સુરત જિલ્લાના કિમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાછળ આવેલા સરકારી વીજળીના થાંભલા પર ભારતના રાષ્ટ્રધ્વજથી પણ ઉપર મોટા કદનું કેસરી કાપડ અથવા ભગવો ઝંડો લગાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
સાંગોદ્રા ગીરના રહેવાસી અને ભગતસિંહ ક્રાંતિ દળ, સૌરાષ્ટ્રના અધ્યક્ષ જયેશ પી. ચાવડાએ 6 નવેમ્બર 2026ના રોજ તાલાલા ગીર પીઆઈને સંબોધીને લેખિત અરજી આપી છે. જેમાં રાષ્ટ્રધ્વજની ગરિમા, રાષ્ટ્રીય સન્માન, સામાજિક સૌહાર્દ અને જાહેર શાંતિના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેમણે આ અરજીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 173(1) હેઠળ ઝીરો FIR તરીકે નોંધવાની માગ કરી છે.

શું છે સમગ્ર મામલો?
અરજદારના જણાવ્યા અનુસાર, તેમને ઈન્સ્ટાગ્રામ પર સુરત જિલ્લાના કિમ ખાતે બનેલી ઘટનાનો એક વીડિયો જોવા મળ્યો હતો. વીડિયોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની પાછળ આવેલા સરકારી વીજળીના થાંભલા ઉપર ભારતના રાષ્ટ્રધ્વજની ઉપર મોટા કદનું કેસરી રંગનું કાપડ એટલે કે ભગવો ધ્વજ લગાવેલો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે વીડિયોમાં દેખાતી જય પટેલ નાગરાજ નામની એક વ્યક્તિ આ કેસરી કપડાંને હિંદુ રાષ્ટ્રનું પ્રતિક હોવાનું કહીને તેને રાષ્ટ્રધ્વજ કરતા પણ ઉપર હોવા છતાં તેને ત્યાં જ રાખવાની વાત કરે છે. સાથે જ જો કોઈ વ્યક્તિ આ ભગવો ધ્વજ ઉતારશે તો સમસ્ત હિન્દુ સમાજને ત્યાં એકત્રિત કરવામાં આવશે તેવા આશયનું નિવેદન પણ કરવામાં આવ્યું હોવાનું અરજદારે જણાવ્યું છે.
આ ઉપરાંત વીડિયોમાં અંદાજે 8થી 10 વ્યક્તિઓ એકત્રિત થયેલા જોવા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવ્યું હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. જોકે, વીડિયોમાં દેખાતા નિવેદનોનો વાસ્તવિક સંદર્ભ, ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અને તેમાં સામેલ વ્યક્તિઓની ભૂમિકા પોલીસ તપાસનો વિષય છે.
રાષ્ટ્રધ્વજના અપમાન અંગે તપાસની માગ
જયેશ ચાવડાએ પોતાની અરજીમાં The Prevention of Insults to National Honour Act, 1971ની કલમ 2નો ઉલ્લેખ કર્યો છે. આ કાયદા હેઠળ જાહેર સ્થળે અથવા જાહેર દૃષ્ટિગોચર સ્થળે જાણી જોઈને રાષ્ટ્રધ્વજનું અપમાન, અવમાનના કે તિરસ્કાર કરવો સજાપાત્ર બની શકે છે.

અરજદારનો આક્ષેપ છે કે રાષ્ટ્રધ્વજની ઉપર મોટા કદનું કેસરી કાપડ લગાવવાની ગોઠવણી કરવામાં આવી હોય તો તેની પાછળનો હેતુ અને સમગ્ર પરિસ્થિતિની તપાસ થવી જરૂરી છે. રાષ્ટ્રધ્વજનું જાણી જોઈને અપમાન કરવામાં આવ્યું છે કે કેમ તે તપાસના આધારે નક્કી કરવાની માગ કરવામાં આવી છે.
