દલિત યુવકની પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાધેલી લાશ મળી

દલિત યુવકની પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ખળભળાટ. યુવકના પરિવારજનોનો પોલીસ પર હત્યાનો આરોપ. પોલીસકર્મીઓ પર કેસ નોંધાયો.
pratapgarh-dalit-youth-custodial-death-fir
pratapgarh-dalit-youth-custodial-death-fir

દલિતો પર પોલીસ સ્ટેશનમાં ટોર્ચર અને આત્મહત્યાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પોલીસ સ્ટેશનમાં દલિત યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે યુવકના પરિવારે પોલીસકર્મીઓ પર થર્ડ ડિગ્રી ટોર્ચર અને હત્યાનો કેસ કર્યો છે.

મામલો જાતિવાદ માટે કુખ્યાત યુપીનો છે. અહીંના પ્રતાપગઢ જિલ્લાના પટ્ટી પોલીસ સ્ટેશનમાં એક દલિત યુવકની શંકાસ્પદ સ્થિતિમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે છોકરીના પરિવારના કહેવાથી પોલીસે યુવકને યાતનાઓ આપીને મારી નાખ્યો છે અને ત્યારબાદ આખી ઘટનાને આત્મહત્યામાં ખપાવવા માટે ગળેફાંસો ખાધો હોવાનું નાટક રચવામાં આવ્યું છે. આ કસ્ટોડિયલ ડેથના મામલે આક્રોશ વધતા પ્રતાપગઢના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ દીપક ભૂકરે પટ્ટીના SHO આશાપાલ સિંહ અને તપાસ અધિકારી ઓમકાર સિંહને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

પ્રેમપ્રકરણ, અપહરણનો કેસ અને કસ્ટડીનો વિવાદ

આ સમગ્ર મામલાની શરૂઆત એક જ ગામમાં રહેતા દલિત યુવક અને એક 17 વર્ષની સગીર યુવતી વચ્ચેના પ્રેમપ્રકરણથી થઈ હતી. યુવતીના પિતાએ પટ્ટી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોતાની દીકરીનું લગ્નના ઈરાદાથી અપહરણ કરવાનો ગુનો દાખલ કરાવ્યો હતો. કારણ કે બંને ઘર છોડીને ભાગી ગયા હતા. પોલીસે કાર્યવાહી કરીને યુવતીને ગાઝિયાબાદથી શોધી હતી. જે બાદ સગીરાને પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવી હતી, જ્યાં તેણે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું હતું કે તે પોતાની મરજીથી યુવક સાથે ગઈ હતી અને તેની સાથે જ રહેવા માંગે છે.

આ પણ વાંચોઃ સુઈગામ રતાભાઈ પરમાર કસ્ટોડિયલ ડેથમાં 13 લોકો સામે FIR

સર્કલ ઓફિસર (CO) પ્રદીપ સિંહના જણાવ્યા અનુસાર, કાયદાકીય રીતે યુવતી સગીર હોવાના કારણે તે પુખ્ત ન થાય ત્યાં સુધી પોતાની મરજીથી નિર્ણય લેવાની પાત્રતા ધરાવતી નથી. આથી તેને તેના માતાપિતાને સોંપવામાં આવી હતી. આ અગાઉ પણ બંને એકવાર ભાગી ગયા હતા અને ત્યારે પણ યુવતીએ યુવક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વખતે યુવતી મળી આવ્યા બાદ સોમવારે યુવક પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે લગ્ન કરી લીધા છે અને પતિ-પત્ની તરીકે રહી રહ્યા છે.

પોલીસ સ્ટેશનમાં જ યુવકે ગળેફાંસો ખાઈ લીધો!

પોલીસ અધિકારીઓના દાવા મુજબ યુવકની ઔપચારિક અટકાયત કે ધરપકડ કરવામાં આવી નહોતી. તેને લોક-અપમાં રાખવાને બદલે એક રૂમમાં બેસાડવામાં આવ્યો હતો, જ્યાં તપાસ અધિકારી તેની પૂછપરછ કરી રહ્યા હતા. અધિકારીઓ કોઈ કામથી બહાર ગયા અને પરત ફર્યા ત્યારે યુવક રૂમના બાથરૂમના વેન્ટિલેટર સાથે લોખંડની રોડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. પોલીસનો દાવો છે કે તેણે રૂમમાં રાખેલા ધાબળામાંથી પટ્ટી ફાડીને ફાંસી લગાવી લીધી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત યુવકે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

પોલીસ પર પરિવારે ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો

પોલીસની આ આત્મહત્યાની વાર્તા સામે યુવકના પરિવારે સવાલો ઉઠાવ્યા છે. યુવકના પરિવારજનોનો આરોપ છે કે યુવતીના પિતા અને પરિવારના દબાણ હેઠળ આવીને પોલીસે યુવક પર ભયાનક શારીરિક અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યો હતો. તબીબી સારવાર આપવાના બદલે પોલીસે તેની કસ્ટડીમાં જ હત્યા કરી નાખી અને પોતાનો ગુનો છુપાવવા માટે તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકાવી દીધો. પરિવારે સ્પષ્ટ કહ્યું કે પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત સ્થળે આ રીતે યુવકનું મોત થવું એ પોલીસ તંત્રની ગુનાહિત બેદરકારી અને સંવેદનહીનતા છતી કરે છે.

આ પણ વાંચોઃ પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચરથી દલિતનું મોત, PSI સહિત 6 સસ્પેન્ડ

પોલીસકર્મીઓ અને યુવતીના પરિવાર સામે કેસ

પરિવારના આક્રોશ અને ફરિયાદના આધારે હવે તંત્રે ગુનો દાખલ કરવો પડ્યો છે. યુવતીના પરિવારના સભ્યો ઉપરાંત દોષિત પોલીસકર્મીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) (હત્યા), 351(3) (ગુનાહિત ધમકી) તેમજ SC/ST એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

ચંદ્રશેખર આઝાદની કડક કાર્યવાહીની માંગ

આ ઘટનાના પડઘા રાજકીય ક્ષેત્રે પણ જોરદાર રીતે પડ્યા છે. નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે આ કસ્ટોડિયલ ડેથ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ મામલે ઉચ્ચસ્તરીય તથા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે કસ્ટડીમાં દલિત યુવકનું મોત એ રાજ્યમાં દલિતો પર વધી રહેલા અત્યાચારનું પ્રતિક છે અને આરોપી પોલીસકર્મીઓ તેમજ જવાબદારો સામે કટોકટ કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચોઃ દલિત યુવકની 101 દિવસ બાદ અંતિમક્રિયા કરાઈ, કસ્ટડીમાં મોત થયું હતું

આ પણ વાંચોઃ RPF ની કસ્ટડીમાં દલિત યુવકનું મોત, ત્રણ પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x