સ્વામિનારાયણના પુસ્તકમાં રાવળોને ‘ભિખારી’ ગણાવાતા હોબાળો!

પ્રેમાનંદસ્વામીના ગ્રંથમાં ‘રાવળિયા’ શબ્દપ્રયોગ સામે રાવળ યોગી સમાજમાં રોષ! મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી FIR, પુસ્તક જપ્તી અને જાહેર માફીની માંગ.
raval-yogi-samaj-protest-premanand-swami-book-objectionable-words

સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકમાં રાવળ યોગી સમાજ પ્રત્યે અપમાનજનક અને ગેરબંધારણીય શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મહેસાણાના ‘મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ’ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ટ્રસ્ટે વિવાદિત લખાણ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની, પુસ્તકની નકલો જપ્ત કરવાની અને પ્રકાશક સંસ્થા દ્વારા જાહેરમાં લેખિત માફી માગવાની માંગ કરી છે.

ટ્રસ્ટના પ્રમુખ રાવળ ચંદુભાઈ વાહજીભાઈની આગેવાની હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં “પ્રેમમૂર્તિ સદ્. શ્રી પ્રેમાનંદસ્વામીના ગ્રંથો” નામના પુસ્તકમાં સમાજને અપમાનિત કરતો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. રજૂઆત મુજબ, શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામ કુંડળ અને શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા દ્વારા પ્રકાશિત આ પુસ્તક સંત શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ)ની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે.

પુસ્તકના પાના નંબર 115 પર વાંધો

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, પુસ્તકની નવેમ્બર-2010ની પ્રથમ આવૃત્તિના પાના નંબર 115 પર ‘રાવળિયા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાજનો આક્ષેપ છે કે આ શબ્દપ્રયોગ દ્વારા રાવળ યોગી સમાજની તુલના ભિખારી અને નોકર જેવા શબ્દો સાથે કરવામાં આવી છે. આથી સમાજની ગરિમા અને સ્વાભિમાનને ઠેસ પહોંચી છે.

આ પણ વાંચો: હોટલની વેસ્ટેજ ચેમ્બરમાં ગૂંગળાઈ જવાથી 4 મજૂરોના મોત

આવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પુસ્તકની નકલો માત્ર છાપેલા સ્વરૂપમાં જ નહીં, પરંતુ ડિજિટલ માધ્યમો અને વિવિધ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જેના કારણે વિવાદિત લખાણનો પ્રસાર થતો હોવાની સમાજે ચિંતા વ્યક્ત કરી છે.

ધાર્મિક લાગણી અને સામાજિક સમરસતાનો મુદ્દો

રાવળ યોગી સમાજની રજૂઆત મુજબ, તેમનો સમાજ ભગવાન શિવનો ઉપાસક અને શિવજીના વંશજ તરીકેની ધાર્મિક માન્યતા ધરાવતો સમાજ છે. આવા સમાજ માટે ધાર્મિક ગ્રંથમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ થવો દુઃખદ અને વાંધાજનક હોવાનું આવેદનમાં જણાવાયું છે.

સમાજનું કહેવું છે કે ધાર્મિક સાહિત્યનો હેતુ સમાજમાં સદ્ભાવના, સંવાદિતા અને સમરસતાની ભાવના મજબૂત કરવાનો હોવો જોઈએ. પરંતુ કોઈ સમાજને ઉતારી પાડતા શબ્દોનો ઉપયોગ અને તેનું ડિજિટલ માધ્યમો દ્વારા પ્રસારણ સામાજિક એકતાને નુકસાન પહોંચાડી શકે છે. આ મુદ્દે સમગ્ર ગુજરાતના રાવળ યોગી સમાજમાં રોષ ફેલાયો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

આ પણ વાંચો: ‘RSS અને ભાજપ આજે પણ દલિતોને માણસ નથી ગણતા!’

FIR અને જાહેર માફીની માંગ

મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટે આવેદનપત્રમાં ભારતીય ન્યાય સંહિતા, બંધારણીય જોગવાઈઓ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમાજે જવાબદાર પ્રકાશકો, પુસ્તકના પ્રેરક અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે તાત્કાલિક FIR દાખલ કરવાની માગણી કરી છે.

આ પણ વાંચો: ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓનો પ્રોજેક્ટ 15 વર્ષ પછી પણ અધૂરો કેમ?

આ ઉપરાંત વિવાદિત પુસ્તકની નકલો જપ્ત કરવા, વેબસાઇટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાંધાજનક લખાણ દૂર કરાવવા તથા સંબંધિત સંસ્થા દ્વારા જાહેરમાં લેખિત માફી મગાવવાની માંગ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવો શબ્દપ્રયોગ ન થાય તેની લેખિત બાંહેધરી પણ માગવામાં આવી છે.

આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાતનો રાવળ યોગી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. આંદોલનની સ્થિતિ ઊભી થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે. સાથે પુસ્તકનું મુખપૃષ્ઠ, પાના નંબર 115 પરનું વિવાદિત લખાણ અને સંબંધિત સંસ્થાને કરવામાં આવેલી ઈમેઈલ રજૂઆતની નકલો પણ બિડાણ તરીકે જોડવામાં આવી છે.

હાલ આ મામલે સમાજ દ્વારા વાંધો ઉઠાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પુસ્તકના પ્રકાશકો કે સંબંધિત સંસ્થા તરફથી આ આક્ષેપો અંગે કોઈ જવાબ કે સ્પષ્ટતા આપવામાં આવી હોવાની વિગતો મળેલી નથી.

આ પણ વાંચો: સ્વામિનારાયણના સંતોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, ‘અમે હિંદુ નથી!’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x