ગુજરાતમાં 90 ટકા ગામોમાં SC-ST સમાજનું સ્મશાન નથી

ગુજરાતના 90% ગામોમાં SC-ST સ્મશાન ન હોવાથી સ્વજનોના અંતિમ સંસ્કાર માટે રઝળપાટ્ટ થતાં NHRC એ મુખ્ય સચિવને 2 અઠવાડિયામાં જવાબ માગ્યો.
crematoriums for SC ST

ભારતના બંધારણમાં દેશના દરેક નાગરિક માટે સમાનતા, માનવ ગૌરવ અને મૂળભૂત અધિકારોની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે. તેમ છતાં, આઝાદીના દાયકાઓ પછી પણ ગુજરાતના હજારો ગામોમાં સામાજિક વાસ્તવિકતા અત્યંત આઘાતજનક છે. રાજ્યના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમાજને જીવતેજીવ ભેદભાવનો સામનો તો કરવો જ પડે છે, પરંતુ મૃત્યુ પછી પણ ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કાર માટે બે ગજ સ્મશાનની જમીન અને મૂળભૂત સુવિધાઓ મળતી નથી. આ માનવ અધિકાર ભંગ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ કાર્યવાહી હાથમાં લીધી હોય તેમ લાગે છે.

90% ગામોમાં સ્મશાન અને સુવિધાઓનો અભાવ

માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા NHRC સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અનુસાર, ગુજરાતના અંદાજે 90% ગામોમાં SC/ST સમાજ માટે કાયદેસરની સ્મશાનભૂમિ ઉપલબ્ધ નથી અથવા તો ત્યાં જરૂરી પાયાની સુવિધાઓનો અત્યંત ગંભીર અભાવ છે.

આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષ: ન્યાય હજુ અધૂરો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો દાવો

અનેક સ્થળોએ આજે પણ દલિત અને વંચિત સમાજના લોકોને પોતાના પ્રિયજનોના અંતિમ સંસ્કાર કરવા માટે આસપાસના અન્ય ગામોમાં ભટકવા મજબૂર બનવું પડે છે. એટલું જ નહીં, જાહેર સ્મશાનગૃહનો ઉપયોગ કરવા જતાં સામાજિક ભેદભાવ, વિરોધ અને કડવા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

અનેક ગામોની વરવી વાસ્તવિકતા એ છે કે SC/ST સમાજના સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તા નથી, બેસવા માટે શેડ કે છાપરી નથી, પીવાના પાણી અને વીજળીની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત, સુરક્ષા માટે પ્રોટેક્શન વોલ કે ફેન્સિંગ ન હોવાને કારણે ગેરકાયદે દબાણો થઈ ગયા છે.

ધોળકાના સાથળ ગામનું આઘાતજનક ઉદાહરણ

વહીવટી બેદરકારી અને સામાજિક અસમાનતાના પુરાવારૂપે ફરિયાદમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા સાથળ ગામનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથળ ગામમાં અનુસૂચિત જાતિના પરિવારો માટે સ્મશાનની યોગ્ય સુવિધા ન હોવાથી, પરિવારે પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરવા માટે આશરે 12 કિલોમીટર દૂર આવેલા વૌઠા ગામ સુધી જવું પડે છે. આ ઘટના દર્શાવે છે કે માનવ ગૌરવની કેવી રીતે મજાક બનાવી દેવાઈ છે.

આ પણ વાંચો: સાવરકરે અંગ્રેજો પાસે 10 વાર માફી માંગી હતી, પૌત્રે ભરી કોર્ટમાં સ્વીકાર્યું

NHRC નો આદેશ અને બંધારણીય અધિકારોનો અમલ

કાંતિલાલ પરમારની આ રજૂઆતને ગંભીરતાથી લઈને NHRC એ ગુજરાત સરકારના મુખ્ય સચિવને બે અઠવાડિયાની અંદર Action Taken Report રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ મુદ્દો માત્ર જમીન કે ભૌતિક સુવિધાઓ પૂરતો સીમિત નથી, પરંતુ ભારતના બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાનો અધિકાર), અનુચ્છેદ 15 (ભેદભાવનો પ્રતિબંધ), અનુચ્છેદ 17 (અસ્પૃશ્યતા નિવારણ) અને અનુચ્છેદ 21 (ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર) સાથે સીધો જોડાયેલો છે. બંધારણ અનુસાર ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કાર મેળવવો એ દરેક નાગરિકનો માનવ અધિકાર છે.

અરજદારે માંગ કરી છે કે રાજ્ય સરકાર સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક સર્વે હાથ ધરીને દરેક ગામમાં SC/ST સમાજ માટે કાયદેસર સ્મશાનભૂમિ ફાળવે, ત્યાં રસ્તા, પાણી, વીજળી અને શેડ જેવી સુવિધાઓ ઊભી કરે અને ભેદભાવ રાખનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરે. NHRC ની આ નોટિસ બાદ હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર કેટલી ઝડપથી આ બંધારણીય અને માનવીય પ્રશ્નનો ઉકેલ લાવે છે.

આ પણ વાંચો: NEET-UG 2024 પેપર લીકમાં મુખ્ય આરોપીને CBIએ નિર્દોષ છોડ્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x