રાજકોટના સરધારમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાતા રોષ

રાજકોટના સરધારમાં બૌદ્ધ વિહારમાંથી બાબાસાહેબની પ્રતિમા હટાવી દેવાતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીનારાયણના સાધુઓ સહિત 25 લોકો સામે ફરિયાદ.
Sardhar Rajkot

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઐતિહાસિક સરધાર ગામમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડી હટાવી દેવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. 16 એપ્રિલની વહેલી સવારે અંદાજે 20થી 25 જેટલા અજાણ્યા શખ્સોએ અંધારાનો લાભ લઈ બૌદ્ધ વિહારમાં સ્થાપિત બાબાસાહેબની પ્રતિમાને પાયામાંથી ઉખેડી નાખી હતી અને તેને બાજુની કમ્પાઉન્ડ વોલ પાસે ફેંકી દીધી હોવાની હકીકત સામે આવી છે.

આ હીન કૃત્યને પગલે દલિત સમાજના અગ્રણી બિપીનભાઈ મકવાણા દ્વારા આજી ડેમ પોલીસ મથકમાં સ્વામિનારાયણ મંદિરના સાધુઓ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જૂનો જમીન વિવાદ કારણભૂત હોવાની ચર્ચા

આ સમગ્ર વિવાદના મૂળમાં જમીન સંપાદન અને તેના પરના અધિકારનો જૂનો મામલો રહેલો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, રાજકોટના સરધાર ગામની સર્વે નંબર 13ની અંદાજે 4 એકર જમીન વર્ષ 1957માં સરકાર દ્વારા તેમના પૂર્વજોને સાંથણીમાં એટલે કે ભાડા પટ્ટે ખેતી અને રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવી હતી. આ જમીન પર દલિત સમાજની આસ્થા જોડાયેલી છે અને વર્ષ 2019માં વિધિવત રીતે ત્યાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે

16 એપ્રિલની વહેલી સવારે 4:14 વાગ્યે જ્યારે ગ્રામજનોને આ વિશે જાણ થઈ ત્યારે પ્રતિમા તેના નિયત સ્થાનેથી ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં કેટલાક શખ્સો પ્રતિમાને નુકસાન પહોંચાડી બાજુની સરકારી ખરાબાની જમીનમાં ફેંકીને નજીકમાં આવેલા સ્વામિનારાયણ બાગના ગેટમાં અંદર પ્રવેશ્યા હતા, જેને કારણે શંકાની સોય સ્વામીનારાયણ મંદિરના સાધુઓ તરફ છે.

અગાઉ પણ અનેકવાર પ્રતિમા તોડવા પ્રયત્ન થયો હતો

સરધારમાં પ્રતિમા ખંડિત કરવાની કે તેને સ્થાનાંતરિત કરવાની આ કોઈ પ્રથમ ઘટના નથી, પરંતુ છેલ્લા ચાર વર્ષમાં આ ચોથી વખત સમાન પ્રકારનો વિવાદ વકર્યો છે. અગાઉ વર્ષ 2021માં સૌપ્રથમવાર બૌદ્ધ વિહાર તોડવા બાબતે ઘર્ષણ થયું હતું અને પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ વર્ષ 2023માં સ્વામિનારાયણ મંદિરના સાધુઓ નિત્યસ્વરૂપદાસજી, બાલમુકુંદ સ્વામી અને પતિત પાવન સ્વામી સહિત 150 લોકોના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઓડિશામાં બોક્સાઈટ પ્રોજેક્ટના વિરોધમાં હિંસા, 40 પોલીસકર્મી સહિત 60 ઘાયલ

ગત વર્ષે પણ 22 ડિસેમ્બર 2025ના રોજ ફરી એકવાર પ્રતિમા ખંડિત કરાતા દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અગાઉના વિવાદો વખતે સાધુઓએ પોતાના લેટર પેડ પર લેખિત ખાતરી આપીને પ્રતિમા પરત લાવી આપી હતી, પરંતુ ફરી તે જ સ્થળેથી પ્રતિમા હટાવવામાં આવતા તંત્રની ઢીલી નીતિ સામે સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો:  ડૉ.આંબેડકરની પ્રતિમા આસપાસ દબાણ કરાતા યુવકે અનોખી રીતે વિરોધ કર્યો

દલિતોની આંદોલનની ચીમકી

ઘટનાની ગંભીરતા અને સામાજિક સંવેદનશીલતાને જોતા રાજકોટ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે. આજી ડેમ પોલીસે વિધિવત ગુનો નોંધીને વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષક ભાવેશકુમાર જાદવને સોંપી છે. ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એકતરફ પૂર્વજોની જમીનનો હક્ક અને બીજી તરફ બંધારણના ઘડવૈયાનું અપમાન થતા દલિત સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ વખતે જવાબદારો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ અને શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: બ્રાહ્મણ યુવકોએ કાર ન હટાવતા 14મી એપ્રિલની રેલીમાં હિંસા ફાટી નીકળી!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x