઓફિસ પર બેઠા હતા, ત્યારે એક જ વિચાર હતો કે સામાન્ય માણસની શક્તિને કેવી રીતે વાચા આપવી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘણીવાર અન્યાય સામે ચૂપ રહી જાય છે કારણ કે તેમની પાસે લડવાની શક્તિ કે જાણકારી હોતી નથી. ‘લોકશક્તિ કેન્દ્ર’ એ નામ જ એટલા માટે રાખ્યું છે કે અહીંથી લોકોને અન્યાય સામે બોલવાની અને લડવાની હિંમત મળે. આ કેન્દ્ર કોઈ એક વ્યક્તિનું નથી, પણ એ દરેક નાગરિકનું છે જે ન્યાયની અપેક્ષા રાખે છે.”

Lokshakti Kendra in Chandkheda

નિઃશુલ્ક કાયદાકીય અને વહીવટી માર્ગદર્શન મળશે

વર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થાની પ્રક્રિયા એટલી જટિલ બની ગઈ છે કે સામાન્ય માણસ વકીલોની ફી અને કોર્ટ-કચેરીના ધક્કાથી ગભરાઈને પોતાના હક જતો કરે છે. સરકારી કચેરીઓમાં ફોર્મ ભરવાથી લઈને ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયામાં અનુભવના અભાવે લોકો એજન્ટોના હાથે છેતરાતા હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે ‘લોકશક્તિ કેન્દ્ર’ પરથી તમામ પ્રકારની કાયદાકીય ગૂંચવણો, કોર્ટના કેસો અને સરકારી યોજનાઓના લાભ મેળવવા બાબતે નિઃશુલ્ક સલાહ-સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

Lokshakti Kendra in Chandkheda

આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

જ્ઞાનના અભાવે ન્યાયથી વંચિત રહેતા લોકો માટે આશાનું કિરણ

ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સુબોધ કુમુદની આ પહેલને બિરદાવતા કહ્યું કે, “સમાજમાં કાયદાકીય અજ્ઞાનતા એ સૌથી મોટો અભિશાપ છે. કાયદાના જાણકાર જ્યારે પોતાની વિદ્યાનો ઉપયોગ ગરીબોને ન્યાય અપાવવા માટે કરે છે, ત્યારે સાચા અર્થમાં સામાજિક પરિવર્તન આવે છે.” તેમણે ઉમેર્યું કે ચાંદખેડામાં શરૂ થયેલું આ કેન્દ્ર આગામી સમયમાં અનેક પીડિતો માટે ન્યાયનું દ્વાર સાબિત થશે.

ચાંદખેડા આસપાસના લોકોને ફાયદો મળશે

આ કેન્દ્રના માધ્યમથી હવે ચાંદખેડા અને આસપાસના વિસ્તારના નાગરિકોને વકીલોની મસમોટી ફી ભર્યા વગર પ્રાથમિક કાયદાકીય સલાહ મળી શકશે. આ ઓફિસથી માત્ર સલાહ જ નહીં, પરંતુ જરૂર પડ્યે કાયદાકીય લડત માટે યોગ્ય માર્ગ પણ બતાવવામાં આવશે. સુબોધ કુમુદ અને તેમની ટીમનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો જાહેર જીવનમાં રહીને પણ લોકોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે.

આ પણ વાંચો: દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x