દલિત સમાજની વ્યક્તિને દરેક મોરચે હજુ પણ સંઘર્ષ કરવો પડે છે. પછી તે સરકારી હોસ્પિટલોમાં સમયસર સારી સારવાર મેળવવાની વાત હોય, કે પછી ન્યાય મેળવવાની. આ ઘટના તેનો વધુ એક પુરાવો છે. મામલો તેલંગાણાનો છે. જ્યાં એક દલિત યુવક વીંછીએ ડંખ માર્યા બાદ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો, પરંતુ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસે કથિત રીતે તેને અપમાનિત કર્યો અને પોલીસ સ્ટેશને લઈ જઈને મારપીટ કરી હતી. આ માનસિક ત્રાસ અને યાતનાથી ત્રસ્ત યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને દલિત સંગઠનો દ્વારા ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે.
યુવક વીંછીના ડંખની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મહારાષ્ટ્રમાં નોકરી કરતો અને થોડા દિવસો પહેલા જ પોતાના વતન પરત ફરેલો 25 થી 27 વર્ષીય યુવક કાંબલે રાહુલ આદિલાબાદ શહેરની દિવ્યાંગ કૉલોનીમાં રહેતો હતો. ગત 28 ઓગસ્ટની સાંજે રાહુલને વીંછીએ ડંખ માર્યો હતો, જેના કારણે તે પીડાથી તડપી રહ્યો હતો અને સારવાર માટે તાત્કાલિક સરકારી RIMS હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબો અને સ્ટાફે તેની સારવાર કરવામાં આનાકાની કરી હતી અને યોગ્ય સમયસર ઇલાજ ન મળતાં રાહુલ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. રાહુલ દ્વારા સારવારમાં કથિત બેદરકારીનો વીડિયો બનાવવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને હોસ્પિટલ તંત્રે તુરંત પોલીસને બોલાવી લીધી હતી.

પોલીસ સ્ટેશને લઈ જઈને મારપીટ કર્યાનો આરોપ
હોસ્પિટલમાંથી બોલાવવામાં આવેલી પોલીસ રાહુલને પકડીને ટુ ટાઉન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો અને મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ તેણે પોતાની સુસાઈડ નોટમાં કર્યો છે. પોલીસ સ્ટેશનથી થોડા કલાકો બાદ જ્યારે રાહુલ પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તે ભારે માનસિક તણાવ અને અપમાનની લાગણી અનુભવી રહ્યો હતો. ઘરે પહોંચીને તેણે કોઈને કઈ પણ કહ્યા વગર ફાંસો ખાલીને આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે હોસ્પિટલના ડૉક્ટર અને પોલીસકર્મીઓ દ્વારા આપવામાં આવેલા શારીરિક અને માનસિક ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચોઃ IIT બોમ્બેમાં જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીનો આપઘાત!
પોલીસ દ્વારા બચાવ અને પરિવારના આક્ષેપો
આ મામલે ટુ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રણય કુમારે જણાવ્યું હતું કે યુવક વીંછીના ડંખની સારવાર માટે જીદ કરી રહ્યો હતો અને તબીબો તે બાબતે સ્પષ્ટ ન હતા, જેથી તેને શાંત કરાવવા માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેના પિતાના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે સ્ટેશનમાં મારપીટ કરવામાં આવી હોવાના તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે અને દાવો કર્યો છે કે તેમની પાસે આ અંગેના વીડિયો પુરાવા પણ ઉપલબ્ધ છે. તેમ છતાં, પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં હોવાથી પીડિત પરિવાર અને સમાજના લોકો કહી રહ્યા છે કે જે કેસમાં ખુદ પોલીસ સંડોવાયેલી હોય ત્યાં ગરીબ દલિત પરિવારને નિષ્પક્ષ ન્યાય કેવી રીતે મળશે?
કોંગ્રેસની સરકાર હોવાથી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું
આ દુર્ઘટનાએ હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. સામાન્ય રીતે ભાજપશાસિત રાજ્યોમાં દલિતો પર ભયાનક અત્યાચારો થાય છે ત્યારે સવર્ણ આરોપીઓની તરફેણમાં ભાજપના નેતાઓ મૌન થઈ જાય છે. પણ હવે અહીં કોંગ્રેસની સરકાર હોવાથી ભાજપના નેતાઓ ઉછળી ઉછળીને પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવારે વિવિધ દલિત સંગઠનોએ હોસ્પિટલ બહાર ધરણા યોજીને રાહુલના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત, BJP અને BRS જેવી રાજકીય પાર્ટીઓ પણ મેદાને આવી છે. BJP ધારાસભ્ય પાયલ શંકરે આ ઘટનાની સમયબદ્ધ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે મૃતક રાહુલ તેના પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હોવાથી પરિવારને 50 લાખ રૂપિયાનો આર્થિક આપવામાં આવે અને પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. હાલ પોલીસ આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ ચલાવી રહી છે. જો કે, પોલીસ સામે જ કેસ હોવાથી તે પોતાને જ દોષી સાબિત કરીને સજા કરે તેવી શક્યતા ઓછી છે.

આ પણ વાંચોઃ IIT BOMBAY સાહિલ વાકોડે આપઘાત કેસમાં એટ્રોસિટી હેઠળ કેસ











