દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાઓને ઝોળીમાં નાખીને દવાખાને પહોંચાડવાની ઘટનાઓની હવે જાણે કોઈ નવાઈ નથી રહી. છેલ્લાં બે-ત્રણ મહિનામાં જ આવી એકથી વધુ ઘટનાઓ સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આવી ઘટનાઓની નોંધ લઈ રાજ્ય સરકારને યોગ્ય રસ્તા બનાવવા કહ્યું છે, તેમ છતાં સરકાર હજુ જાગી હોય તેમ લાગતું નથી. આવું એટલા માટે લાગે, કેમ કે ફરી એકવાર એક પ્રસુતાનું ‘ગુજરાતના ઝોળીદાર વિકાસ’ના કારણે મોત થયું છે.
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં નાખી ત્રણ કિમી સુધી ઊંચકીને લઈ જવાઈ હતી. એ પછી એમ્બ્યુલન્સમાં ક્વાંટથી છોટાઉદેપુર અને ત્યાંથી વડોદરા રિફર કરાઈ હતી, પરંતુ પ્રસૂતિ થાય તે પહેલાં જ તેનું મોત થયું હતું.
તુરખેડા ગામના ખૈંડી ફળિયાના વાણસીબેન નાયકાને પાંચમી પ્રસૂતિમાં પીડા ઉપડતા આજુબાજુના યુવાનો તેમજ પરિવારના સભ્યો ઝોળી બનાવીને તેમને ખૈંડી ફળિયાથી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળીમાં ઉંચકીને લાવ્યા હતા. ત્યારબાદ સાવધા ફળિયાથી 108 એમ્બ્યુલન્સમાં આ મહિલાને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી હતી. કવાંટથી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ પ્રસૂતિ થાય તે પહેલાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: 4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?
ઉલ્લેખનીય છે કે, આઝાદીના 78 વર્ષ પછી પણ તુરખેડાના આ ફળિયાને રસ્તાની સુવિધા મળી નથી. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાઓ નિમ્ન કક્ષાની છે. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલાને છોટાઉદેપુર મોકલવામાં આવી હતી. જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે રિફર કરાઈ હતી.
આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલાનું મોત થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તારમાં રસ્તા બનાવતી નથી. રસ્તાના અભાવે ગત વર્ષે પણ એક મહિલાનું મોત થયું હતું. અગાઉ પણ બે મહિલાઓને આ રીતે ઝોળીમાં નાખીને હોસ્પિટલ કે અમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી નથી. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને આદેશ આપ્યો હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધાર થયો નથી.
આ પણ વાંચો: AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી જાહેર










