ભારતમાં મંદિરોએ એ મનુવાદીઓ માટે બેઠી આવકનો સૌથી મોટો ધંધો છે તે હવે સૌ કોઈ સમજી ચૂક્યું છે. રામ મંદિર હોય કે અંબાજીનું અંબે માતાનું મંદિર, મનુવાદીઓ માટે ભોળાં લોકોની આસ્થા કરોડોની કમાણીનું સૌથી મોટું સાધન છે. એટલે જ મંદિરોની આવકમાં ચોક્કસ જાતિના લોકોએ વર્ષોથી પોતાની દાદાગીરી જાળવી રાખી છે. જો કોઈ મંદિરમાં અન્ય જાતિની વ્યક્તિ પૂજારી તરીકે હોય તો મનુવાદીઓ તેને ધર્મના નામે હટાવવા તોફાન મચાવે છે.
મંદિર કોઈપણ જાતિના લોકોનું ભલે હોય, પણ તેમાં પૂજારી એક જ જાતિનો હોય છે અને મંદિરમાં આવતા દાન પર તે હક જમાવી દે છે. કશું જ કામ કર્યા વિના ભગવાનના નામે મળતી આ રકમ તેમના માટે કાયમી કમાણીનું સાધન છે અને એટલે તેઓ કદી અન્ય કોઈ જાતિના લોકોને તેમાં ઘૂસવા દેતા નથી. જો કોઈ અન્ય વ્યક્તિ તેમાં ઘૂસવા પ્રયત્ન કરે તો મનુવાદીઓ તેને મારતા ખચકાતા નથી.

આવી જ એક ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બારાના ગામમાંથી સામે આવી છે. અહીંના ઐતિહાસિક ખાખુલ દેવ મંદિર પર કબજો જમાવવા અને તેના પરંપરાગત દલિત પૂજારીને મંદિરમાંથી બહાર કાઢી મૂકવાનું એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આશરે 400 વર્ષ પહેલાં દલિત (બલાઈ) સમાજ દ્વારા આ ખાખુલ દેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લી 8 પેઢીઓથી આ દલિત પૂજારીનો પરિવાર જ સંપૂર્ણ શ્રદ્ધા સાથે મંદિરની સેવા-પૂજા કરતો આવ્યો છે.
આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?
જ્યાં સુધી આ મંદિરમાંથી કોઈ ખાસ આવક નહોતી, ત્યાં સુધી ઉચ્ચ જ્ઞાતિના કોઈ લોકોને આ બાબતે કોઈ વાંધો કે વિરોધ નહોતો. પરંતુ તાજેતરના સમયમાં જ્યારે મંદિરમાં દાનનો પ્રવાહ શરૂ થયો અને તેનાથી દલિત પૂજારી પરિવારનું જીવનધોરણ બહેતર બન્યું, ત્યારે વિવાદની શરૂઆત થઈ. પૂજારીના બાળકો અંગ્રેજી શાળામાં ભણવા લાગ્યા અને તેમનું પાકું મકાન બન્યું તે જોઈને મનુવાદી તત્વોની નજર આ મંદિરની આવક પર બગડી અને તેમણે મંદિર હડપવાના પ્રયાસો આદરી દીધા.
નકલી ટ્રસ્ટ બનાવી પૂજારી પર જીવલેણ હુમલો કર્યો
મંદિર પર ગેરકાયદેસર રીતે વહીવટ મેળવવા માટે એક નકલી ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું અને જાણીજોઈને વિવાદ પેદા કરવામાં આવ્યો. આ વિવાદને પગલે વહીવટીતંત્રે હસ્તક્ષેપ કરીને મંદિરને હાલમાં મામલતદારની રિસીવરીમાં સોંપી દીધું છે. પોલીસ એફઆઈઆર (FIR) માં નોંધાયેલી વિગતો અનુસાર, 16 જુલાઈ 2026 ના રોજ જ્યારે દલિત પૂજારી વિષ્ણુ કુમાર બલાઈ મંદિરે પૂજા કરવા માટે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર અસામાજિક તત્વોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા.

राजस्थान के भीलवाड़ा जिले के बराणा गांव में दलित पुजारी विष्णु कुमार बलाई पर हुआ जानलेवा हमला कोई सामान्य आपराधिक घटना नहीं, बल्कि दलितों के धार्मिक अधिकारों पर संगठित हमला है। यह संविधान बनाम मनुवाद की लड़ाई है। #DalitRights #Rajasthan pic.twitter.com/CjlVYwWx0S
— Bhanwar Meghwanshi (@bhanwarmegh) July 17, 2026
આટલેથી ન અટકતા, તે દલિત પૂજારી પર લાકડીઓ, ડંડા અને લોખંડની પાઈપો વડે ઘાતકી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને SC/ST (PoA) Act ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ હિંસક ઘટના અંગે સામાજિક કાર્યકર્તા અને ‘દલિત આદિવાસી એવં ઘુમંતૂ અધિકાર અભિયાન’ (ડગર) સાથે જોડાયેલા ભંવર મેઘવંશીએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરીને ન્યાયની અપીલ કરી છે.
આ પણ વાંચો: ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં દલિત પિતા-પુત્ર પર દરબારોએ હુમલો કર્યો
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ પાસે ન્યાયની માંગ
આ ઘટના બાદ ‘ડગર’ સંગઠન પીડિત પરિવારના પક્ષમાં આવ્યું છે અને તેમણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને આ મામલે સુઓ મોટો લઈને તાત્કાલિક એક તપાસ ટીમ ભીલવાડા મોકલવા વિનંતી કરી છે. સંગઠને માંગ કરી છે કે આ 400 વર્ષ જૂનું મંદિર કાં તો તેના પરંપરાગત દલિત પૂજારી પરિવારને જ પરત સોંપવામાં આવે અથવા તો જ્યાં સુધી અદાલતનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તેને મામલતદારને બદલે દેવસ્થાન વિભાગના સત્તાવાર નિયંત્રણ હેઠળ રાખવામાં આવે. આ સાથે જ, પૂજારી પરિવાર પર સતત થઈ રહેલા હુમલા અને જોખમને જોતાં વિષ્ણુ કુમારને આત્મરક્ષણ માટે હથિયાર રાખવા દેવાની માંગ કરવામાં આવી છે.
વહીવટીતંત્રની નિષ્ફળતા સામે સવાલો
સંગઠન દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાજસ્થાનના DGPને પત્ર પાઠવીને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની, પીડિત પરિવારને કડક સુરક્ષા, વળતર અને કાનૂની સહાય પૂરી પાડવાની તેમજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરાઈ છે.
સામાજિક કાર્યકર્તા ભંવર મેઘવંશીએ વહીવટીતંત્રની ભૂમિકા સામે આકરા સવાલો ઉઠાવતા કહ્યું છે કે, જ્યારે મંદિર પહેલેથી જ સરકારની રિસીવરી હેઠળ સુરક્ષિત હતું, ત્યારે આ હિંસક ભીડને કાયદો હાથમાં લેવાની છૂટ કોણે આપી? સ્થાનિક તંત્ર એક નિર્દોષ દલિત પૂજારીની સુરક્ષા કરવામાં કેમ નિષ્ફળ રહ્યું? શું કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે? આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
આ પણ વાંચો: ભાવનગર સિવિલમાં ખોટું લોહી ચડાવતા દલિત પ્રસૂતાનું મોત











