મોરબીની મચ્છુ નદીમાં ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યા, 2 ના મોત

મોરબી નજીક મચ્છુ નદીમાં તંત્રના પ્રતિબંધ છતાં વિસર્જન કરવા ગયેલા 4 યુવકો ડૂબ્યા; ફાયર બ્રિગેડે 2 ને બચાવ્યા, 2 ના મોત.

મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર નદીઓ કે કુદરતી જળાશયોમાં વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, નિયમોનું ઉલ્લંઘન કરીને મચ્છુ નદીમાં વિસર્જન કરવા ગયેલા 4 યુવકો ઊંડા પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. મોરબી ફાયર બ્રિગેડની ટીમે તત્પરતા દાખવીને 2 યુવકોને સહીસલામત બહાર કાઢી લીધા હતા, જ્યારે અન્ય 2 યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનાને લીધે ભક્તોનો આનંદ ક્ષણવારમાં ચીસાચીસ અને માતમમાં ફેરવાઈ ગયો હતો.

પીપળી ગામના યુવકોનું ગ્રુપ મચ્છુ નદીએ પહોંચ્યું હતું

બનાવની વિગત અનુસાર, મોરબી નજીકના પીપળી ગામથી ગણેશ વિસર્જન કરવા માટે યુવકોનું એક ગ્રુપ સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ નદી પર પહોંચ્યું હતું. વિસર્જનની ધાર્મિક વિધિ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક 4 યુવાનો નદીના ઊંડા પાણીના પ્રવાહમાં ગરકાવ થવા લાગ્યા હતા. જેથી હાજર અન્ય લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ પણ વાંચો: છોટાઉદેપુરની દીકરી રાઠવા આદિવાસી સમાજની પહેલી પાયલોટ બની

ઘટના અંગે મોરબી ફાયર કંટ્રોલ રૂમને સાંજે 7:30 વાગ્યાના સુમારે કોલ મળ્યો હતો. માહિતી મળતા જ મોરબી ફાયર ઓફિસરની આગેવાની હેઠળ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

બે યુવકોનું રેસ્ક્યૂ, બે ના મળ્યા મૃતદેહ

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ પાણીમાં ફસાયેલા આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈ નામના 2 યુવાનોને બચાવી લીધા હતા. જોકે, પાણીના તીવ્ર પ્રવાહમાં ગરકાવ થઈ ગયેલા સોહન રામ અને વિલાસ નામના 2 યુવાનો ઊંડા પાણીમાં ખેચાઈ ગયા હતા.

આ પણ વાંચો: જૂનાગઢની દલિત દીકરી શ્રદ્ધા કાથડ ગોવા રમવા જશે

ફાયર વિભાગે મોડી રાત સુધી હાથ ધરેલા શોધખોળ ઓપરેશન દરમિયાન એક યુવાનનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો, જ્યારે બીજા યુવાનનો મૃતદેહ આગામી બપોરે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડીને કાયદાકીય તપાસ હાથ ધરી છે.

તંત્રના કડક નિયમો અને પ્રતિબંધની સરેઆમ અણદેખી

આ દુર્ઘટના પાછળ તંત્રના નિયમોની અણદેખી મુખ્ય કારણ બની છે. મોરબી મહાપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, સુરક્ષિત અને અકસ્માત રહિત વિસર્જન માટે શહેરમાં 4 કાયમી સ્થળે મૂર્તિઓ એકત્ર કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મૂર્તિઓને લીલાપર ઘૂનડા રોડ પર આવેલી પાણી ભરેલી પથ્થરની ખાણોમાં સુરક્ષિત રીતે વિસર્જન કરવાનો સ્પષ્ટ નિયમ બનાવાયો હતો.

આ પણ વાંચો: સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત યુવકે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

કોઈ પણ પ્રકારની હોનારત રોકવા માટે કુદરતી જળાશયો કે મચ્છુ નદીમાં વિસર્જન કરવા પર તંત્ર દ્વારા કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં, સુરક્ષાના આ નિયમોનો ભંગ કરીને યુવાનો નદીમાં ઊતર્યા અને આખરે 2 આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો.

જો તરતા ન આવડતું હોય તો પાણીમાં જવું નહીં

ગણેશ ઉત્સવ દરમિયાન દર વર્ષે ગુજરાત અને દેશભરમાંથી આવી જ દુઃખદ ઘટનાઓ સામે આવે છે, જ્યાં વિસર્જનના ઉત્સાહમાં અનેક યુવાનો પાણીમાં ડૂબીને અકાળે કાળનો કોળિયો બને છે. આસ્થાના ઉત્સાહમાં પોતાની સુરક્ષા અને જીવનને જોખમમાં ન મૂકવી જોઈએ. જો યુવાનોને તરતા ન આવડતું હોય, તો તેમણે નદી, તળાવ કે ઊંડા જળાશયોના પાણીમાં જવાની બિલકુલ ભૂલ ન કરવી જોઈએ. વહીવટી તંત્ર દ્વારા જે ગાઈડલાઈન અને કાયદા બનાવવામાં આવે છે તે લોકોના જીવ બચાવવા માટે જ હોય છે. જો યુવાનો નિયમોનું પાલન નહીં કરે અને સુરક્ષા પ્રત્યે જાગૃત નહીં થાય, તો દર વર્ષે આ રીતે હસતા-રમતા પરિવારો પોતાના યુવાનો ગુમાવતા રહેશે.

આ પણ વાંચો: દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, CCTV વાયરલ!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x