દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર દીકરીની પિતાએ પોલીસ સામે જ હત્યા કરી

દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરીને તેની સાથે જ રહેવાની જીદ કરનાર દીકરીની પિતાએ પોલીસ સ્ટેશનમાં જ ચપ્પાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી.
murder of Dalit

દલિતો સાથે થતા આભડછેટ સહિતના ભેદભાવોમાંથી બહાર આવવા માટે ડો.આંબેડકરે આંતરજાતીય લગ્નોની તરફેણ કરી હતી. પરંતુ ભારતમાં એઆઈના જમાનામાં પણ એ અશક્ય જેવું લાગી રહ્યું છે. અને તેની પાછળનું કારણ ઓનર કિલીંગની ભયાનકતા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દીકરીને તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મામલો જાતિવાદ માટે કુખ્યાત યુપીનો છે. અહીંના કાનપુરના બાંદા જિલ્લાના બદૌસા પોલીસ સ્ટેશનની અંદર જ ઓનર કિલિંગની એક ભયાનક ઘટના સામે આવી છે. સવર્ણ જ્ઞાતિની એક 19 વર્ષીય યુવતીએ દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરી તેની જ સાથે રહેવાની જીદ પકડતા ઉશ્કેરાયેલા પિતાએ પોલીસ સ્ટેશનમાં જ સગી દીકરી પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી જ હત્યારા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમરેલીના મોટા આંકડીયામાં જમીન મુદ્દે પટેલોએ દલિતો પર હુમલો કર્યો

દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરવાની ભયાનક સજા

મળતી સત્તાવાર વિગત મુજબ, બદૌસા પોલીસ સ્ટેશન વિસ્તારના બરછા-બી ગામની રહેવાસી 19 વર્ષીય શિવાની ચૌહાણ ગત 18 મેની રાત્રે પોતાના પ્રેમી લલિત વર્મા સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલે યુવતીની માતા રન્નો ચૌહાણે પાડોશી ગામના યુવક લલિત વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ બંનેની શોધખોળ ચલાવી રહી હતી. શુક્રવારે સવારે બદૌસા પોલીસને બાતમી મળી હતી કે બંને મધ્ય પ્રદેશના સતના જિલ્લાના બરૌંધા વિસ્તારમાં છુપાયેલા છે. પોલીસે કાર્યવાહી કરીને બંનેને ત્યાંથી ઝડપી લીધા હતા અને કાનૂની પ્રક્રિયા માટે બદૌસા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં જ દીકરી પર પિતાનો જીવલેણ હુમલો

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન બંને પક્ષના વાલીઓને પણ સત્તાવાર જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા. આ પંચાયત દરમિયાન પરિવારજનોને જાણ થઈ કે શિવાની અને લલિતે કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે. યુવતીના પિતા સત્યકુમાર ચૌહાણે દીકરીને લલિતનો સાથ છોડીને ઘરે પરત આવવા માટે લાંબા સમય સુધી સમજાવવાના પ્રયાસો કર્યા હતા. આમ છતાં, શિવાનીએ દલિત યુવક એવા પોતાના પતિ લલિત વર્મા સાથે જ જીવન વિતાવવાની મક્કમતા દર્શાવી હતી. દીકરીના આ નિર્ણયથી સામાજિક પ્રતિષ્ઠા અને જ્ઞાતિવાદના આક્રોશમાં અંધ બનેલા પિતા સત્યકુમારે અચાનક પોતાની પાસે છુપાવી રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને દીકરી શિવાની પર સરેઆમ હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો: દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોનો હુમલો

જાતિવાદી તત્વોને કાયદાનો કોઈ ડર કેમ નથી?

તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી પિતાએ યુવતીના પેટના ભાગે ત્રણ અને હાથ પર એક એમ કુલ ચાર જીવલેણ ઘા ઝીંક્યા હતા. પોલીસ સ્ટેશનની અંદર જ લોહીલુહાણ હાલતમાં યુવતી ચીસો પાડવા લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફરજ પરના પોલીસકર્મીઓએ તાત્કાલિક આરોપી પિતાને કાબૂમાં લઈને હથિયાર જપ્ત કર્યું હતું અને ગંભીર રીતે ઘવાયેલી શિવાનીને ખાનગી વાહન દ્વારા તાબડતોડ નજીકના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (CHC) ખસેડી હતી.

જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની નાજુક સ્થિતિને જોતા તબીબોએ તેને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજ રેફર કરી હતી, જ્યાં સારવાર શરૂ થાય તે પૂર્વે જ યુવતીએ દમ તોડી દીધો હતો. આ મામલે મૃતકની માતાની લેખિત ફરિયાદના આધારે વહીવટી તંત્ર દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દિવ્યાંગ દલિત સગીરાના ઘરમાં ઘૂસી યુવકે ધોળા દિવસે દુષ્કર્મ આચર્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x