ગુજરાતના મોડેલ સ્ટેટના દાવાઓ વચ્ચે દલિત અને બહુજન સમાજ પ્રત્યે તંત્રની ગુનાહિત ઉપેક્ષાની વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા ગામમાં આવેલી અનુસૂચિત જાતિ વસાહત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આખી વસાહતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવર્ણ વિસ્તારોમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું વહીવટી તંત્ર દલિત વસાહત પ્રત્યે કેવું ઓરમાયું અને જાતિવાદી વર્તન રાખે છે, તેનો આ જીવંત પુરાવો છે.
ગટરનું ગંદુ પાણી દલિત વસ્તીમાં વાળવામાં આવ્યું
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, માત્ર વરસાદી પાણી જ નહીં પરંતુ સમગ્ર ગામનું ગટરનું ગંદુ પાણી પણ આ દલિત વસાહત તરફ જ વાળવામાં આવે છે. 20 સપ્ટેમ્બર 2026 ના રોજ સ્થિતિ વધુ અસહ્ય બની ગઈ છે. વરસાદી પાણી અને ગટરના કાદવના મિશ્રણને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે. તંત્રની આ લાપરવાહીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોનું આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયું છે.

આ પણ વાંચોઃ ધોળકાના કોઠમાં દલિતો 25 વર્ષથી પીવાના પાણીથી વંચિત!
ઘૂંટણસમા પાણીમાં દલિત બાળકોનું શિક્ષણ અટક્યું
વસાહતના રસ્તાઓ ઘૂંટણસમા પાણી અને ગંદકીમાં ગરકાવ હોવાથી દલિત સમાજના બાળકો માટે શાળાએ જવું અશક્ય બની ગયું છે. શિક્ષણ એ બહુજન સમાજના સશક્તિકરણનું મુખ્ય શસ્ત્ર છે, પરંતુ આ ભયાનક સ્થિતિના કારણે બાળકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકો માટે ઘરની બહાર પગ મૂકવો પણ મુશ્કેલ છે, જેના કારણે તેમના શિક્ષણ પર સીધી અને ગંભીર અસર પડી રહી છે.
અંતિમયાત્રા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો
સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે આ વસાહતમાં કોઈ અનુસૂચિત જાતિના વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો કે માર્ગ જ ઉપલબ્ધ નથી. સ્મશાનનો માર્ગ પાણીમાં ડૂબેલો હોવાથી અને રસ્તો અત્યંત બિસ્માર હોવાના કારણે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. સન્માનપૂર્વક જીવવાનો અને મૃત્યુ પછી સન્માનજનક અંતિમસંસ્કારનો બંધારણીય અધિકાર પણ આઝાદીના દાયકાઓ પછી દલિતોને મળ્યો નથી.
આ પણ વાંચોઃ ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે

તંત્રની મનુવાદી નીતિ સામે ઉઠતા સવાલો
ચલોડા ગામની આ સ્થિતિ દર્શાવે છે કે ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટી તંત્રની માનસિકતા કેટલી જાતિવાદી છે. ગામના અન્ય વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ જાય છે પરંતુ દલિત વસાહતમાં આખા ગામની ગટરનું પાણી ઠાલવીને તેમને નરકાગારમાં જીવવા મજબૂર કરવામાં આવે છે.
સ્થાનિક રહેવાસીઓએ ગ્રામ પંચાયત અને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ આક્રોશ સાથે માગણી કરી છે કે, વસાહતમાં ભરાયેલા ગંદા પાણીનો 24 કલાકની અંદર તાત્કાલિક નિકાલ કરવામાં આવે. વરસાદી પાણી અને ગટરના પાણીના કાયમી નિકાલ માટે ડ્રેનેજ લાઇન નાખવામાં આવે. રોગચાળો અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં સફાઈ, દવાઓ અને પાવડરનો છંટકાવ કરવામાં આવે. અનુસૂચિત જાતિના સ્મશાન સુધી પહોંચવા માટે તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે. સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈને આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે તો બહુજન સમાજને આંદોલન કરવાની ફરજ પડશે.
આ પણ વાંચોઃ સરોડાના 100થી વધુ દલિત ખેડૂતો કેમ આંદોલને ચડ્યાં છે?