આ સાથે Flag Code of India, 2002નો પણ ઉલ્લેખ કરીને અન્ય ધ્વજની સરખામણીએ રાષ્ટ્રધ્વજને યોગ્ય અને સન્માનજનક સ્થાન આપવામાં આવ્યું હતું કે નહીં તેની તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતની યુટ્યુબર ક્રિષ્ના રાખોલિયાનો બફાટઃ સફાઈ ફ્રીમાં નથી કરતા
BNSની વિવિધ કલમો હેઠળ તપાસની માગ
અરજીમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની વિવિધ કલમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કલમ 196 હેઠળ વિવિધ સમાજ વચ્ચે દુશ્મનાવટ કે વૈમનસ્ય ફેલાવવું, કલમ 351 હેઠળ ગુનાહિત ધમકી, કલમ 352 હેઠળ શાંતિ ભંગ કરવાના ઇરાદાથી અપમાન અને ઉશ્કેરણી તથા કલમ 353 હેઠળ જાહેર અશાંતિ સર્જે તેવા નિવેદનો કે અહેવાલો અંગે તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગેરકાયદેસર મંડળી અને સામૂહિક જવાબદારીના સંદર્ભમાં કલમ 189 અને 190 તથા ગુનાહિત કાવતરાના સંદર્ભમાં કલમ 61નો પણ અરજીમાં ઉલ્લેખ છે.
અરજદારનું કહેવું છે કે વીડિયોમાં આપવામાં આવેલા નિવેદનો પાછળ કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા ધમકી આપવાનો, સામાજિક તણાવ ઊભો કરવાનો અથવા કાયદેસરની કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જોકે, આ તમામ કલમો લાગુ પડે છે કે નહીં તે તપાસમાં સામે આવતા પુરાવા અને કાયદાકીય જોગવાઈઓના આધારે નક્કી થશે.
વીડિયોમાં દેખાતા તમામ લોકોની ઓળખ કરવાની માગ
અરજદારે માત્ર વીડિયો બનાવનાર અથવા સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર વ્યક્તિ પૂરતી તપાસ મર્યાદિત ન રાખવા રજૂઆત કરી છે. વીડિયોમાં દેખાતા તમામ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની ભૂમિકા તપાસવાની માગ કરવામાં આવી છે.
સરકારી લાઇટના પોલ પર કેસરી કાપડ કોણે લગાવ્યું હતું, તેના માટે સત્તાધિકારીની પરવાનગી લેવામાં આવી હતી કે નહીં, કોણે સહયોગ આપ્યો હતો અને સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હતી કે અચાનક બની હતી તેવા મુદ્દાઓની તપાસ કરવાની માગ છે. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ, સ્થાનિક સાક્ષીઓનાં નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવા મેળવવા પણ રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભણીને તારે આંબેડકર બનવું છે? કહી દલિત વિદ્યાર્થી પર હુમલો
તાલાલામાં ઝીરો FIR નોંધવાની માગ
આ ઘટનાનું સ્થળ કિમ, સુરત જિલ્લો હોવા છતાં અરજદાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રહેવાસી હોવાથી તેમણે તાલાલા ગીર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
BNSSની કલમ 173(1)નો હવાલો આપીને અરજદારે જણાવ્યું છે કે આ ગુનાની માહિતી ગુનો કયા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે તે બાબતને ધ્યાનમાં લીધા વિના કોઈપણ પોલીસ સ્ટેશનમાં આપી શકાય છે. તેથી તેમની અરજીના આધારે ગુનો બનતો જણાય તો ઝીરો FIR નોંધી આગળની તપાસ માટે કિમ પોલીસ સ્ટેશન અથવા સંબંધિત તપાસ એજન્સીને મોકલવાની માગ કરવામાં આવી છે. અરજદારે પોતાની ફરિયાદની લેખિત પહોંચ, FIR નંબર અને કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપવા પણ વિનંતી કરી છે.
કિમ બોલાવવાને બદલે સ્થાનિક સ્તરે નિવેદન લેવાની રજૂઆત
અરજીમાં અરજદારે વધુમાં રજૂઆત કરી છે કે તપાસ દરમિયાન તેમના નિવેદનની જરૂર પડે તો તાલાલા ગીર પોલીસ મારફતે અથવા તેમના નિવાસસ્થાને આવી નિવેદન નોંધવામાં આવે. તેમને વારંવાર સાંગોદ્રા ગીરથી કિમ, સુરત સુધી વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે બોલાવવામાં ન આવે તેવી પણ માગ કરવામાં આવી છે.
અરજદારે સ્પષ્ટ કર્યું છે કે તેમની રજૂઆત કોઈ ધર્મ કે સમાજ વિરુદ્ધ નથી, પરંતુ રાષ્ટ્રીય સન્માન, બંધારણીય મૂલ્યો, જાહેર શાંતિ અને કાયદાના શાસનના હિતમાં કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે હાલ અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પોલીસને કરાયેલી રજૂઆતની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ સ્વીકારી છે કે નહીં, ઝીરો FIR નોંધાઈ છે કે નહીં અને તપાસમાં શું બહાર આવે છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.











