Honor Killing: કથિત વિશ્વગુરુ આપણા ભારત દેશમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવક-યુવતીઓને કેવું ભયાનક પરિણામ ભોગવવું પડે છે તે સૌ જાણે છે. યુવતી કે યુવકના પરિવારજનો તેમનાથી કથિત નીચી જાતિમાં થયેલા લગ્નને સાંખી શકતા નથી. પરિણામે ઈજ્જત બચાવવાના નામે તેઓ પ્રેમલગ્ન કરનાર યુગલને મોતને ઘાટ ઉતારતા પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં એક દલિત યુવકને સવર્ણ યુવતી સાથે લગ્ન કરવા બદલ યુવતીના પરિવારે ચાલુ ટ્રેન સામે ફેંકી દીધો હતો.
યુપીના બિજનૌરની ઘટના
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના બિજનૌર જિલ્લામાં જાતિવાદના ઝેર અને કથિત સામાજિક પ્રતિષ્ઠા ખાતર એક નિર્દોષ યુવકની નિર્મમ હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્યોહારા વિસ્તારના જુઝૈલા ગામના ૨૨ વર્ષીય દલિત યુવક ગુલશનની માત્ર એટલા માટે હત્યા કરી દેવામાં આવી કારણ કે તેણે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપીઓએ ગુલશનને ચાલતી એક્સપ્રેસ ટ્રેન સામે ફેંકી દઈ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં આ લોહિયાળ ખેલનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો: નેપાળનું લુમ્બીની દલિત અધિકાર બિલ પાસ કરનાર પ્રથમ પ્રાંત બન્યું
પ્રેમલગ્ન કરવાની ભયાનક સજા
મૃતક ગુલશન અને પાડોશી ગામની સૈની સમાજની યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને અલગ-અલગ જ્ઞાતિના હોવાને કારણે યુવતીનો પરિવાર આ સંબંધના સખત વિરોધમાં હતો. સામાજિક દબાણ અને વિરોધ છતાં, ગુલશન અને યુવતીએ થોડા સમય પહેલા પરિવારની મરજી વિરુદ્ધ જઈને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પણ યુવતી પોતાના પિયરમાં જ રહેતી હતી અને આ વાતની જાણ કોઈને નહોતી. જોકે, તાજેતરમાં જ યુવતીના ભાઈઓને આ લગ્નના દસ્તાવેજો અથવા કોઈ માધ્યમથી જાણ થઈ ગઈ હતી, જે ગુલશન માટે કાળ સાબિત થઈ.
હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું
29 અને 30 એપ્રિલની મધ્યરાત્રિએ જ્યારે ગુલશન પોતાની પત્નીને મળવા માટે છૂપી રીતે તેના ગામે પહોંચ્યો, ત્યારે યુવતીના પરિવારજનો પહેલેથી જ ઘાત લગાવીને બેઠા હતા. યુવતીના ભાઈઓ અતર સિંહ, પુષ્પેન્દ્ર અને રજનીશ સૈનીએ પોતાના 10 થી 12 અજાણ્યા સાથીદારો સાથે મળીને ગુલશનને પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓએ પહેલા ગુલશન પર લાકડીઓ અને લાતોથી જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેને ગામની નજીકથી પસાર થતી રેલવે લાઇન પર લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી દેહરાદૂન-હાવડા એક્સપ્રેસ ટ્રેન નજીક આવતા જ આરોપીઓએ ગુલશનને પાટા પર ધક્કો મારી દીધો હતો. ટ્રેનની અડફેટે આવતા ગુલશનના શરીરના ટુકડા થઈ ગયા હતા અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીઓનો મુખ્ય હેતુ આ હત્યાને આત્મહત્યા અથવા અકસ્માત દર્શાવવાનો હતો.

આ પણ વાંચો: ભાજપની રાજપૂત મહિલા નેતા નકલી SC સર્ટિફિકેટ પર મંત્રી બની ગઈ?
પોલીસની ઢીલી કામગીરી સામે આક્રોશ
ઘટનાની જાણ થતા જ ગુલશનના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શરૂઆતમાં સ્થાનિક પોલીસે આને અકસ્માત ગણીને કાર્યવાહી કરવાની વાત કરી હતી, જેનાથી ગ્રામજનો અને દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેના પુત્રની હત્યા કરવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને બચાવી રહી છે. ભારે હંગામા અને વિરોધ પ્રદર્શન બાદ પોલીસે ગુલશનના પિતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: આકાશવાણી અમદાવાદમાં સરકારી ખર્ચે ‘ગાયત્રી યજ્ઞ’ યોજાયો!
ઈજ્જત બચાવવા હત્યા કરી દેવાઈ
પોલીસે જ્યારે શંકાના આધારે યુવતીના ભાઈ અતર સિંહની કડક પૂછપરછ કરી, ત્યારે આખી ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. એસપી (પૂર્વ) અમિત કિશોર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “આરોપીઓએ કબૂલાત કરી છે કે લગ્નની વાત જાણ્યા પછી તેઓ ગુસ્સામાં હતા. તેમને લાગ્યું કે દલિત યુવક સાથે લગ્ન કરવાથી સમાજમાં તેમનું નાક કપાઈ જશે. પોતાની કહેવાતી ઈજ્જત બચાવવા માટે તેઓએ ગુલશનને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું.”
ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ
બિજનૌર પોલીસે આ મામલે મુખ્ય ત્રણ આરોપીઓ અતર સિંહ, પુષ્પેન્દ્ર અને રજનીશની ધરપકડ કરી છે. તેમની સામે આઈપીસીની હત્યા અને પુરાવા નાશ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ત્રણેય આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે અને ફરાર અન્ય 10-12સાથીદારોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. આ ઓનર કિલિંગની ઘટનાએ સમગ્ર યુપીમાં ચકચાર મચાવી દીધી છે અને જાતિવાદી માનસિકતા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો











