IIT મંડીમાં પોસ્ટર લાગ્યું, ‘શુદ્રોએ સવર્ણોની સેવા કરવી જોઈએ!’

IIT મંડીમાં પોસ્ટરો લાગ્યા, 'શૂદ્રોએ ઉચ્ચ વર્ગની સેવા કરવી' લખાણ વાળા મનુવાદી પોસ્ટરથી આક્રોશ, સવર્ણ માનસિકતા સામે દલિતોમાં રોષ.
IIT Mandi

દેશની સર્વોચ્ચ અને પ્રીમિયમ શૈક્ષણિક સંસ્થાઓમાં ગણાતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મંડીના કેમ્પસમાં જાતિવાદી અને બંધારણ વિરોધી માનસિકતાનું અત્યંત શરમજનક પ્રદર્શન સામે આવ્યું છે. કૃષ્ણ જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન લગાવાયેલા એક વિવાદિત પોસ્ટરમાં ખુલ્લેઆમ લખવામાં આવ્યું હતું કે ‘શૂદ્રોની મુખ્ય ભૂમિકા ઉચ્ચ વર્ગોની સેવા કરવાની છે’. 21મી સદીમાં, વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના આ કેમ્પસમાં દલિત-બહુજન સમાજને ગુલામ ગણાવતા અને માનસિક રીતે નીચા ચીતરતા આ પોસ્ટરથી સમગ્ર દેશના દલિત, આદિવાસી અને પછાત વર્ગમાં ભારે વિરોધ અને જનાક્રોશ ફાટી નીકળ્યો છે.

ઉચ્ચ શિક્ષણના ધામમાં મનુવાદ: સવર્ણ માનસિકતાનું વરવું રૂપ

IIT મંડીના મુખ્ય સભાગૃહની બહાર ‘ભગવદ્ગીતા- ધ ટાઇમલેસ વિઝડમ’ શીર્ષક હેઠળ આ વિવાદિત પોસ્ટર 4 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં વર્ણવ્યવસ્થાને વ્યાજબી ઠેરવતા સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો. તેમાં બ્રાહ્મણો માટે ‘ઈશ્વરનો સંદેશ ફેલાવવો’, ક્ષત્રિયો માટે ‘સમાજ અને ધર્મનું રક્ષણ કરવું’ અને વૈશ્યો માટે ‘અર્થતંત્ર ચલાવવું’ જેવા કાર્યો દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ, જ્યારે દલિતો અને શૂદ્રોની વાત આવી ત્યારે તેમની ભૂમિકા માત્ર અને માત્ર ‘ઉચ્ચ વર્ગોની સેવા કરવી’ સુધી જ મર્યાદિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતમાં દલિત ડોક્ટરને જાતિ નડીઃ મકાનનો સોદો રદ કરાયો!

આ ઘટના સાબિત કરે છે કે દેશની ટોચની સાયન્ટિફિક સંસ્થાઓમાં પણ સવર્ણ વર્ચસ્વ અને મનુવાદી વિચારો કેટલી ઊંડે સુધી ઘર કરી ગયા છે. ભારતના બંધારણે તમામ નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને આત્મસન્માન સાથે જીવવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. ડો. બી. આર. આંબેડકરે જે જાતિપ્રથાને નાબૂદ કરવા માટે આજીવન સંઘર્ષ કર્યો, તે જ વિષમતાવાદી વર્ણવ્યવસ્થાને દેશની સર્વોચ્ચ સંસ્થામાં ખુલ્લેઆમ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દલિત વિદ્યાર્થીઓ અને સમાજને હીન બતાવવાના આ આયોજિત પ્રયાસ સામે બહુજન ચિંતકોએ તીવ્ર સવાલો ઉઠાવ્યા છે.

સોશિયલ મીડિયા પર જનાક્રોશ અને ડાયરેક્ટરની સફાઈ

આ જાતિવાદી પોસ્ટરની તસવીરો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર દેશભરના દલિત અધિકાર કાર્યકરો, બહુજન વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક નેતાઓએ IIT મંડી અને શિક્ષણ મંત્રાલય પર પસ્તાળ પાડી હતી. સવર્ણ માનસિકતાથી પીડાતી સંસ્થા સામે કાર્યવાહીની માંગ વધતા જ IIT મંડીના ડાયરેક્ટર પ્રોફેસર લક્ષ્મીધર બેહરાએ એક ઈમેલ જાહેર કરીને બચાવત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ પોસ્ટરને સંસ્થા દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી નહોતી અને સંસ્થા સમાનતા, સામાજિક ન્યાય તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી

સંસ્થાના રજિસ્ટ્રાર કુમાર સંભવન પાંડેએ પણ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત થયો હોવાનું કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દલિત સંગઠનો આ દલીલ સ્વીકારવા તૈયાર નથી. સવાલ એ ઉઠાવવામાં આવી રહ્યો છે કે સંસ્થાના કેમ્પસમાં ઓડિટોરિયમ જેવા સંવેદનશીલ સ્થળે ડાયરેક્ટર અને સિક્યોરિટીની જાણ બહાર આટલું મોટું જાતિવાદી પોસ્ટર કેવી રીતે લાગી શકે? શું તંત્ર મનુવાદી વિચારસરણી ધરાવતા આયોજકોને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે?

તપાસ સમિતિની રચના, પણ દલિતોમાં અસંતોષ

ચોતરફથી ઘેરાયા બાદ IIT મંડીના તંત્રે આ મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી છે. આ તપાસ સમિતિમાં ફેકલ્ટી સભ્યો ઉપરાંત 1 SC અને 1 OBC સમાજના પ્રતિનિધિને સામેલ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આ સમિતિ પોસ્ટર બનાવનાર અને તેને પ્રદર્શિત કરવાની મંજૂરી આપનાર તમામ તત્વોની તપાસ કરશે જેથી કેમ્પસનું સામાજિક સૌહાર્દ ન બગડે.

આ પણ વાંચો: PM મોદીની હાજરીમાં IIT દિલ્હીમાં વૈદિક મંત્રો વાગતા વિવાદ!

પરંતુ, દલિત સમાજ અને બહુજન વિદ્યાર્થીઓ માત્ર આવી અંદરની તપાસથી સંતોષ માનવા તૈયાર નથી. દેશભરની IIT અને આઈઆઈએમ (IIM) જેવી સંસ્થાઓમાં દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે થતા જાતિવાદી ભેદભાવ, સંસ્થાગત શોષણ અને માનસિક ઉત્પીડનના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે.

દલિત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ મામલે જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક ગુનો નોંધીને શિસ્તભંગના પગલાં નહીં લેવામાં આવે તો સમગ્ર દેશમાં દલિતો પોતાના આત્મસન્માન માટે રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો: સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષ હોવાની PIL હાઈકોર્ટે ફગાવી

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x