મહેસાણા જિલ્લાના શક્તિપીઠ અને કરોડો માઈભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ બહુચરાજી માતાજીનું મંદિર ફરી એકવાર મોટા ભ્રષ્ટાચાર અને બેદરકારીના ઘેરામાં આવી ગયું છે. સરકાર દ્વારા અંદાજિત 74 કરોડ રૂપિયાના માતબર ખર્ચે રાજસ્થાનના પ્રખ્યાત બંસી પહાડપુરના લાલ પથ્થરોમાંથી નવનિર્માણ પામી રહેલા આ ભવ્ય મંદિરમાં હલકી ગુણવત્તાનું કામ અને ખંડિત પથ્થરોનો છડેચોક ઉપયોગ થઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે.
સ્થાનિકો અને ભક્તોની વ્યાપક ફરિયાદો બાદ સ્થાનિક ધારાસભ્યે મંદિર નિર્માણ સ્થળે ઓચિંતી રેડ પાડીને કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝરનો કડક ઉધડો લીધો હતો. આ ઘટનાએ ધાર્મિક સ્થળોના નિર્માણ કાર્યોમાં ચાલતા કમિશનખોરીના ખેલ અને તંત્રની લાપરવાહી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

15 વર્ષ પહેલાં પણ વાઇટ કોટાસ્ટોનનું મંદિર તોડવું પડ્યું હતું
બહુચરાજી મંદિરના નિર્માણમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ કરોડો રૂપિયાના જંગી ખર્ચે વાઇટ કોટાસ્ટોનમાંથી નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. પરંતુ એ સમયે પણ વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. પરિણામે, બાંધકામની ગુણવત્તા એટલી હલકી કક્ષાની નિકળી કે માત્ર 15 વર્ષના ટૂંકા ગાળામાં જ કરોડોના ખર્ચે બનેલું એ મંદિર તોડી પાડવાની નોબત આવી હતી. લાખો ભક્તોએ પોતાની શ્રદ્ધાથી આપેલા દાનના નાણાં પાણીમાં ગયા હતા.
આ પણ વાંચો: PM મોદીની હાજરીમાં IIT દિલ્હીમાં વૈદિક મંત્રો વાગતા વિવાદ!
હવે જ્યારે 74 કરોડ રૂપિયાના નવા બજેટ સાથે ફરીથી નવું મંદિર ચણાઈ રહ્યું છે, ત્યારે જૂના ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભવ્યતાની આડમાં કરોડો રૂપિયાનું આંધણ કરીને ભ્રષ્ટાચારની નવી ઈમારત ઊભી કરાઈ રહી હોવાની આશંકા બળવત્તર બની છે.
ખંડિત પથ્થરો અને કોતરણીઓનો સરેઆમ ઉપયોગ
નવા મંદિરના નિર્માણ કાર્યમાં નિયુક્ત એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. નિર્માણધીન મંદિરમાં ઊભા કરવામાં આવી રહેલા વિશાળ પથ્થરના સ્તંભોમાં મોટા પ્રમાણમાં તૂટેલા અને ખંડિત પથ્થરો જડી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, મંદિરની શોભા વધારવા માટે કરવામાં આવેલી ઝીણવટભરી અને આકર્ષક કોતરણીઓ પણ ક્ષતિગ્રસ્ત અને ભાંગી પડેલી હાલતમાં જ લગાવી દેવાઈ છે. હિન્દુ પરંપરા મુજબ મંદિર નિર્માણમાં ખંડિત મૂર્તિ કે ખંડિત પથ્થરોનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે વર્જિત ગણાય છે.

છતાં પણ, માત્ર પોતાનો નફો રળી લેવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ભક્તોની ધાર્મિક આસ્થા સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે.
સુપરવાઈઝરનો હાસ્યાસ્પદ બચાવ: ‘પછીથી થીગડાં મારી દેશું’
આ પણ વાંચો: રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?
આ બેદરકારી સામે આવ્યા બાદ જ્યારે મંદિર નિર્માણની કામગીરી પર દેખરેખ રાખવા માટે સરકારે નીમેલા પીએમસી (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ) ના સુપરવાઈઝરનો ખુલાસો માગવામાં આવ્યો, ત્યારે સુપરવાઈઝરે ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે, “હાલમાં જે તૂટેલા પથ્થર કે કોતરણી દેખાય છે, તેને પાછળથી કેમિકલ કે સિમેન્ટથી રિપેર કરી દેવામાં આવશે, એટલે તે કોઈને દેખાશે નહીં.” 74 કરોડ રૂપિયાના શ્રદ્ધાળુઓના નાણાંથી બનતા મંદિરમાં ‘થીગડાં’ મારીને કામ પતાવવાની આ માનસિકતા દર્શાવે છે કે એજન્સી અને વહીવટી અધિકારીઓ કામની ગુણવત્તા પ્રત્યે કેટલા બેદરકાર છે.
ધારાસભ્યે તંત્ર અને કોન્ટ્રાક્ટરનો લીધો ઉધડો
કામગીરીમાં ચાલી રહેલી ઘોર લાલિયાવાડી અને લોલમલોલ અંગેની ફરિયાદો જ્યારે બહુચરાજીના ધારાસભ્ય સુધી પહોંચી, ત્યારે તેઓ કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વિના નિર્માણ સ્થળની ઓચિંતી મુલાકાત લીધી હતી. સ્થળ પર જાતે નિરીક્ષણ કરતી વખતે તેમણે જોયું કે ઊભા કરાયેલા પિલરો અને કોતરણીઓમાં મોટા પ્રમાણમાં તૂટેલા પથ્થરો વપરાયા છે. તેમણે સ્થળ પર હાજર મંદિરના વહીવટી અધિકારીઓ, પીએમસી એજન્સી અને કોન્ટ્રાક્ટરનો કડક ભાષામાં ઉધડો લીધો હતો.
આ પણ વાંચો: જેણે ચોમાસા બે જોડી ભીનાં કપડાંમાં કાઢ્યાં હોય તેને પલળવું કેમ ગમે?
ધારાસભ્યએ ચીમકી આપતા આદેશ કર્યો હતો કે, “માતાજીના આ પવિત્ર સ્થાને કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે નબળી કામગીરી ચલાવી લેવાશે નહીં. જો ભારે પથ્થર ગોઠવતી વખતે તે સહેજ પણ ખંડિત થાય, તો તેને રીપેર કરવાના બદલે આખો પથ્થર બદલીને નવો જ લગાવવો પડશે.” તેમણે સમગ્ર કામગીરી પર ચાંપતી નજર રાખવા વહીવટી તંત્રને સૂચના આપી છે.
પારદર્શક તપાસ અને કડક પગલાંની માંગ
બહુચરાજી શક્તિપીઠ સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. 15 વર્ષમાં જ પહેલું મંદિર તોડવું પડ્યા બાદ હવે 74 કરોડના ખર્ચે બનતા બીજા મંદિરમાં પણ જો આ જ રીતે ભ્રષ્ટાચાર આચરાશે તો તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે. ધારાસભ્યની ફટકાર બાદ કામચલાઉ હલચલ તો જોવા મળી છે, પરંતુ ભક્તો અને સ્થાનિકોની માંગ છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટરો તથા તેમને છાવરતા અધિકારીઓ વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: MNREGA નું નામ બદલી VB-G RAM G કરાતાં જ ગ્રામીણ રોજગાર અડધો થયો











