દેશભરમાં જ્યારે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હતી, ત્યારે મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં દલિત સમાજની આસ્થા અને સન્માન પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમિલિયા બજારમાં 14મી એપ્રિલના રોજ નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે બ્રાહ્મણ યુવકોની દાદાગીરી કરીને બોલેરો કાર રેલીના રૂટ પરથી હટાવવાનો ઈનકાર કરી રેલીમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોતજોતામાં આખી ઘટના બ્રાહ્મણ વિરુદ્ધ દલિતોની બની ગઈ હતી. નાનકડી ઘટનાએ હિંસક વળાંક લીધો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ તોફાન મચાવ્યું હતું. સ્થાનિક દલિત આગેવાનો જણાવ્યા મુજબ આખી ઘટનામાં બજરંગ દળનો હાથ હતો અને આ આખું પૂર્વનિયોજિત કાવતરું હતું.
આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી 4 દલિતોની ધરપકડ કરી છે. સવર્ણ મીડિયાએ આખી ઘટનામાં બ્રાહ્મણ યુવકોની દાદાગીરી અને બજરંગ દળના કાર્યકરોના ષડયંત્રને સાઈટમાં રાખીને દલિતો અને 14મી એપ્રિલની રેલીને વિલન ચીતરતું રિપોર્ટિંગ કરી દલિતોને બદનામ કર્યા હતા.

ષડયંત્ર હેઠળ રેલી રોકવાનો પ્રયાસ
ઘટનાક્રમ મુજબ, અમિલિયા બજારથી હટવા સભા સ્થળ તરફ દલિત સમાજ દ્વારા એક વિશાળ અને શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી રહી હતી. જ્યારે આ રેલી અમિલિયા હાયર સેકેન્ડરી સ્કૂલ પાસે પહોંચી, ત્યારે મનીષ તિવારી નામના યુવકે પોતાની બોલેરો કાર જાણીજોઈને રસ્તાની વચ્ચે ઉભી રાખી દીધી હતી. રેલીના આયોજકો અને દલિત કાર્યકરોએ વિનંતી કરી હતી કે ગાડી બાજુ પર લઈ લેવામાં આવે જેથી હજારોની સંખ્યામાં રહેલા લોકો આગળ વધી શકે.
આ પણ વાંચો: તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ખંડિત કરી
જોકે, નમ્રતાનો જવાબ ઉદ્ધતાઈથી આપતા મનીષ તિવારી અને તેની સાથેના અન્ય બ્રાહ્મણ યુવકોએ ગાડી રસ્તા પરથી નહીં હટે તેમ કહીને દાદાગીરી શરૂ કરી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ એવી દાદાગીરી કરી હતી કે રસ્તો કોઈના બાપનો નથી, એટલે અમારી ગાડી તો ત્યાં જ રહેશે. આ માત્ર ટ્રાફિકનો પ્રશ્ન નહોતો, પરંતુ એક ખાસ વર્ગ દ્વારા દલિત સમાજના શક્તિ પ્રદર્શન અને તેમની આસ્થાને રોકવાનો સીધો પ્રયાસ હતો. આ દાદાગીરીને કારણે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
પોલીસે બ્રાહ્મણો અને બજરંગ દળની તરફેણ કરી?
સામાન્ય આ ઘટનાએ થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર હુમલો કરી દીધો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ વિવાદ વધ્યો ત્યારે પોલીસે પીડિત દલિત પક્ષને ન્યાય આપવાને બદલે શિથિલતા દાખવી હતી. રેલીમાં વિઘ્ન નાખનારા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી ન થતા દલિત સમાજના યુવાનોમાં આક્રોશ ફેલાવો સ્વાભાવિક હતો. અંદાજે 50-60 લોકોનું ટોળું જ્યારે અમિલિયા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તેમની માંગ માત્ર એટલી જ હતી કે કાયદો હાથમાં લેનારા અને જાતિસૂચક અપશબ્દો બોલનારા મનીષ તિવારી અને તેના સાથીઓ પર કડક કાર્યવાહી થાય.

આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી
પરંતુ, પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓએ પીડિતોની વાત સાંભળવાને બદલે બચાવની મુદ્રા અપનાવી હતી. આ સંવેદનહીનતાને કારણે ભીડ ઉગ્ર બની અને પોલીસ સ્ટેશનમાં તોડફોડની ઘટના બની હતી. મનુવાદી મીડિયાએ આ ઘટનાને ‘દલિતોનો આતંક’ કહીને રજૂ કરી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ હિંસા પાછળનું મૂળ કારણ બ્રાહ્મણ યુવકોની તે દાદાગીરી હતી જેણે એક શાંતિપૂર્ણ ઉત્સવને અશાંતિમાં ફેરવી નાખ્યો હતો.
મનુવાદી મીડિયાનું પક્ષપાતી રિપોર્ટિંગ
હિંસા બાદ તંત્રે ભારે પોલીસ કાફલો તૈનાત કરી દીધો છે. સીધી, મૌગંજ, રીવા અને સતનાથી વધારાનું પોલીસ બળ બોલાવવામાં આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી 11 મોટરસાયકલ અને 1 બોલેરો જપ્ત કરી છે. અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં થયેલા નુકસાન અને સીસીટીવી કેમેરા તોડવાના આરોપ હેઠળ દલિત સમાજના યુવકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ છે કે જે મનીષ તિવારીએ આખી ઘટનાની શરુઆત કરી તેની સામે કેટલી કડક કાર્યવાહી થઈ?
સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે મનુવાદી મીડિયા માત્ર પોલીસ સ્ટેશનમાં થયેલી તોડફોડ બતાવી રહ્યું છે, પરંતુ તે બ્રાહ્મણ યુવકોની ગુંડાગીરી વિશે મૌન છે જેમણે રસ્તો રોકીને વિવાદ વકર્યો હતો. આ એકતરફી રિપોર્ટિંગ દલિત સમાજની છબી ખરડાવવાનો વ્યવસ્થિત પ્રયાસ છે.
આ પણ વાંચો: અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની શોભાયાત્રા રોકી પથ્થરમારો કર્યો













