દલિત સમાજના લોકો પર અત્યાચારનો સિલસિલો યથાવત છે. ઉત્તર પ્રદેશમાં જાતિવાદી માનસિકતા અને દાદાગીરીની તમામ સીમાઓ વટાવતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના અંબેડકરનગર જિલ્લાના રાજેસુલ્તાનપુરના દેવરિયા બજાર વિસ્તારમાં એક દલિત હોસ્પિટલ સંચાલક યુવકને કારમાં અપહરણ કરી બંધક બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરીને બેલ્ટથી ઢોર માર મારવામાં આવ્યો, જાતિસૂચક ગાળો આપવામાં આવી અને થૂંક ચાટવા મજબૂર કરાયો.
આટલું જ નહીં, પીડિતની કાર અને તેમાં રાખેલા રોકડા રૂપિયાની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે આક્રોશ વ્યાપ્યા બાદ પોલીસે બે નામજદ આરોપીઓ સામે લૂંટ, મારામારી અને એટ્રોસિટી એક્ટ સહિત 8 ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ષડયંત્ર રચી અંડરપાસ પાસે બોલાવ્યો અને અપહરણ કર્યું
ઘટનાની વિગત મુજબ, માલીપુરના બરિયારપુરના નિવાસી અને હોસ્પિટલના સંચાલક સિદ્ધાંત કુમારે ગુરુવારે પોલીસ મથકે પહોંચીને પોતાના પર થયેલા અત્યાચારની લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબર ના રોજ બપોરે આશરે 1 વાગ્યે આરોપી અંકિત પાંડેએ તેને ફોન કરીને કોઈ કામના બહાને તેંદુઆઈકલા અંડરપાસ નજીક બોલાવ્યો હતો.
આ પણ વાંચો: વાલ્મિકી યુવાનોએ કરણી સેનાના નેતાને દોડાવી-દોડાવીને માર્યો!
સિદ્ધાંત કુમાર પોતાની કાર લઈને અંડરપાસ પાસે પહોંચ્યો ત્યારે અંકિત પાંડે ત્યાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠો હતો. તેણે બળજબરીપૂર્વક સિદ્ધાંતને પોતાની કારમાં બેસાડી દીધો અને તેનું અપહરણ કરીને પોતાના ઘરે લઈ ગયો. આ દરમિયાન અંકિતે તેના સાથીદાર રાજા સિંહને સિદ્ધાંતની કાર સોંપી દીધી હતી.
બંધક બનાવી નિર્વસ્ત્ર કર્યો, પટ્ટાથી ફટકારી થૂંક ચટાવ્યું
પીડિત દલિત યુવક સિદ્ધાંત કુમારના જણાવ્યા મુજબ, અંકિત પાંડેના ઘરે પહોંચ્યા બાદ બંને ગુંડાઓ અંકિત અને રાજા સિંહે તેને એક રૂમમાં બંધક બનાવી લીધો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ તેની સાથે માણસાઈની તમામ હદો વટાવી દીધી હતી. તેને બળજબરીથી નિર્વસ્ત્ર કરવામાં આવ્યો અને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 90 ટકા ગામોમાં SC-ST સમાજનું સ્મશાન નથી
લુખ્ખાઓએ તેને બેલ્ટથી માર માર્યો હતો. મારપીટ દરમિયાન પીડિત દયાની ભીખ માગતો રહ્યો, પરંતુ લુખ્ખાઓનું દિલ ન પીગળ્યું. અત્યાચારની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ જ્યારે આરોપીઓએ તેને જમીન પર થૂંકીને થૂંક ચાટવા મજબૂર કર્યો.
મોબાઈલ, કાર અને 50,000 રોકડાની લૂંટ
શારીરિક અને માનસિક ઉત્પીડન ગુજાર્યા બાદ આરોપીઓએ પીડિત સિદ્ધાંત કુમારનો મોબાઈલ ફોન બળજબરીપૂર્વક છીનવી લીધો હતો, જેથી તે કોઈનો સંપર્ક ન કરી શકે કે મદદ ન માગી શકે. આ ઉપરાંત, તેની કારમાં રાખેલા આશરે 50,000 રૂપિયા રોકડા અને તેની લક્ઝરી કાર પણ આરોપીઓએ પડપાવી લીધી હતી. ઘટના બાદ પીડિતને મોઢું ખોલવા પર અને પોલીસ સ્ટેશને જવા પર જાનથી મારી નાખવાની ધમકી આપીને ભગાડી દેવામાં આવ્યો હતો.
પોલીસે 8 ગંભીર ધારાઓ હેઠળ FIR નોંધી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પીડિતની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરવી પડી હતી. પોલીસે અંકિત પાંડે અને રાજા સિંહ નામના બંને આરોપીઓ સામે લૂંટ, ગેરકાયદેસર બાનમાં રાખવું, મારપીટ કરવી, ગુનાહિત ધમકી આપવી તેમજ SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ સંગીન કલમો સહિત કુલ 8 ગંભીર ધારાઓ હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે.
આ પણ વાંચો: અનામત હટાવો આંદોલન મોદી સરકાર પ્રેરિત છેઃ ચંદ્રશેખર આઝાદ
આલાપુરના પોલીસ અધિકારી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે અને મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસની આગળની તપાસ પોલીસ અધિકારી આલાપુરને પોતે જ સોંપવામાં આવી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે તપાસમાં સામે આવનારા તથ્યો અને પુરાવાઓના આધારે દોષિતો સામે કડકમાં કડક ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: સરકાર કેમ પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવા જઈ રહી છે?











