અમરેલી જિલ્લાના ઝરખિયા ગામના માત્ર 20 વર્ષના દલિત યુવક નીલેશ રાઠોડની હત્યા બાદ પીડિત પરિવાર આજે પણ ન્યાય અને કાયદેસરની આકરી કાર્યવાહી માટે વલખાં મારી રહ્યો છે. દલિત યુવકની હત્યા અને તેના પર થયેલા અત્યાચારના કેસમાં હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. NHRC સમક્ષ રજૂ કરાયેલા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટના તપાસ અહેવાલ સામે આયોગે માનવ અધિકાર કાર્યકર્તા અને ફરિયાદી કાંતિલાલ પરમાર પાસેથી 17 ઓક્ટોબર 2026 સુધીમાં વાંધા અને વિગતવાર નિવેદનો માંગ્યા છે.
એક ગરીબ દલિત પરિવારના આશાસ્પદ દીકરાને ભોગ બનાવનાર આ ભયાનક ઘટનાએ સમગ્ર ગુજરાતમાં આક્રોશ ઊભો કર્યો હતો. ન્યાયતંત્ર અને કાયદાની પ્રક્રિયા કાગળ પર ગમે તેટલી ઝડપી દેખાતી હોય, પરંતુ જમીની સ્તરે પીડિત દલિત પરિવારના આંસુ આજે પણ તંત્ર સામે આકરા સવાલો ઊભા કરે છે.

માર્કેટિંગ યાર્ડ પાસે બનેલી એ ગોઝારી ઘટના
ઘટનાની વિગતો મુજબ, 16 મે 2025ના રોજ અમરેલીના માર્કેટિંગ યાર્ડ નજીક સાવરકુંડલા રોડ પર અનુસૂચિત જાતિના ચાર વ્યક્તિઓ અને ભરવાડો વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ દરમિયાન 20 વર્ષીય દલિત યુવક નીલેશ રાઠોડ પર અત્યંત ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં નીલેશને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં જીવન અને મરણ વચ્ચે ઝૂલ્યા બાદ 22 મે 2025ના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો: કર્ણનું આરોપનામુંઃ જયેશ વરિયાનું આ પુસ્તક કેમ ચર્ચામાં છે?
માત્ર 20 વર્ષની નાની વયે જીવ ગુમાવનારા નીલેશના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ કેસમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી, યોગ્ય ગુનાની કલમોનો અમલ, વિશેષ સરકારી વકીલની નિમણૂક તેમજ મૃતકના પરિવારને યોગ્ય વળતર અને કાયમી પુનર્વસનની માંગ સાથે NHRC સમક્ષ કેસ નંબર 798/6/2/2025 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહી ક્યાં પહોંચી
NHRC સમક્ષ તાજેતરમાં 23 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે આયોગને જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલી દ્વારા 19 મે 2026ના રોજ એક અહેવાલ સોંપવામાં આવ્યો હતો. આ સરકારી અહેવાલમાં દર્શાવવામાં આવેલી બાબતો મુજબ ઘટના અંગે 16 મે 2025ના રોજ ગુનો નોંધાયો હતો અને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. અમરેલીની વિશેષ સેશન્સ કોર્ટ તથા વિશેષ અત્યાચાર અદાલતમાં તા. 14 જુલાઈ 2025ના રોજ ચાર્જશીટ નંબર 100/2025 રજૂ કરી દેવામાં આવી હતી. કેસમાં સામેલ સગીર આરોપી અંગેનો અલગથી અહેવાલ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને સુપ્રત કરવામાં આવ્યો હતો. કેસની મજબૂત પેરવી માટે ગૃહ વિભાગ દ્વારા એડવોકેટ શ્રી ઉદયનભાઈ બી. ત્રિવેદીની વિશેષ સરકારી વકીલ (Special Public Prosecutor) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો: ડો.આંબેડકરની પ્રતિમાને તોફાની તત્વોએ બે વર્ષમાં બે વખત ખંડિત કરી
પીડિત પરિવારને મળેલી આર્થિક સહાય અને સુરક્ષાનો દાવો
જિલ્લા મેજિસ્ટ્રેટના અહેવાલમાં કાયદાકીય સહાયનો આંકડાકીય ચિતાર રજૂ કરતા જણાવાયું છે કે મૃતક નીલેશ રાઠોડના પિતાને FIRના તબક્કે ₹4,12,500 અને ચાર્જશીટના તબક્કે ₹4,12,500 મળીને કુલ ₹8,32,500ની રોકડ આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ₹7,500ની કિંમતની જરૂરી રાશન અને રાહત સામગ્રી આપવામાં આવી હતી. કેસના ત્રણ મહત્વના દલિત સાક્ષીઓને પણ FIR અને ચાર્જશીટના તબક્કે કુલ ₹4,50,000 (પ્રત્યેક સાક્ષીને ₹1,50,000) ની સહાય આપવામાં આવી છે.
તંત્ર દ્વારા અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે મૃતકના પરિવાર કે સાક્ષીઓ પર કેસ પાછો ખેંચવા અથવા આરોપીઓ સાથે સમાધાન કરી લેવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નહોતું. પરિવારની સલામતી માટે 02 જૂન 2025થી 11 સપ્ટેમ્બર 2025 સુધી પોલીસ પેટ્રોલિંગ અને પોઈન્ટ પ્રોટેક્શન સુરક્ષા પૂરી પાડવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું છે.
‘માત્ર ચાર્જશીટથી ન્યાય ન મળે’
આ બાબતે માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે સ્પષ્ટ જણાવ્યું છે કે માત્ર FIR દાખલ કરવી, આરોપીઓને જેલમાં ધકેલવા કે ચાર્જશીટ રજૂ કરી દેવાથી દલિત પીડિતોને સંપૂર્ણ ન્યાય મળી જતો નથી. સરકારી કાગળો પર દર્શાવેલી વિગતો અને જમીની વાસ્તવિકતા વચ્ચે ઘણીવાર મોટો તફાવત હોય છે.
આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?
તેમણે ઉમેર્યું કે, 17 ઓક્ટોબર 2026 પહેલાં કલેક્ટરના આ અહેવાલનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવશે. જો પરિવારના પુનર્વસન, સરકારી નોકરી, જમીન ફાળવણી અથવા સુરક્ષા સંબંધિત કોઈ પણ વૈધાનિક હક્કો બાકી રહી ગયા હશે, તો તે તમામ મુદ્દાઓ મજબૂત પુરાવાઓ સાથે NHRC સમક્ષ રજૂ કરાશે. 20 વર્ષના માસુમ નીલેશ રાઠોડના બલિદાન બાદ તેના પરિવારને બંધારણીય અને કાયદાકીય રીતે પૂરેપૂરો ન્યાય મળે તે માટે આ લડાઈ આયોગમાં આખરી તબક્કા સુધી લડવામાં આવશે.
આ પણ વાંચો: ABVP કાર્યકરોએ હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને ફટકારી!











