મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના શાહપુરમાં ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. અહીં ગેરકાયદેસર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા માફિયાઓએ પોલીસના બાતમીદાર હોવાની આશંકાના આધારે ભીમ આર્મીના બે સક્રિય કાર્યકરોની લાકડીઓ અને ડંડા વડે માર મારીને નિર્મમ હત્યા કરી દીધી છે. આ ચકચારી દોહરા હત્યાકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યના સામાજિક સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
મામલો શું હતો
પોલીસ અહેવાલ અને પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના 8 મેની રાત્રે બની હતી. શાહપુરના રહેવાસી 38 વર્ષીય નીરજ પ્રજાપતિ અને તેમના સાથી 40 વર્ષીય સૂરજ અહીરવાર ગઢાકોટાથી વીજળી ફિટિંગનો સામાન લઈને પરત ફરી રહ્યા હતા. મોડી રાત્રે બોલેરો કારમાં આવેલા 10 થી 12 જેટલા સશસ્ત્ર બુટલેગરોએ તેમને રસ્તામાં રોક્યા હતા અને બંને પર લાઠી-ડંડા તેમજ લાત-ઘૂંસાથી જીવલેણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયના ‘સારથિ’ બનેલા VCK ચીફ થોલ થિરુમાવલવન કોણ છે?
આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે નીરજ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીઓએ આ ઘટનાને અકસ્માતનું રૂપ આપવા માટે નીરજનો મૃતદેહ બરેઠા બાબાની ઘાટી પાસે રસ્તાની બાજુમાં ફેંકી દીધો હતો. જ્યારે બીજા કાર્યકર સૂરજ અહીરવારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. જોકે, મૃત્યુ પહેલાં સૂરજે ચાર આરોપીઓના નામ પોલીસ સમક્ષ જાહેર કર્યા હતા.
ભીમ આર્મીના કાર્યકરોએ ચક્કાજામ કર્યો
આ દલિત કાર્યકરોની હત્યાના વિરોધમાં ભીમ આર્મીના કાર્યકર્તાઓએ ન્યાયની માંગ સાથે ચક્કાજામ કરીને ઉગ્ર પ્રદર્શનો શરૂ કર્યા છે. પીડિત પરિવારની મુલાકાત દરમિયાન સંગઠનના પદાધિકારીઓએ ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતન સિંહ સાથે વીડિયો કોલ દ્વારા પરિવારની વાતચીત કરાવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષે પીડિતોને સાંત્વના આપતા આશ્વાસન આપ્યું હતું કે, તેઓ પોતાના કર્મઠ સૈનિકોનું બલિદાન વ્યર્થ જવા નહીં દે અને સાગરમાં ચાલતા ગેરકાયદેસર દારૂના નેટવર્કનો નાશ કરીને જ જંપશે. શરૂઆતમાં પોલીસ તપાસની ઢીલી નીતિને લઈને જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: કર્ણાટકમાં દલિત પોલીસકર્મીઓને સવર્ણ હિંદુઓ ભાડે ઘર નથી આપતા!

મુખ્ય આરોપીઓ સહિત ત્રણની ધરપકડ
હત્યાનો ગુનો નોંધાયા બાદ સનોધા પોલીસ સ્ટેશનના પ્રભારી ભરત સિંહ ઠાકુરની આગેવાનીમાં તપાસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં ફરાર મુખ્ય આરોપીઓ પૈકી સત્યપાલ લોધી, પુષ્પેન્દ્ર લોધી અને સંદીપ લોધીની ભોપાલ રોડ જેસીનગર તિગડ્ડા પાસેથી નાકાબંધી કરીને ધરપકડ કરી લીધી છે.
પકડાયેલા આરોપી સત્યપાલ લોધીએ કબૂલાત કરી છે કે તે મુખ્ય આરોપી છોટુ ઉર્ફે હર્ષ લોધી સાથે શાહપુર દારૂ કંપનીમાં કામ કરતો હતો અને આ હત્યાકાંડમાં સામેલ હતો. પોલીસે આરોપીઓ પાસેથી મુખ્ય આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે, જેમાંથી હત્યા સંબંધિત મહત્વના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. તમામ ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દલિત યુવકને જાતિ પૂછી જોઈનિંગના બે કલાકમાં નોકરીમાંથી કાઢી મૂક્યો











